તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અછતના કારણે અવ્યવસ્થા:રાજકોટમાં વેક્સિનના અપૂરતા જથ્થાના કારણે લોકોની હાલાકી વધી, સેન્ટર પર ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

રાજકોટએક મહિનો પહેલા
  • વેક્સિનેશન સેન્ટર પર લાભાર્થીઓને થઈ રહ્યા છે ધરમના ધક્કા

એક તરફ સરકાર સર્વે નાગરિકોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહી છે તો બીજી તરફ તેનો સપ્લાય જ ના હોવાથી લોકોને રસી માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. રાજકોટ શહેરના આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિન લેવા માટે લાંબી કતારો જોવા મળી હતી. અપૂરતા વેક્સિનના જથ્થાના કારણે કેટલાક સેન્ટર પર લોકોને વેક્સિન મળી નથી રહી. શહેરના અનેક સેન્ટર પર અપૂરતી વેક્સિનના કારણે લાભાર્થીઓની ભીડ થતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

ગઈકાલે પણ વીલા મોઢે પાછા ફરવું પડ્યું હતું
રાજ્ય સરકારે ફાસ્ટ વેકસીનેશન કરવા માટે પૂરતું જોર લગાવ્યું છે પણ વેકસીનનો અપૂરતો જથ્થો લોકોના હાલાકીનું કારણ બની રહ્યું છે જેને કારણે ધરમ ના ધક્કા થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ અંગે વેક્સિન લેવા આવેલા કમલેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, વેક્સિન માટેનો સમય ભલે 9 વાગ્યાનો હોય પણ વહેલી સવારે 5 વાગ્યે આવે ત્યારે માંડ ટોકન હાથમાં આવે છે. ઘણા લોકો એક સપ્તાહથી દરરોજ આવે છે છતાં વેક્સિન મળતી નથી તેથી કર્ફ્યૂના સમય પહેલા એટલે કે 5 વાગ્યાથી લાઈનમાં બેસવું પડે છે. છતાંય અમારો વારો નથી આવતો મારે ગઈકાલે પણ વીલા મોઢે પાછા ફરવું પડ્યું હતું,સાથે જ સ્ટોક પણ અપૂરતો આવતો હોવાથી મોટી સખ્યામાં લોકોની સેન્ટર પર ભીડ ભેગી થાય છે.

સ્પોટ રજિસ્ટ્રેશન માટે વધુ કતારો લાગી
રાજકોટ મહાનગરપાલિકાને ગુરૂવારે રસીનો 8000નો જથ્થો મળ્યો હતો. શુક્રવારે તેમાં પણ વધારો થતા 10070 લોકોને રસી અપાઈ હતી એટલે કે 25 તારીખ બાદ પ્રથમ વખત 10 હજાર ડોઝ અપાયા છે. આજે શનિવાર માટે અગાઉથી જ 11000 ડોઝ આવી ચૂક્યા છે જેમાંથી 9000 કોવિશિલ્ડ જ્યારે 2000 કોવેક્સિન છે.જો કે ઓનલાઈન કરતા સ્પોટ રજિસ્ટ્રેશન માટે વધુ કતારો લાગે છે તેમજ હવે બીજા ડોઝ માટે વૃધ્ધો આવી રહ્યા હોવાથી ઓનલાઈન સ્લોટ બૂકિંગ બંધ કરી દેવાયું છે

આરોગ્ય કેન્દ્ર પર અલગ અલગ લાઈન લાગી
હાલ માત્ર સ્પોટ રજિસ્ટ્રેશન ચાલુ રાખ્યું છે. શુક્રવારે જે કેન્દ્રો હતા ત્યાં જ શનિવારે રસીકરણ અપાશે. જો કે આ તમામ 11000 ડોઝના ઓનલાઈન ઓફલાઈન સિવાય બીજો એક ભાગ પડશે જેમાં 60 ટકા જથ્થો બીજા ડોઝ માટે જ્યારે 40 ટકા પ્રથમ ડોઝ માટે છે. આ માટે દરેક આરોગ્ય કેન્દ્ર પર અલગ અલગ લાઈન રહેશે.

સીનીયર સિટીઝન્સને બીજો ડોઝ લેવા માટે અલાયદી વ્યવસ્થાનો અભાવ
રાજકોટન આરોગ્ય કેન્દ્રોમાં ગરમીના માહોલમાં પણ વેક્સિનની રાહ જોઇ રહેલા જોવા મળે છે. ઉભા રહેતા લોકોએ વેક્સિનનો પુરતા ડોઝ ના હોવાથી પરત જવું પડે છે, પાણીની વ્યવસ્થા નથી અને સીનીયર સિટીઝન્સને બીજો ડોઝ લેવા માટે પણ અલાયદી વ્યવસ્થા ના હોવા સહિતના પ્રશ્નો આગળ ધર્યા હતા. આ અંગે ચુંટાયેલા પ્રતિનીધીઓ આગળ આવીને લોકોને મદદરૂપ થાય તેવો સુર પણ ઉઠવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...