ભાજપ એટલે શિસ્ત અને સંગઠનની પાર્ટી. આવો રાગ વર્ષોથી આલાપવામાં આવી રહ્યો છે, પરંતુ ગુજરાતના રાજકારણમાં એપી સેન્ટર ગણાતા સૌરાષ્ટ્રમાં ચિત્ર કંઈક અલગ છે. અહીં કેટલીય બેઠકો અને મતવિસ્તારોમાં ભાજપની નેતાગીરીમાં શિસ્ત કે સંગઠનનું નામોનિશાન ન હોય તેવા કિસ્સા વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યા. જ્યાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં જ ટિકિટ વાંચ્છુકોનો રાફડો ફાટ્યો હતો. એક નેતાને તો તેની ટિકિટ કપાવવાની ભીતિ સતાવતા જાહેરમાં શિસ્ત ભંગ કરતા જોવા મળ્યા હતા. જયારે પ્રથમ મતદાન બાદ એવો ગણગણાટ શરુ થયો હતો કે રાજકોટ ભાજપના કેટલાક સિનિયર આગેવાનો નિષ્ક્રિય નેતા પંજામાં સક્રિય થયા હતા. આ ઉપરાંત રાજકોટ પૂર્વમાં તો ઉદય કાનગડને હરાવવા માટે પક્ષના જ કેટલાક નેતાઓ આડા ચાલ્યા હતા. આ ઘટનાના 48 કલાકમાં જ જસદણમાં ભાજપના જ બે નેતા વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. જેમાં કુંવરજી બાવળીયાને હરાવવાની વાત સામે આવી હતી. ત્યારે વિજેતા ઉમેદવારોએ આ પ્રત્યેક ઘટનાઓનું ડોક્યુમેન્ટેશન કરીને પક્ષ વિરોધીઓનું લિસ્ટ હાઇકમાન્ડમાં પહોંચડવાની કવાયત હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
અંદર ખાને કચવાટ ઉત્પન્ન થયો
ચૂંટણી દરમિયાન રાજકોટ-સોરાષ્ટ્રમાં નવા ચહેરાને ટીકીટ આપવામાં આવી હતી અને સિનિયરોને સાઈડ લાઈન કરવામાં આવ્યા હતા.મોટા ભાગની બેઠકોમાં નવા આગમનથી પક્ષમાં ભારે નારાજગી જોવા મળી હતી અને સપાટી પર પણ આવી હતી. ટિકિટ વાંચ્છુકોને હાઇકમાન્ડને મનાવી લીધા હતા છતાં અંદર ખાને નારાજગી જોવા મળી હતી અને એટલે જ ભાજપે જે નારાજ નેતાઓને બેઠકોના ઇન્ચાર્જ બનાવી દીધા હતા અને એ બેઠકો જીતાડવા જવાબદારી સોંપી દીધી હતી છતાં આવા લોકોથી ખુદ ઉમેદવાર જ નારાજ હોય પ્રચાર પ્રસારમાં અને મતદાન કરવમામાં જોઈ એવી કામગીરી ન કરી ની ફરિયાદો ઉઠી હતી. પરંતુ ધારણા બહાર આવેલા પરિણામને કારણે જૂથવાદ પડદા પાછળ ધકેલાય ગયો હતો અને વિજયોત્સવમાં આ નેતાઓ જ શ્રેય લેવા આગળ દોડી આવ્યા હતા પરંતુ પક્ષ નેતાઓનો ઇતિહાસ કયારેય ભૂલતો નથી. જેથી હવે અંદર ખાને કચવાટ ઉત્પન્ન થયો છે.
સેંન્સ પ્રકિયામાં શું બન્યું
રાણીંગા વાડી ખાતે રાજકોટ શહેરની ચાર સીટ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા વરવા દૃશ્યો જોવા મળ્યા હતા. જિલ્લા ભાજપ મંત્રીના પતિ વિનુ ઠુંમરે શહેર અને ગ્રામ્યના આગેવાનો સાથે બોલાચાલી કરી હતી. અપેક્ષિત ન હોવા છતાં સેન્સ પ્રક્રિયામાં જવા માગતા હતા. પરંતુ સેન્સ પ્રક્રિયામાં જવા દેવામાં ન આવતા માથાકૂટ થઈ હતી. રાજકોટ ગ્રામ્ય બેઠક પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. આ બેઠક પર હાલના ધારાસભ્ય લાખા સાગઠિયા, મોહન દાફડા, ભાનુબેન બાબરીયા, રાજુ અઘેરા, બાલુબેન મકવાણા, ગિરીશ પરમાર, કંચનબેન બગડા, બીંદીયાબેન મકવાણા અને મનોજ રાઠોડે દાવેદારી નોંધાવી હતી. જેમાં ભાનુબેન બાબરીયાની જીત થઈ હતી.
ભાજપના ખેસ પહેરીને અન્ય પક્ષ માટે મતદાન કરાવ્યું
પ્રથમ તબક્કાના મતદાનના બીજા દિવસે રાજકોટ પૂર્વ વિધાનસભા-68 બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપ ઉમેદવાર ઉદય કાનગડને હરાવવા ભાજપના જ એક નેતા અને તેના ભાઈએ ધમપછાડા કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ભાજપના જ કેટલાક નેતાઓએ તેમને હરાવવા માટેનું ષડયંત્ર ઘડ્યું હતું અને કેટલાક નેતાઓએ ભાજપના ખેસ પહેરીને અન્ય પક્ષ માટે મતદાન પણ કરાવ્યું હોવાની વાત પણ ઉડી હતી રાજકોટ પૂર્વમાં મંત્રી અરવિંદ રૈયાણીની ટીકીટ કાપીને ભાજપે પૂર્વ મેયર અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડને ઓબીસી ચહેરા તરીકે ટીકીટ આપી હતી. કોંગ્રેસે ફરી પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂને જંગમાં ઉતારતા આ બેઠક હોટ સીટ બની ગઇ હતી. આ બેઠક પર સરસાઇ બહુ નહીં રહે તેવી આગાહી થતી હતી.
જ્ઞાતિવાદનું સમીકરણ સમાપ્ત થઇ ગયું
અમુક લોકો તો આપના ઉમેદવાર રાહુલ ભુવાને પણ મત આપવા ખાનગીમાં વાતો કરતા હતા. ઉદય કાનગડને છેલ્લે સુધી થોડા ટેન્શન સાથે પ્રચાર કરવો પડયો હતો. એક તબકકે તો કોણ સાથે છે અને કોણ સામે છે તે સ્પષ્ટ થતું ન હતું. ભાજપના અમુક નેતાઓ અહીં મોઢુ દેખાડવા ખાતર ધરાર પ્રચારમાં જોડાતા હતા. અંતે મતદારોને જુથવાદ કે અસંતોષ જેવી વાતમાં રસ ન પડયો અને ભાજપને પૂરતા મત આપી દીધા.ઉદય કાનગડને જે લીડ મળી છે તેનાથી જ્ઞાતિવાદનું સમીકરણ પણ અહીંયા સમાપ્ત થઇ ગયું હતું.
આંતરિક ઘૂઘવાટ ચાલી રહ્યો હતો
જસદણ બેઠક પર કુંવરજી બાવળીયાને હરાવવા માટે ભાજપના જ ગજેન્દ્ર રામાણી સહિતના નેતાઓએ એક સમાજના મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેઓ સફળ થયા ન હતા.2017માં કોંગ્રેસમાંથી લડી 9277ની લીડ સાથે જીત્યા બાદમાં ભાજપમાં ભળ્યા અને પેટાચૂંટણી જીતી ત્યારથી અત્યાર સુધી ભાજપમાં આ બેઠક મામલે આંતરિક ઘૂઘવાટ ચાલી રહ્યો છે. અસંતોષ એટલો હતો કે, ચૂંટણીમાં ‘જય ભોલેનાથ’ કોડમાં કોંગ્રેસને જીતાડવાની પેરવીનો પણ બાવળિયાએ આક્ષેપ કર્યો. પ્રથમ રાઉન્ડથી જ પાતળી સરસાઈ ચાલતા ભાજપ ચિંતામાં હતું જોકે છેલ્લા રાઉન્ડમાં બાવળિયા આગળ નીકળી ગયા હતા. જિલ્લાની આઠેય બેઠકમાં સૌથી પહેલા જસદણનું પરિણામ આવ્યું અને જ્યારે બાવળિયા બહાર આવ્યા ત્યારે તમામ સમાજનો આભાર માન્યો હતો અને ‘ભોળાનાથની કૃપા’ છે. એમ કહી વિરોધીઓને જવાબ આપ્યો હતો. જો કે આ બધા વચ્ચે કુંવરજી બાવળીયાએ જીત હાસિલ કરી ફરી પોતાના ગઢમાં કબ્જયો યથાવત રાખ્યો છે.
દક્ષિણમાં આયાતીનું લેબલ હારી ગયું
રાજકોટ-70 દક્ષિણમાં નવેનવા ઉમેદવાર રમેશ ટીલાળાનું નામ જાહેર થતા ભાજપમાં નારાજગીનો મોટો સૂર ઉઠયો હતો.રાજકોટ દક્ષિણની બેઠક પરથી છેલ્લે બે વખત ગોવિંદભાઇ પટેલ ધારાસભાની ચૂંટણી જીતતા હતા. ગત વખતે તો ભાજપે લીડમાં પણ રેકોર્ડ કર્યો હતો. આથી આ સલામત ગણાતી બેઠક પર ટીકીટ માટે ખુદ ગોવિંદભાઇ પટેલ, નરેન્દ્રભાઇ સોલંકી, ધનસુખ ભંડેરી, વિનુભાઇ ઘવા, રમેશભાઇ ઘવા સહિતના આગેવાનોએ દાવેદારી કરી હતી. આ પૈકી કોઇ એકને ટીકીટ અપાશે તેવું લાગતું હતું. પરંતુ એકાએક કોર્પોરેટ કલ્ચરના વીઆઇપી ઉમેદવાર રમેશભાઇ ટીલાળાને ભાજપે ટીકીટ આપતા ન માત્ર અન્ય જ્ઞાતિના પરંતુ, પાટીદાર સમાજના મોટા વર્ગમાં પણ આઘાત લાગ્યો હતો. અને દક્ષિણમાં રમેશભાઇ ટીલાળા આયાતી ઉમેદવારનું લેબલ લાગ્યું હતું.છતાં આ મત ક્ષેત્રમાં ભાજપ સામે અનેક જ્ઞાતિઓના સંમેલન થયા હતા. છતાં સરળ અને બિનવિવાદાસ્પદ વ્યકિતત્વ ધરાવતા રમેશભાઇનો નોંધપાત્ર લીડ સાથે વિજય થયો હતો.
નવી નેતાગીરીનો ઉદય થવાની સંભાવના
હવે રાજકોટમાં નવા ભાજપ અને નવી નેતાગીરીનો ઉદય થાય તેવું પણ માનવામાં આવે છે. વર્ષો જુના જોગીઓ ચૂંટણી જંગમાંથી બહાર થયા અને અમુક ઠંડા પણ રહ્યા. આ તમામ બાબતોની નોંધ લઇને ઉપરથી રાજકોટ-ગાંધીનગર વચ્ચે નવી લાઇન શરૂ કરવામાં આવે તેવું પણ જાણકારો કહી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.