છેતરપિંડી:રાજકોટના શાપરમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોના ATM કાર્ડનો ડેટા ક્લોનિંગ મશીનથી ચોરી, આંતરરાજ્ય ગેંગ પ્લેનમાં આવતી, એક શખ્સ ઝડપાયો

રાજકોટ7 મહિનો પહેલા
  • આ ટોળકી દિલ્હી, યુપી સહિતના રાજ્યમાં લોકો સાથે કરી છેતરપિંડી કરી ચૂકી છે

રાજકોટ સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં તેમજ ઉત્તરપ્રદેશ અને દિલ્હી સહિતનાં રાજ્યોમાં ATMનો ડેટા મેળવીને છેતરપિંડી કરતી ટોળકીને રાજકોટ ગ્રામ્ય LCBએ ઝડપી લઇ અનેક લોકો સાથે થયેલી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. ટોળકીના એક સભ્યને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણની શોધખોળ શરૂ કરવામાં આવી છે.આ ગેંગ શાપરમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોના ATM કાર્ડનો ડેટા ક્લોનિંગ મશીનથી ચોરી કરતી હતી. આ ગેંગ પ્લેનમાં આવતી હતી.

છેતરપિંડીની માહિતી પોલીસ કંટ્રોલરૂમને મળી હતી
રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ATMમાં રૂપિયા લેવા ઘણા એવા લોકો આવે છે. જેમને ATM મશીનનો ઉપયોગ કરતાં આવડતું ન હોય તેવા લોકો સાથે છેતરપિંડી થઇ રહી હોવાની માહિતી પોલીસ કંટ્રોલરૂમને મળી હતી. જેના આધારે રાજકોટ રેન્જ DIG સંદિપસિંહ તથા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા આ ટોળકીને ઝડપી લેવા ગ્રામ્ય LCBના PI એ.આર. ગોહિલ અને તેમની ટીમને સૂચના આપવામાં આવી હતી.

ATM કાર્ડનો ચોરીછૂપીથી સ્વાઈપ મશીન દ્વારા ડેટા મેળવી લેવામાં આવતો
આ સૂચનાના આધારે શાપર-વેરાવળમાં એક્સિસ બેન્કના ATM પાસે શંકાસ્પદ રીતે આંટાફેરા કરતા મૂળ ઉત્તરપ્રદેશના અલ્હાબાદના નોબસ્તા સિંધા ગામના પવનકુમાર રામકિશોર પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં તેની સાથે રહેલા અન્ય ત્રણ સાગરિતોના નામ પણ ખુલ્યા હતા. જે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના લક્ષ્મણપુરના ભોલા યાદવ કટ અને કટનેચપુરના મહેન્દ્ર યાદવ અને કનૈયા પટેલનું નામ ખુલ્યું હતું. પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળતી માહિતી મુજબ પવન કુમાર અને તેના સાગરિતો સાથે મળી ATMમાં જે વ્યક્તિને રૂપિયા ઉપાડવા જવું હોય અને ATM મશીનનો ઉપયોગ કરતા આવડતો ન હોય તેવા વ્યક્તિને શોધ કરતા હતા. અને તેમનો ડેટા ATM કાર્ડનો ચોરીછૂપીથી સ્વાઈપ મશીન દ્વારા ડેટા મેળવી લેવામાં આવતો હતો.

ATM કાર્ડ ક્લોન કરીને ચોરી કરતા હતા
કોઈ વ્યક્તિ જ્યારે ATMમાં રૂપિયા ઉપાડવા જાય ત્યારે આ ચારેય શખ્સોમાંથી કોઈ એક ત્યાં જઈને તે વ્યક્તિને ATMમાંથી રૂપિયા કાઢતા શીખડાવવાના બહાને તેને વિશ્વાસમાં લઇ અને ટ્રાન્જેક્શન કરવામાં મદદ કરતો અને તેનો ATM પાસવર્ડ જોઈ લેતો હતો. તેની બાજુમાં ઉભેલો અન્ય સાગરિત ATM સ્વાઈપ મશીન સાથે રાખતો જે વ્યક્તિના ATM કાર્ડનો ચોરીછૂપીથી સ્વાઈપ મશીન દ્વારા ડેટા મેળવી લેવામાં આવતો અને આ ડેટા કોપી કર્યા બાદ ટ્રાન્જેક્શન પૂરું થાય ત્યાં સુધી આ ટોળકીનો સાગરિત ત્યાં ઉભો રહેતો હતો. ત્યારબાદ સ્વાઈપ મશીનમાં જે ડેટા કોપી કરવામાં આવ્યા હોય તેના આધારે ATM કાર્ડ ક્લોન કરીને લેપટોપ સાથે સ્વાઈપ મશીન કનેક્ટ કરી ડુપ્લિકેટ ATM કાર્ડમાં તેનો ડેટા કોપી કરીને આ ટોળકી મોટી રકમ ઉપાડી લેતી હતી.

પોલીસે મુદામાલ કબ્જે કર્યો છે
શાપર-વેરાવળ વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ આ ટોળકીએ અનેક લોકોને શિકાર બનાવ્યા છે. ઉપરાંત ગુજરાતના સુરત, અમદાવાદ તેમજ ઉત્તરપ્રદેશના લખનઉ અને દિલ્હી તેમજ એનસીઆર આસપાસના અનેક વિસ્તારોમાં આ ટોળકીએ ATMના ડેટા કોપી કરી રકમ ઉપાડવા આવતા લોકોના ડેટા મેળવીને છેતરપિંડી કરી છે. આ ટોળકી પાસેથી અલગ-અલગ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમની પાસેથી મિનિ બીએક્સ-5 સ્વાઈપ મશીન, નવું ડેબિટકાર્ડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.