ભાસ્કર ફોલોઅપ:ગૌચરને ખાનગી જમીન કેવી રીતે કરી દેવાઈ,તપાસના આદેશ

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુપરિન્ટેન્ડેન્ટના હુકમ બાદ જમીન દફ્તર કચેરીમાં ગૌચરને લગતા જૂના હુકમો અને માપણી શીટ માટે કર્મચારીઓમાં દોડધામ

લોધિકા તાલુકાના પાળ ગામે છેવાડાની જમીનને કિંમતી બનાવવા રિંગ રોડ પરના ગૌચરમાં ખાનગી સરવે નંબર બેસાડીને ઊંચી કિંમતે વેચવાના ભૂમાફિયાઓ અને જમીન દફ્તર કચેરીના અધિકારીઓએ આચરેલા કૌભાંડનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કરતા આ તમામ જગ્યાઓ શોધવા માટે ગૌચરની માપણીના હુકમ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડસ ડી. બી. આર્યાએ કર્યા છે.

એસ.એલ.આર.ના જણાવ્યા મુજબ પાળ ગામે ગૌચરની તેમજ જ્યાં સરવે નં. 712 છે ત્યાં માપણીના હુકમ કર્યા છે. આ ઉપરાંત એવા સરવે નંબર કે જે માપણીમાં બતાવાયા છે પણ 7-12 નથી નીકળ્યા તે તમામની પણ માપણી કરાશે આ માટે ગૌચર માટે થયેલા જૂના હુકમો પણ કાઢવા માટે સ્ટાફને સૂચના આપી દેવાઈ છે. જેની કામગીરી ટૂંક સમયમાં પૂરી કરી દેવાશે. આ મામલે કોની ગેરરીતિ છે તે પૂછતા અધિકારી હજુ પણ તેને ભૂલ જ ગણાવી રહ્યા છે અને આ પ્રકારે ઘણી ખાનગી જમીનોના સ્થળફેર થયાનું કહ્યું હતું. ગૌચરની જગ્યા ખાલી થાય અને સરવે નંબર મુજબ જ્યાં હતી ત્યાં જ કાગળ પર દર્શાવી કબજો ખાલી કરાવાય તે માટે કલેક્ટરે સૂચના આપી છે.

રિ-સરવે દરમિયાન ગેરરીતિની શંકા
જે રીતે લોધિકાના પાળ ગામે કૌભાંડ આચરાયું છે તેવું જ કૌભાંડ અન્ય તાલુકાઓમાં પણ થયું હોવાની પૂરી શક્યતા છે. જોકે આ માટે જમીન દફ્તર કચેરીએ જ તપાસ કરવા માટે જૂના કાગળો ફંફોસવા પડે પણ ગેરરીતિમાં તે કચેરીના જ કેટલાક કર્મચારીઓ સંડોવાયેલા હોવાથી આ તપાસ કરાતી નથી. બીજી તરફ જે લોકોએ છેવાડાની જમીનો ગૌચરમાં બેસાડી દીધી છે તેઓએ તો જમીનો ફટાફટ વેચી દીધી છે અને હજુ હાલ જમીન માલિક છે તેને ખબર જ નથી કે પોતે છેતરાયા છે.

અન્ય સમાચારો પણ છે...