ક્રાઇમ:બેંક મેનેજરની ઉદ્ધતાઇ, ગ્રાહક પિતા-પુત્રને ધક્કા મારી પછાડ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની જૂના માર્કેટ યાર્ડ બ્રાંચમાં બનેલો બનાવ
  • ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

બેંક મેનેજરે તેના ગ્રાહક સાથે ગુંડાગીરી આચર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મનપાના હુડકો ક્વાર્ટરમાં રહેતા મહેશભાઇ દેવશંકરભાઇ જાની નામના વૃદ્ધે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની જૂના માર્કેટ યાર્ડની બ્રાંચના મેનેજર રાવત નારણ ગરૈયા સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વૃદ્ધની ફરિયાદ મુજબ, તેમનું ઉપરોક્ત બેંકમાં બચત ખાતું હોય ગત તા.20ના રોજ પુત્ર ધ્રુવેશને સાથે લઇ બેંકે ગયા હતા. ખાતામાંથી રૂ.60 હજાર ઉપાડવાના હોય ચેક ભરી મેનેજર રાવત ગરૈયાને આપ્યો હતો. ત્યારે તેને આ જૂનો ચેક છે, નવો ચેક ભરીને આપવા કહ્યું હતું. જેથી પુત્રે નવી ચેક બુક આપવા કહ્યું હતું. ત્યારે રાવત ગરૈયાએ તાત્કાલિક નવી ચેક બુક ન મળે સમય લાગેની વાત કરી હતી. પૈસાની જરૂરિયાત હોય પુત્રે કોઇ વ્યવસ્થા કરી આપો અમારે ખાતું ચાલુ નથી રાખવું બંધ કરી દેવું છે. આ સમયે બેંક મેનેજર રાવત ગરૈયાએ તમારે પૈસા ઉપાડવા હોય તો પણ ચેકની જરૂર પડશે.

તેના વગર પૈસા ઉપડશે નહિ તેમ કહી ચેકનો ડૂચો વાળી દઇ પુત્ર સાથે ઉદ્ધતાઇ ભર્યુ વર્તન કરી ઝઘડો કર્યો હતો. જેથી પુત્રે વર્તન સારું કરવાનું કહેતા બેંક મેનેજર રાવત ગરૈયા ઉશ્કેરાય ગયા હતા અને પોતાની તેમજ પુત્ર સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. બાદમાં બેંકમાંથી બહાર કાઢવા ધક્કા મારવા લાગ્યા હતા. તે સમયે પોતે બેંકના મુખ્ય દરવાજા પરથી રોડ પર પડી જતા ગંભીર ઇજા થઇ હતી. આ સમયે બેંકના કામ અર્થે આવેલા અન્ય ગ્રાહકો પણ હતપ્રભ થઈ ગયા હતા અને મેનેજરને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

જ્યારે પુત્રને પણ ઇજા થઇ હોય બંને સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. પોતાને હાથ સહિતના ભાગોએ ફ્રેક્ચર જેવી ઇજા થઇ હોય સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બેંક મેનેજર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ.એ.એમ.રાઠોડે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...