ક્રાઇમ:વિમાનમાંથી મળેલો મોબાઈલ પરત કરવાના બદલે વેપારી ઘરે લઈ ગયો

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી-રાજકોટ ફ્લાઇટમાંથી આર્કિટેક્ટનો મોબાઇલ ગુમ થયો હતો
  • લોકેશનના આધારે પોલીસે જમાઈના ઘરે આવેલા વેપારીને ઝડપી લીધો

દિલ્હી-રાજકોટ રૂટની ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા રાજકોટના આર્કિટેક્ટ ભાર્ગવભાઇ કોટડિયાનો મોબાઇલ ગત તા.10ના રોજ ગુમ થઇ ગયો હતો. પળવારમાં ફ્લાઇટમાંથી મોબાઇલ ગુમ થઇ ગયા બાદ આર્કિટેક્ટ ભાર્ગવભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે, ગુમ થયેલા મોબાઇલ તાત્કાલિક મળતા હોતા નથી. પરંતુ ઉપરોક્ત ગુમ થયેલો મોબાઇલ ટેક્નોલોજી ભર્યો હોય પોલીસ તપાસ દરમિયાન મોબાઇલનું લોકેશન હનુમાન મઢી પાસે આવેલી રાજહંસ સોસાયટીનું મળ્યું હતું.

જેથી પોલીસ ટીમ તુરંત રાજહંસ સોસાયટી દોડી ગઇ હતી. અને ગુમ થયેલા મોબાઇલ સાથે મૂળ રાજસ્થાનના ગંગાપુર શહેરમાં રહેતા નિર્મલકુમાર રાધેશ્યામ ગુપ્તા નામના પ્રૌઢને ઝડપી લીધા હતા. તેની પૂછપરછ કરતા તે ગંગાપુર શહેરમાં મોલ ધરાવે છે. તેઓ રાજકોટ રહેતા જમાઇને મળવા દિલ્હી-રાજકોટ ફ્લાઇટમાં આવ્યા હતા.

ત્યારે ફ્લાઇટ રાજકોટ પહોંચી ત્યારે પોતે સીટ પરથી ઊભા થતા હતા. તે સમયે પગ પાસે સરકીને મોબાઇલ આવ્યો હતો. ત્યારે મોંઘો મોબાઇલ પગ પાસે આવતા લાલચમાં કોઇને જાણ કરવાના બદલે તે મોબાઇલ લઇ ખિસ્સામાં નાખી દીધો હતો અને પોતે એરપોર્ટ બહાર નીકળી ગયાનું જણાવ્યું છે. મોંઘો મોબાઈલ મળી જતાં લાલચને કારણે અંતે મોલ માલિકને લોકઅપમા બેસવાનો વખત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...