બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 24 લોકોનાં મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. એક તરફ સમગ્ર સૌરાષ્ટ્ર બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડથી સ્તબ્ધ છે જયારે બીજી તરફ રાજકોટમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે.રંગીલા શહેર રાજકોટમાં ગેરકાયદેસર રીતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ આજે દિવ્યભાસ્કરના કેમેરામાં કેદ થઈ છે.
દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ
આજે શહેરના થોરાળા પોલીસ સ્ટેશનથી નજીક આવેલા કુબલિયા પરામાં વિસ્તારમાં દિવ્યભાસ્કરની ટીમ પહોંચી હતી. આ વિસ્તારમાં પોલીસના ભય વગર દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા હતા. અને ત્યાં હજ્જારો લીટર દેશી દારૂ પણ મળી આવ્યું હતું.
..તો રાજકોટમાં લઠ્ઠાકાંડ સર્જાશે
દિવ્યભાસ્કરની ટીમ ઘટના સ્થળે પહોંચતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને પોલીસની નાક નીચે ચાલતા દારૂના અડ્ડાનો ભાંડો ફૂટી જતા હવે પોલીસ પોતાની આબરૂ બચાવવા મથી રહી હોય તેમ દેશી દારૂના હાટડાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. ત્યારે જો રાજકોટમાં દેશી દારૂનું વેચાણ અટકાવવામાં નહીં આવે તો બોટાદના રોજિદ ગામની જેમ લઠ્ઠાકાંડ સર્જાવવાની શક્યતા છે.
દેશી દારૂના બે કેસ દાખલ
આ અંગે DCP ઝોન- 1 પ્રવિણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા નિયમિત રીતે દેશી દારૂના ધંધાર્થીઓ પર ડ્રાઈવ ચલાવવામાં આવે છે. આજે સવારે જ કુબેલિયા પરા વિસ્તારમાં દેશી દારૂના બે કેસ દાખલ કરવામાં આવ્યા છે.સ્લમ વિસ્તાર હોવાથી કાયમી આ વિસ્તરમાં દેશી દારૂ ભઠ્ઠી બંધ થઇ શકતી નથી. વોકળા વિસ્તાર છે અને ગેરકાયદે બાંધકામ છે જે દૂર કરવા માટે મનપાને રિપોર્ટ કરવામાં આવશે.
પોલીસને ક્યારે સફળતા મળશે
નોંધનીય છે કે ઝોન- 1 વિસ્તારમાં સૌથી વધુ કુબેલિયાપરા, ભક્તિનગર, જંગલેશ્વર, આજીડેમ વિસ્તારમાં દેશી દારૂ વહેંચાય હોવાની DCPએ કબૂલાત આપી હતી. ત્યારે જો પોલીસ સતત કામગીરી કરી રહી છે તો શા માટે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાય છે ! અને રાજકોટમાં વર્ષોથી ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવામાં પોલીસને ક્યારે સફળતા મળશે એ જોવાનું રહેશે
આ સ્થળો પર દેશી દારૂનું ખુલ્લેઆમ વેંચાણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.