હાલ સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર ફેલાય રહ્યો છે. આવા સમયે રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન અધિકારી ડો.કે.યુ.ખાનપરાંએ આ અંગે જણાવ્યું હતું કે, ઓનલાઈન ડેટા એન્ટ્રી મુજબ રાજકોટ જિલ્લાએ સૌથી વધુ વેક્સિનેશન કર્યું છે, અત્યાર સુધીમાં 1,23,596 પશુઓનું રસીકરણ થયું છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પશુ રસીકરણ ઝડપથી થાય તે માટે જિલ્લા કક્ષાની મોનીટરીંગ કમિટિ પણ પોતાની ફરજ નિભાવી રહી છે. તેમજ નોડલ ઓફિસરની પણ નિમણૂંક કરવામાં આવી છે.
26 પશુઓના મોત થયા છે
આ ઉપરાંત લમ્પી સ્કીન રોગ માટેની જિલ્લા પંચાયત સભ્યોની સંકલન સમિતિમાં પણ જાણ કરવામાં આવે છે કે લમ્પી સ્કીન રોગથી પશુનું મૃત્યુ થાય તો તાત્કાલિક તાલુકા પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવો. જેથી કોઈપણ લમ્પી રોગને કારણે મરણ પામનાર પશુ નોંધાયા વિના ના રહે. તેમજ પશુપાલન વિભાગ પાસે વેકસીનનો પૂરતાં પ્રમાણમાં જથ્થો છે. આ સાથે હાલ 21 મોબાઈલ પશુ દવાખાનાઓ કાર્યરત છે અને ટૂંક સમયમાં અન્ય 5 એમ્બ્યુલન્સનો સમાવેશ થશે તેમ ડો. ખાનપરાંએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે તા.31 જુલાઈ સુધીમાં લમ્પી સ્કીન રોગથી 355 ગામ અસરગ્રસ્ત થયાં છે. તેમજ લમ્પીના 2530 કેસ નોંધાયા છે જયારે 2528 પશુઓ સારવાર હેઠળ છે. તેમજ 26 પશુઓના મોત થયા છે.
અસરગ્રસ્ત પશુઓની અલાયદી વ્યવસ્થા કરાશે
હાલ રાજકોટ જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્કીન રોગ બચાવ તેમજ નિયંત્રણમાં માટે સંબંધિત તાલુકાના મામલતદારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ મોનીટરીંગ કમિટિની રચના કરવામાં આવી છે. આ કમિટીએ લમ્પી સ્કીન રોગના નિયંત્રણ, બચાવ અને સારવાર સંબંધિત કામગીરીનું મોનીટરીંગ કરવાનું રહેશે. રોગથી અસરગ્રસ્ત પશુઓની સારવાર, આઈસોલેશન, વેક્સિનેશન અને આનુષંગિક કામગીરી સુનિશ્ચિત કરવાની રહેશે. તેમજ પોલીસ વિભાગ અને પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ દ્વારા પશુઓની અવર જવર નિયંત્રિત કરવાની રહેશે. સાથે આરોગ્યની ટીમ દ્વારા પશુઓના રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતાં, આરોગ્યપ્રદ વાતાવરણ તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવની કામગીરી કરવાની રહેશે. ઉપરાંત રખડતાં બિનવારસી અસરગ્રસ્ત પશુઓની દેખરેખ અને સારવારની અલાયદી વ્યવસ્થા કરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.