તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલ બેડ કેસ:રાજકોટમાં એક નહી બે દર્દી પાસેથી પૈસા લઈ બેડ અપાવ્યાનો પોલીસ તપાસમાં ખુલાસો, બંને આરોપી સામે વધુ એક ફરિયાદ દાખલ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંને આરોપી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ. - Divya Bhaskar
બંને આરોપી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ.
  • આજે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી વધ પાંચ દિવસના રિમાન્ડની માગણી કરાશે

રાજકોટમાં કોરોના દર્દી સારવાર માટે બેડની વ્યવસ્થા નથી. જેમાં સિવિલ હોસ્પિટલમાં બેડ માટે કલાકો સુધી દર્દીઓ લાઇનમાં ઉભા રહે છે. રૂપિયા 9000 લઇ તુરંત બેડ અપાવી દેતા સિવિલનાં બે કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી જગદીશ ભરત સોલંકી અને હિતેષ ગોવિંદભાઈ મહિડા વિરૂદ્ધ આજે પ્રનગર પોલીસે ગુનો દાખલ કરી બન્નેના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બન્નેએ એક નહી પરંતુ બે દર્દી પાસેથી પૈસા લઈ બેડ અપાવ્યાની માહિતી પોલીસને મળતા પોલીસે બન્ને વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બંને આરોપીને ક્રાઇમ બ્રાન્ચે જામનગરથી ઝડપી પાડ્યા હતા
પ્રથમ કેસમાં બન્ને આરોપીઓ સામે IPC કલમ 336 કે જેની વ્યાખ્યામાં કોઈની શારિરીક સલામતી જોખમમાં મૂકે તેવુ કૃત્ય કરવાની છે, તે ઉપરાંત છેતરપિંડીની IPC કલમ 406 અને ગુનાહીત કાવતરાની કલમ 120(બી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ફરિયાદી તરીકે સિવિલ હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવતા ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી. બન્ને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે જામનગરથી ઝડપી પાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આરોપી જગદીશ અગાઉ સિવિલનાં કોવિડ વોર્ડમાં એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો હતો. દોઢ વર્ષ નોકરી કર્યા બાદ છૂટો થઈ ગયો હતો. એકાદ માસથી ફરીથી નોકરી પર લાગી ગયો હતો. આ દરમિયાન તેને સિવિલમાં સફાઈ કામદાર તરીકે ગત 1 એપ્રિલથી નોકરીએ લાગેલા હિતેષ સાથે પરિચય થયો હતો. હિતેષ કોવિડ વોર્ડમાં સફાઈ કામદાર તરીકે હોવાથી કોઈ દર્દી મૃત્યુ પામે તો તેને તત્કાલ જાણ થઈ જતી હતી.

થોડા દિવસ પહેલા આરોપીએ દર્દીના સગા પાસેથી પૈસા લીધા તેનો વીડિયો વાઇરલ થયો હતો.
થોડા દિવસ પહેલા આરોપીએ દર્દીના સગા પાસેથી પૈસા લીધા તેનો વીડિયો વાઇરલ થયો હતો.

હિતેષ મૃતદેહ બેડ પરથી લઈ બેડ ખાલી કરાવી નાખતો
એટલુ જ નહીં તે તત્કાલ મૃત પામેલા દર્દીનો મૃતદેહ બેડ પરથી લઈ બેડ ખાલી કરાવી નાખતો હતો. બીજી તરફ જગદીશ મજબૂર અને જરૂરિયાતમંદ દર્દીઓને શોધી તેના નામ, સરનામા સહિતની માહિતી મેળવી લેતો હતો. આ રીતે બન્નેએ દર્દી ઉજમબેન મગનલાલ રાયકુંડલીયા (ઉં.વ.85)ના સગા પાસેથી માહિતી મેળવી તત્કાલ તેમને બેડ અપાવવા માટે સોદો કર્યો હતો. જેના પગલે જગદીશે ઉજમબેનનાં નામ, સરનામા સહિતની માહિતી હિતેષને આપી દીધી હતી. જેણે તત્કાલ તે નામની ફાઈલ કઢાવી જગદીશ સુધી પહોંચાડી હતી. આ પછી ઉજમબેનને ચોધરી હાઈસ્કૂલના મેદાનમાંથી બોલાવાને બદલે ટ્રોમા સેન્ટર પર બોલાવી લીધા હતા. બાદમાં તેમને સ્ટ્રેચર પર સુવડાવી કોવિડ હોસ્પિટલમાં ફાઈલ સાથે રાખી હિતેષ ગયો હતો અને જે દર્દી મૃત્યુ પામતા તેનું બેડ ખાલી થયું હતું તેમાં સુવડાવી દીધા હતા. હિતેષ પીપીઈ કીટ પહેરીને ફરજ બજાવતો હોવાથી કોઈએ પૂછતા દર્દીને ઈન્ટરનલ ચેકિંગ માટે બહાર લઈ ગયાનુ બહાનું બતાવી દીધુ હતું.

આરોપી ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં મજબૂર દર્દીની શોધ કરતો હતો.
આરોપી ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં મજબૂર દર્દીની શોધ કરતો હતો.

બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મગાશે- PI
પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ.ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં કુલ બે દર્દીને બેડ અપાવી દીધાની માહિતી મળી હોવાથી તે અંગે સીસીટીવી ફુટેજ ચકાસી તેના આધારે ખરાઈ કરી બન્ને વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ આધારે આજે વધુ 5 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં બન્ને આરોપીઓને રજૂ કરવામાં આવશે. આ સાથે અન્ય કોઇ દર્દી કે સંબંધી પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.