તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Injured Person Injured In Rajkot Accident Was First Rushed To Hospital, Later A Team Of 108 Handed Over Rs 68,000 To The Family.

કર્મનિષ્ઠાની સાથે પ્રામાણિકતા:રાજકોટમાં અકસ્માત થતા ઘાયલ વ્યક્તિને પહેલા હોસ્પિટલ પહોંચાડી, બાદમાં 68 હજારનો મુદ્દામાલ 108ની ટીમે પરિવારને આપ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
108 ટીમની પ્રામાણિકતા. - Divya Bhaskar
108 ટીમની પ્રામાણિકતા.
  • સામાન પરત મળતા ઇજાગ્રસ્તના પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો

રાજકોટમાં 108ના કર્મનિષ્ઠ જવાનો તેમની સેવાના ભાગરૂપે અકસ્માતમાં ઘાયલ સહિત ઇમર્જન્સીમાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં દર્દી પાસે રહેલી રોકડ તેમજ મુદ્દામાલ તેઓના પરિવારજનોને પરત કરી આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે.જેમાં અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિ પાસે રહેલો 68 હજારનો મુદ્દામાલ 108ની ટીમે તેના પરિવારને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

બે ટુ વ્હિલર વચ્ચે અકસ્માત થયો હતો
હાલમાં એક્ટિવા પર જતા ચિરાગભાઈ રાવલને સ્વામિનારાયણ ગુરુકુળ પાસે અન્ય ટુ વ્હિલર સાથે અકસ્માત થતા તેઓને 108ની ટીમ મારફત સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક પહોચાડ્યા હતાં. ચિરાગભાઈ પાસે રૂ. 1500ની રોકડ રકમ, સોનાની ચેઇન, ફોર વ્હિલરની ચાવી તેમજ રૂ. 20 હજારની કિંમતનો મોબાઈલ હતો. 108ના પાયલોટ ગોપાલ ડાંગર અને ઈ.એમ.ટી.ના સભ્ય કિશનભાઇ રાજાણીએ આ તમામ વસ્તુ તેમના પરિવાજનોને બોલાવી પરત કરી માનવતાના દર્શન કરાવ્યા હતા. આશરે રૂ. 68 હજારનો કિંમતી સામાન પરત મળતા તેમના પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે 108ના પ્રોજેક્ટ મેનેજર મિલન પટેલ તેમજ વિરલ ભટ્ટે 108ની ટીમને બિરદાવી હતી.

68 હજારનો મુદ્દામાલ પરિવારને પરત આપ્યો.
68 હજારનો મુદ્દામાલ પરિવારને પરત આપ્યો.

2 મહિના પહેલા રાહદારીએ 5.50 લાખનો થેલો મૂળ માલિકને પરત કર્યો હતો
શહેરના માધવ પાર્ક પાસે શ્યામલ સિટીમાં રહેતા મયુરભાઇ રજનીકાંતભાઇ ભુવા 7 એપ્રિલના રોજ પોતાના ઘરનો સામાન અન્ય મકાને હેરફેર કરતા હતા. આ દરમિયાન તેઓએ રોકડ રૂ.5.50 લાખ એક કાળા થેલામાં રાખ્યા હતા. આ થેલો સામાન ફેરવતી વખતે રસ્તામાં પડી ગયો હતો. આ રોકડ રૂપિયા ભરેલો થેલો વગડ ચોકડી પેટ્રોલપંપ પાસેથી રાહદારી મુકેશભાઇ ભીખુભાઇ ડોડને મળ્યો હતો. તેઓએ પોતાના શેઠ સિદ્ધી ગ્રુપના પપુભાઇ મહેતાને જાણ કરતા પપુભાઈ મહેતાએ ડીસીપી મનોહરસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો.

રાહદારીને પોલીસે પ્રશંસાપત્ર આપ્યું હતું
પોલીસે મૂળ માલિકને શોધી કાઢી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. આથી મૂળ માલિક મયુરભાઇ રજનીકાંતભાઇને તમામ રોકડ રકમ પરત આપી ખૂબ જ ઇમાનદારીનુ ઉમદા કાર્ય મુકેશભાઇ ભીખુભાઇ ડોડએ કર્યુ હતું. આ કાર્ય બદલ તેઓને ડીસીપી મનોહરસિંહ જાડેજા અને પીઆઇ જે.વી.ધોળા તરફથી પ્રશંસાપત્ર આપવામાં આવ્યું હતું.