કોરોનાની ખર્ચાળ સારવારથી બચવા અનેક લોકોએ જુદી જુદી વીમાકંપનીઓમાંથી કોરોના રક્ષક પોલિસી લઇ સુરક્ષિત થયા હતા, પરંતુ જ્યારે પોલિસીધારક કોરોના સંક્રમિત થયા પછી સારવાર ખર્ચનું વળતર મેળવવા વીમાકંપનીમાં ક્લેમ કરતાં તેમના પોલિસીધારકને વળતર ચૂકવવાને બદલે યેનકેન પ્રકારે વિવિધ કારણો બતાવી ક્લેમ નામંજૂર કરતા હતા. ત્યારે વીમાકંપનીની આવી મનમાનીથી ત્રસ્ત પોલિસીધારકોએ ન્યાય મેળવવા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના દ્વાર ખટખટાવ્યા હતા.
જેમાં છણાવટભરી રજૂઆતો અને દલીલોને ધ્યાને રાખી ફોરમે અનેક કેસમાં વીમાકંપનીઓને લપડાક આપી છે. ત્યારે વધુ એક કિસ્સામાં રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમિશને વીમાકંપનીની વિરુદ્ધમાં ચુકાદો આપી ડો.અતુલભાઇ ભીખાભાઇ શિરોયાને દોઢ લાખનો ક્લેમ 9 ટકાના વ્યાજ સાથે તેમજ રૂ.4 હજારનો ખર્ચ પણ ચૂકવવા હુકમ કર્યો છે.
રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.અતુલભાઇએ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી રૂ.1.50 લાખની કોરોના રક્ષક પોલિસી લીધી હતી. તે દરમિયાન ડો.અતુલભાઇને શ્વાસ લેવામાં અને ઓક્સિજનની તકલીફ થતા તેમની જ હોસ્પિટલમાં નિદાન કરાવ્યું હતું. જેમાં કોરોના સંક્રમિત થયાનું નિદાન થતા તેમને ત્યાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેનો ખર્ચ રૂ.1,63,302 થયો હતો. જેથી પોલિસી હેઠળ ક્લેમ મેળવવા ડો.અતુલે તમામ બિલો સાથે સારવારનો ખર્ચ વીમાકંપનીમાં રજૂ કર્યો હતો.
ત્યારે વીમાકંપનીએ તર્કહીન અને પાયાવિહોણી હકીકત જણાવતા કહ્યું કે, પોલિસી લીધા પૂર્વે પ્રપોઝલ ફોર્મમાં તમે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોય તેવું જણાવ્યું નથી. તેમજ તમારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાન ન હોવા છતાં તમે દાખલ થયા હોય તેથી ક્લેમ મળવા પાત્ર નથી. વીમાકંપનીની આવી મનઘડંત વાતોથી નારાજ ડો.અતુલભાઇએ એડવોકેટ શૈલેન્દ્રસિંહ આર.જાડેજા મારફતે રાજકોટ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી.
પ્રથમ વીમાકંપનીની દલીલો સાંભળ્યા બાદ એડવોકેટ જાડેજાએ ફોર્મમાં માત્ર વ્યવસાયની વિગત ન જણાવી હોય તો ક્લેમ નામંજૂર થઇ શકે નહિ. ડો.અતુલભાઇએ જ્યાં સારવાર મેળવી ત્યાં જ ફરજ બજાવતા હોય તે માત્ર કારણથી કોરોના અંગેના રિપોર્ટ તેમજ તેમને લીધેલી સારવાર ખોટી હોય તેવું માની શકાય નહિની દલીલ કરી વીમાકંપની રકમ ચૂકવવા માટે જવાબદાર હોવાની રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને રાખી વીમાકંપની સામે ફોરમે પોલિસીધારકની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.