સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એક મહિનાથી અધ્ધરતાલ રહેલ કરાર આધારિત 400 જેટલા કર્મચારીઓની ભરતી મામલે કુલપતિ ડો.નીતિન પેથાણીએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સમક્ષ આજે રૂબરૂ રજૂઆત કરી હતી. જોકે આ અંગે હજુ ચોક્કસ નિર્ણય આવ્યો નથી. પરંતુ ટૂંક સમયમાં એજન્સી મારફત જરૂરિયાત મુજબ મંજૂર થયેલ મહેકમ પર કર્મચારીઓને ફરી ફરજ પર બોલાવવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
શિક્ષણમંત્રી અને કુલપતિ વચ્ચે 5થી 7 મિનીટ ચર્ચા ચાલી
રાજકોટ જિલ્લાના પ્રભારીમંત્રી અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી આજે રાજકોટની મુલાકાતે હતા. એ સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી પંડિત દિન દયાળ મેડિકલ કોલેજ ખાતે આવી પહોંચ્યા હતા અને શિક્ષણમંત્રી સાથે 5થી 7 મિનિટ ઓફિસમાં બેસી ચર્ચા કરી હતી. આ દરમિયાન શિક્ષણમંત્રી સમક્ષ કુલપતિ ડો. નીતિન પેથાણીએ છેલ્લા એક મહિનાથી અધ્ધરતાલ રહેલા કરાર આધારિત કર્મચારીઓના પ્રશ્ન અંગે પણ રજૂઆત કરી હતી. જેમાં હકારાત્મક જવાબ મળ્યો હોવાનું કુલપતિએ જણાવ્યું હતું.
મહેકમ પર કર્મચારીઓની ભરતી કરવામાં આવશે
ડો.નીતિન પેથાણીએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી રાજકોટની મુલાકાતે છે તો સ્વાભાવિક રીતે મળવા આવવું એ મારી ફરજ છે અને એ માટે હું મંત્રીને મળવા આવ્યો છે. કરાર આધારિત કર્મચારીઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં એજન્સી મારફત કરાર આધારિત નિમણૂક મંજૂર થઈ છે તેટલી મહેકમ પર કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
કર્મીઓને બ્રેક આપ્યા બાદ હજુ સુધી પરત લેવાયા નથી
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 11થી 17 ડિસેમ્બર સુધી કરાર પરના કર્મીઓને બ્રેક આપ્યા બાદ હજુ સુધી પરત લેવાયા નથી. જેના કારણે બે દિવસ પહેલા સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ, ગિરીશ ભીમાણી અને પ્રવિણસિંહ ચૌહાણે સોમવાર સુધી નિર્ણયનું ઉપકુલપતિને અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે હવે હજુ પણ ટૂંક સમયમાં પરત લેવાની વાત કરતા કર્મીઓ આવતીકાલે ક્યાં પ્રકારે રણનીતિ ઘડશે કે વિરોધ નોંધાવશે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.