રાજકોટ-ગોંડલ હાઇવે પર 2017માં ક્રેન અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં બિલિયાળા ગૌશાળામાં ઘાસ નાખવા જઈ રહેલા રિક્ષા ચાલકનું મૃત્યું થયું હતું. મૃતકના વારસદારોએ વળતર મેળવવા કરેલા કેસમાં મોટર વ્હીકલ એક્સિડન્ટ ટ્રિબ્યુનલ દ્વારા મૃતકના વારસદારોને રૂપિયા 20 લાખ વળતર ચૂકવવા કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને હુકમ કર્યો છે.
ક્રેને રિક્ષાચાલકને અડફેટે લીધા હતા
1 ફેબ્રુઆરી 2017ના રોજ રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર શાપર નજીક ક્રેન નં. GJ-03-AY-9540ના ચાલકે એક રિક્ષાને અડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બીલીયાળા ગૌશાળામાં ઘાસ નાખવા જઈ રહેલા રિક્ષાચાલક વસંતભાઈ હરજીભાઈ શિંગાળાનું ગંભીર ઇજાથી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અકસ્માતના પગલે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્યમાં ક્રેનના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કોર્ટે બન્ને પક્ષના વકીલની દલિલ સાંભળી ચુકાદો સંભળાવ્યો
અરજદારના એડવોકેટ અજય કે. જોષીએ એવી દલીલ કરી હતી કે, ડ્રાઇવિંગ લાયસન્સના સ્વરૂપમાં કોઈ પણ ફેરફાર થવાથી ડ્રાઇવરની વાહન ચલાવવાની ક્ષમતામાં કોઈ તફાવત રહેતો નથી. તેમજ નાગાલેન્ડ RTO દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનારને આ અંગે કોઈ જાણ કરવામાં આવી હોય તેવું પણ વીમા કંપની ક્રેન દ્વારા સાબિત કરવામાં આવ્યું નથી. બન્ને પક્ષની દલિલ, રજૂઆતને ધ્યાને લઇને રાજકોટ MSA ટ્રિબ્યુનલ સ્પેશિયલના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રશાંત જૈને ઈફકોટોકિયો જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને મૃતક વસંતભાઈ હરજીભાઈ શિંગાળાના વારસદારોને રૂપિયા 20 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.