પોલીસ ગોથે ચડી:રાજકોટના શાપરમાં હત્યામાં મૃતક યુવાનની શ્રમિકો પાસે ઓળખ કરાવી, આસામથી બોલાવેલા પરિવારે કહ્યું અમારો પુત્ર નથી, એ જીવિત છે અને અરૂણાચલ રહે છે!

રાજકોટએક મહિનો પહેલા
ગઇકાલે શાપર પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.
  • ગઇકાલે શાપરની ખુલ્લી જગ્યામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો
  • પરિવારે પોલીસ પાસે વીડિયો કોલથી પુત્ર સાથે પણ વાત કરાવી

શાપર-વેરાવળમાં ગઈકાલે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યા બાદ શાપરમાં કામ કરતા શ્રમિકોએ આ મૃતદેહ આસામના રૂપમ શૈલેન્દ્રદાસની હોવાનું જણાવતા પોલીસે આસામ સ્થિત તેના પરિવારજનોને જાણ કરી શાપર બોલાવ્યા હતા. આજે આસામ સ્થિત પરિવારજનોએ આ મૃતદેહ તેના પુત્ર રૂપમનો નહીં હોવાની કેફીયત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી. એટલુ જ નહીં પોલીસે વધુ તપાસ કરતા રૂપમ શૈલેન્દ્રદાસ જીવિત હોવાનું અને તે હાલમાં અરૂણાચલ હોવાનું ખુલ્યું હતું. આથી શાપર પોલીસ પણ ગોથે ચડી છે.

પોલીસે રૂપમ સાથે વીડિયો કોલથી વાત કરી
પોલીસ અને તેના પરિવારજનોએ રૂપમ સાથે વીડિયો કોલથી વાત પણ કરી હતી. જોકે ગઈકાલે રૂપમનો મોબાઈલ બંધ આવતો હોય અને છેલ્લા બે વર્ષથી રૂપમે તેના પરિવારજનો સાથે ફોનમાં વાતચીત કરી ન હોય અને શાપર સ્થિત આસામના શ્રમિકોએ હત્યાનો ભોગ બનનાર રૂપમ હોવાની કેફિયત આપી હતી. દરમિયાન શાપર-વેરાવળના PSI કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફે હત્યાનો ભોગ બનનાર અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા વિવિધ દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

યુવાનનું ગળુ દબાવી હત્યા કરાયાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું છે.
યુવાનનું ગળુ દબાવી હત્યા કરાયાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું છે.

પીએમ રિપોર્ટમાં યુવાનને ગળુ દબાવી હત્યા કરાયાનું ખુલ્યું
રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર સ્થિત ગંગા ફોર્જિંગના ગેઈટની અંદર ગોલ્ડન નામના કારખાનાની સામે આવેલી ખુલ્લી જગ્યામાંથી ગઈકાલે સવારે એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતા શાપર પોલીસ ઉપરાંત LCBની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. સ્થળ પરથી મૃતકની ઓળખ મળે તેવી કોઈ ચીજવસ્તુ નહીં મળતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તરફ સમગ્ર તપાસ કેન્દ્રીત કરી હતી. આખરે મૃતકની ઓળખ મેળવવા પોલીસે આસામના શ્રમિકોને બોલાવ્યા હતા અને શ્રમિકોએ મૃતક રૂપમ શૈલેન્દ્રદાસ આસામના બક્સા જિલ્લાના બેટા ગામનો વતની હોવાનું કહ્યું હતું.

ગઇકાલે યુવાનનો મૃતદેહ શાપર પાસે ખુલ્લી જગ્યામાંથી મળી આવ્યો હતો.
ગઇકાલે યુવાનનો મૃતદેહ શાપર પાસે ખુલ્લી જગ્યામાંથી મળી આવ્યો હતો.

પોલીસે રાજકોટ સિવિલમાં મૃતદેહ પીએમ
આ શ્રમિકો પાસેથી પોલીસને એવી માહિતી પણ મળી હતી કે, મૃતક રૂપમ બે વર્ષ પહેલા શાપરમાં પીએસ પ્લાય નામના કારખાનામાં કામ કરતો હતો. જોકે હાલ તે ક્યાં રહેતો હતો અને ક્યાં કારખાનામાં મજૂરી કરતો હતો તે વિશે કોઈ માહિતી નથી. પોલીસે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં તબીબોએ ગળુ દબાવી હત્યા કરાયાનો રિપોર્ટ આપ્યો હતો. જ્યાંથી મૃતદેહ મળ્યો તે જગ્યાએ જ હત્યા થઈ કે પછી બીજી કોઈ જગ્યાએ હત્યા કરી મૃતદેહ ફેંકી દેવાયો તે અંગે પોલીસ કોઈ ચોક્કસ તારણ પર પહોંચી શકી નથી.