છુટકારો:18 વર્ષ પૂર્વેના કેસમાં મેયર સહિત 13નો નિર્દોષ છુટકારો

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ વિરૂદ્ધ ગુનો સાબિત કરવામાં પોલીસ નિષ્ફળ રહી
  • ​​​​​​​ભૂતખાના ચોકમાં ફી વધારાના મુદ્દે વાહનો અટકાવ્યા હતા

રાજકોટના મેયર સહિત 13 સામે 18 વર્ષ પહેલા કાયદાનો ભંગ કરવા અંગેના કેસમાં અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. 2003માં શહેરની શાળાઓમાં ફીમાં વધારો થતા વિદ્યાર્થી સંગઠને આ મુદે આંદોલનનું સ્વરૂપ આપી વિરોધ કરવા કાર્યક્રમો કર્યા હતા. ત્યારે હાલના રાજકોટ મેયર પ્રદીપ ડવ પણ વિદ્યાર્થી સંગઠનમાં કાર્યરત હોય આંદોલનમાં જોડાયા હતા.

અને ફી વધારાના મુદે ભૂતખાના ચોકમાં મેયર પ્રદીપ ડવ સહિતના વિદ્યાર્થી સંગઠનના કાર્યકરોએ વાહનો તેમજ એસ.ટી.બસોને અટકાવી ચક્કાજામ કર્યો હતો. બનાવની પોલીસ કંટ્રોલરૂમને જાણ થતા તુરંત એ ડિવિઝન પોલીસને ભૂતખાના ચોક દોડાવાઇ હતી. અને ચક્કાજામ કરી આંદોલન કરનાર વિદ્યાર્થી સંગઠનના પ્રદીપ ડવ ઉપરાંત મનીષ દામજીભાઇ, કમલેશ કોઠીવાર, દિલીપ ગઢવી, મૌલીક કરશનભાઇ સહિત 13 કાર્યકરની અટકાયત કરી તેમની સામે કાયદાનો ભંગ કરવા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

વિદ્યાર્થી સંગઠનના 13 કાર્યકરોની ધરપકડ બાદ પોલીસે અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતુ. જે કેસ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ રાયની કોર્ટમાં ચાલતા તપાસનીશ પોલીસ અધિકારી, કર્મચારીઓને સાહેદ તરીકે તપાસ્યા હતા. જેમાં ફરિયાદ પક્ષ વાહન રોક્યા હોય તેવા કોઇ પુરાવા રજૂ કરી શકી ન હતી.

ત્યારે વાહનો રોકી ચક્કાજામ કરનાર આરોપીઓ કોણ તે કોઇ રેકોર્ડ પર ન હોવાની આરોપી પક્ષે રોકાયેલા એડવોકેટ અંશ ભારદ્વાજ, દિલીપ પટેલે રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઇ ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો કેસ સાબિત કરી નહિ શકતા અદાલતે પ્રદીપ ડવ સહિત 13 વિદ્યાર્થી સંગઠનના કાર્યકરોને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...