તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ત્રીજી લહેર માટે 11 પીડિયાટ્રિક હોસ્પિટલને સ્ટાફ વધારવા અને તાલીમ શરૂ કરવા સૂચના

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ અને તૈયારી અંગે રાજ્ય સરકારને માહિતી અપાઈ
  • સિવિલના પીડિયાટ્રિક વોર્ડમાં દર્દીની સંખ્યા વધી તો બીજા વિભાગના તબીબોને ફરજ સોંપાશે

રાજકોટમાં ત્રીજી લહેર માટે બેઠકો અને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બીજી લહેરમાં જેટલા કેસ આવ્યા તેના કરતા બમણા આવે તેવી તૈયારી કરવાનું આયોજન પ્રાથમિક તબક્કામાં છે. આ માટે રાજ્ય સરકારે માહિતી માંગી હતી કે રાજકોટ પાસે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું છે, આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં બમણી તૈયારી થઈ શકે છે કે નહીં અને તે તૈયારી શું હશે તે સહિતની વિગતો માંગી હતી જે ઈનપૂટ સોમવારે રાજ્ય સરકારને અપાયા છે.

ત્રીજી લહેરમાં સૌથી વધુ ચિંતા બાળકોને લઈને સતાવી રહી છે. બાળકોને હજુ સુધી વેક્સિન અપાઇ નથી તેથી તેઓને ચેપ લાગી શકે છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં 200 બેડ જ્યારે 11 ખાનગી બાળકોની હોસ્પિટલના 500 જેટલા બેડ સહિત 700 બેડની તૈયારી કરાઈ છે. બેડ વધાર્યા છે પણ સ્ટાફ કઈ રીતે વધારાશે તે પ્રશ્નમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે બાળકોના વિભાગમાં ડોક્ટર્સ, સહિતનો સ્ટાફ છે જ પણ જો જરૂર પડી તો બીજા વિભાગના તબીબો અને રેસિડેન્ટને પણ ત્યાં ફરજ સોંપાશે. ખાનગી હોસ્પિટલમાં પણ નર્સિંગ સ્ટાફની અછત ન રહે તે માટે એટેન્ડન્ટની કેડર ઊભી કરવા અને તેઓને અત્યારથી જ તાલીમ આપી તૈયાર કરવા સૂચના આપી છે.

સિવિલમાં રોજ 8 ટન ઓક્સિજનનું ઉત્પાદન થશે
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર ત્રીજી લહેરમાં ઓક્સિજનના ઉત્પાદન પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. હાલ જે પ્લાન્ટના આયોજન થઈ રહ્યા છે તે મુજબ પ્રતિ દિન 8 ટન લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન થશે જે પીક નહીં હોય ત્યાં સુધી તમામ જરૂરિયાતો પૂરી કરશે. આ ઉપરાંત સ્ટોક માટે વિશાળ સ્ટોરેજ ફેસિલિટી ઊભી કરાઈ છે. આ સિવાય નાની મોટી બાબતોમાં ફેરફાર અંગે ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...