તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફતે મોઢું ફાડ્યું:મ્યુકોરમાઇકોસિસની સાથે હવે એસ્પરઝિલસ ફૂગનું આક્રમણ, રાજકોટ સિવિલમાં 100થી વધુ કેસ, કોરોના બાદ 20થી 40 દિવસ પછી આ ફૂગ થવાની શક્યતા

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને એસ્પરઝિલસ થવાના ચાન્સ વધુ

કોરોનારૂપી વૈશ્વિક મહામારીએ લોકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે ભાંગી નાખ્યા છે. કોરોના પોતાની સાથે અનેક રોગને નિમંત્રણ આપી રહ્યો છે. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ, ગેંગરીન અને હવે મ્યુકોરમાઇકોસિસની સાથે એસ્પરઝિલસ નામની ફૂગે દર્દીના શરીરમાં પ્રવેશ કર્યો છે. રાજકોટના ફેફસાંના નિષ્ણાત ડો.નીરજ મહેતાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ ફૂગના 100થી વધુ દર્દી સારવાર લઇ રહ્યા છે. કોરોના બાદ 20થી 40 દિવસ પછી દર્દીઓને આ ફૂગ થવાની શક્યતા રહે છે.

કોરોના પછી દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ બમણા થયા
ફેફસાંના નિષ્ણાત તબીબ ડો. નીરજ મહેતાએ જણાવ્યું હતું કે સિવિલમાં 400 દર્દીઓથી 20 ટકા દર્દીઓને એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન થયું છે. સામાન્ય દિવસોમાં પણ એસ્પરઝિલસના કેસ નોંધાતા હતા. જોકે હવે કોરોના પછી દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ બમણા સામે આવી રહ્યા છે, સાથે સાથે એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ફેલાતા પોસ્ટ કોવિડ ઈન્ફેક્શનના પ્રમાણમાં પણ બે ગણો વધારો થયો છે.

આ ફૂગ હાડકા પણ ગાળી દે તેટલી ખતરનાક
કોરોનાથી રિકવરી માટે દર્દીઓને કોર્ટિકો સ્ટીરોઈડ આપવામાં આવે છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ એ દર્દીઓના મોઢામાં એક પ્રકારની એસ્પરઝિલસ ફંગસ, કેન્ડીએસિસ ફંગસ થઈ જાય છે. આ ફંગસ એટલો ખતરનાક છે કે, તે ધીરે ધીરે ફેફસામાં પહોંચી જાય છે. તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. આમ, ધીરે ધીરે આ ફંગસ આખા શરીરમાં ફેલાઈ જાય છે. તે એટલુ ખતરનાક છે કે તે હાડકા પણ ગાળી દે છે.

ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મ્યુકોરમાઇકોસિસ જેટલું ઘાતક નથી, પરંતુ એની વહેલી તકે સારવાર કરાવવી જરૂરી છે, નહિ તો એસ્પરઝિલસ પણ ઘાતક સાબિત થઇ શકે છે. ફૂગના ફૂંફાડા સામે હવે કોરોના વિષાણુ પણ વામણો લાગવા માંડ્યા છે. કોરોના રિકવર થયા બાદ 20થી 40 દિવસની અંદર એસ્પરઝિલસ ફૂગ થવાની શક્યતાઓ રહેલી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ આવા દર્દીઓની સારવાર ચાલી રહી છે.

મ્યુકોરમાઇકોસિસ કરતાં ખર્ચ ઓછો થાય છે
એસ્પરઝિલર ફૂગના રોગની સારવાર મોટા ભાગે હોરિકોનાઝોલ ટેબ્લેટથી જ થઈ જતી હોય છે. એની એક ટેબ્લેટની કિંમત અંદાજિત 700થી 800 રૂપિયા છે. આ ટેબ્લેટ દિવસમાં બે વખત લેવાની રહે છે. સામાન્ય રીતે એસ્પરઝિલસની સારવાર 21 દિવસ સુધી ચાલે છે. ઉલ્લેખનીય છે કે મ્યુકોરમાઇકોસિસની સારવાર કરતાં એસ્પરઝિલસ સારવારમાં ખર્ચ ઓછો રહે છે.

એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન વધે છે
રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસ મહામારીની સાથે જ એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ફેલાતા પોસ્ટ કોવિડ ઈન્ફેક્શનનું પ્રમાણ પણ વધ્યું હોવાનું ખાનગી હોસ્પિટલ તથા સરકારી હોસ્પિટલના તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. મ્યુકોરમાઇકોસિસ આનાથી ઘણો વધુ ખતરનાક એટલે છે કે તે સાઈનસ, નાક આંખ, મગજ પર ઘાતક અસર કરે છે અને ટ્રીટમેન્ટ ખર્ચાળ અને ઓપરેશન અઘરૂં છે એટલું જોખમ ફેફસાંમાં ઈન્ફેક્શનમાં નથી.

આ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન ફેલાય છે.
આ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન ફેલાય છે.

શું છે એસ્પરઝિલસનાં લક્ષણો?
એસ્પરઝિલસની અંદર ન્યુમોનિયા જેવાં જ લક્ષણો જોવા મળતાં હોય છે. જેમાં દર્દીને તાવ આવવો, કફ ભરાય જવો અને કફમાં લોહી આવવું જેવાં લક્ષણો જણાતાં હોય છે તેમજ કફનું સેમ્પલ લીધા બાદ રિપોર્ટ કરવામાં આવે છે અને એસ્પરઝિલસ છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે હોય છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને એસ્પરઝિલસ થવાના ચાન્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે.