રાજકોટની કૌભાંડી ‘ક્રાઇમ બ્રાન્ચ’:હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કારને બદલે DCBએ 95 લાખનો તોડ કર્યો, ઘટનાના એક મહિના પછી ખરીદેલી કાર જપ્ત કરી!

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ - ફાઇલ તસવીર
  • ઉપરી અધિકારીને ‘ખુશ’ રાખવા રાજકોટ ક્રાઇમ બ્રાંચ ખૂન જેવા ગંભીર ગુનામાં આરોપીને બચાવવા કેટલી હદ સુધી જઇ શકે છે તેને ઉજાગર કરતો કિસ્સો
  • બે વર્ષ સુધી સ્થાનિક પોલીસ આરોપીને શોધી શકી નહીં, ક્રાઇમ બ્રાંચે આરોપીને પકડ્યો ત્યારબાદ કમિશનરે થોરાળા પાસેથી તપાસ આંચકી ક્રાઇમ બ્રાંચને સોંપીને આશ્ચર્ય સર્જ્યું

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચ સામે કમિશનબાજીના આક્ષેપ બાદ એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, બૂટલેગરને હત્યાના કેસમાં બચાવવા માટે ક્રાઇમ બ્રાંચે તમામ હદ વટાવી હતી. આરોપી ખૂન કરવા જે કારમાં ગયો હતો તે કાર ક્રાઇમ બ્રાંચે કબજે કરી છે. પરંતુ હકીકત એ છે કે, એ કાર હત્યાના એક મહિના બાદ ખરીદાયેલી હતી, જેના બદલામાં આરોપી પાસેથી તોડબાજ ટીમે રૂ.95 લાખ પડાવ્યાની ચર્ચાઓ શરૂ થઇ છે.

થોરાળા વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે ઇમુ જુસબ તાયાણીની તા.5 એપ્રિલ 2019ના થોરાળા મેઇન રોડ પર શૌચાલય પાસે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં તા.14 એપ્રિલ 2021ના ક્રાઇમ બ્રાંચે અલ્તાફ ઉર્ફે છ આંગળીવાળાની ધરપકડ બતાવી હતી, આરોપી પકડાયા બાદ પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપીને આશ્ચર્ય સર્જ્યું હતું.

પોલીસ સૂત્રોમાંથી ચર્ચાતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જેબલિયા સહિતની ટીમ તા.8 એપ્રિલ 2021ના જુહાપુરા વિસ્તારમાં પહોંચી હતી અને એક ફ્લેટમાંથી એ જ રાત્રે અલ્તાફને ઝડપી લીધો હતો અને તેને લઇને રાજકોટ ક્રાઇમ બ્રાંચે લઇ આવ્યા હતા, છ દિવસ સુધી અલ્તાફની ધરપકડ કાગળ પર દર્શાવવામાં આવી નહોતી, છ દિવસ માત્ર સેટિંગ ચાલ્યું હતું, તે દરમિયાન એક શખ્સ વર્ના કાર આપી ગયો હતો તે કાર હત્યામાં ઉપયોગમાં લેવાઇ હોવાનું પોલીસે દર્શાવ્યું હતું, ખરેખર પોલીસે જે વર્ના કાર કબજે કરી છે તે કાર 9 એપ્રિલ 2019ના ખરીદ કરવામાં આવી હતી જ્યારે ઇમરાન તાયાણીની હત્યા 5 એપ્રિલ 2019ના થઇ હતી, કોર્ટમાં આરોપીને લાભ મળે તેવા હેતુથી પોલીસે હત્યાની ઘટનાના એક મહિના બાદ ખરીદાયેલી કાર હત્યામાં ઉપયોગમાં લેવાયાનું દર્શાવી આરોપી માટે બચવાનો રસ્તો ખોલી દીધો હતો.

આટલા મુદ્દે તપાસ કરવામાં આવે તો ભાંડાફોડ થઇ જાય
- તા.8 એપ્રિલના સ્ટેશન ડાયરીમાં નોંધ છે કે પીએસઆઇ જેબલિયા, સુભાષ ભરવાડ, દેવરાજ રબારી, દેવા ધરજિયા અને ક્રિપાલસિંહ જાડેજા આરોપી અલ્તાફની શોધમાં અમદાવાદ જાય છે, તા.9 એપ્રિલના પરત આવ્યાની પણ નોંધ થઇ છે.
- અમદાવાદના પીએસઆઇ જેબલિયા અને વેજલપુર પોલીસ સ્ટેશનના બે પોલીસમેન પણ રાજકોટની ટીમ સાથે રહ્યા હતા.
- અમદાવાદના પીએસઆઇ જેબલિયા અને બે કોન્સ્ટેબલની પૂછપરછ કરવામાં આવે તો પણ આરોપી ક્યાંથી અને ક્યારે પકડાયો તે સ્પષ્ટ થઇ શકે.
- તા.9 એપ્રિલથી અલ્તાફ રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં હતો અને તા.14ના તેની ધરપકડ બતાવવામાં આવી આ છ દી’ના સીસીટીવી ફૂટેજ પોલીસના કરતૂતનો ભાંડાફોડ કરશે.
- પોલીસે જે કાર જપ્ત કરી તે કનુ રાજકોટ આવીને આપી ગયો હતો, જ્યારે પોલીસે આરોપી અલ્તાફને તે કાર સાથે ચોટીલા નજીકથી પકડ્યો તેવું બતાવ્યું હતું, કનુનું મોબાઇલ લોકેશન તપાસાય તો સત્ય બહાર આવે.
- અલ્તાફને છ દિવસ ક્રાઇમ બ્રાંચમાં છુપાવી રાખવામાં આવ્યો ત્યાં સુધી સ્થાનિક બૂટલેગર અને ઇંડાંના ધંધાર્થીની ક્રાઇમ બ્રાંચમાં અવરજવર પણ મહત્ત્વનો પુરાવો છે.

PSIએ કહ્યું, 1 કરોડ કરી નાખો સાહેબને સારું લાગે
અલ્તાફને ક્રાઇમ બ્રાંચે લઇ આવ્યા બાદ પીએસઆઇ સહિતની ટીમે એક પછી એક અલ્તાફના ચિઠ્ઠા ખોલ્યા હતા, તેના લેપટોપમાંથી રૂ.10 થી 12 કરોડના બેનામી હિસાબો મળી આવ્યા હતા, પોલીસે અલ્તાફને ધમકાવીને વધુ તપાસ નહીં કરવા માટે રૂ.3 કરોડ માગ્યા હતા, રકઝકના અંતે અલ્તાફે રૂ.95 લાખ આપવાનું કહેતા પીએસઆઇએ કહ્યું હતું કે, 1 કરોડ કરી નાખો એટલે સાહેબને સારું લાગે, અલ્તાફે રૂ.95 લાખ જ થશે તેમ કહેતા પીએસઆઇએ કહ્યું હતું કે તો બાકીના રૂ.5 લાખ મારે નાખીને 1 કરોડ પૂરા કરવા પડશે.