હવે ઝેરી ફૂગનો કહેર:કોરોના બાદ થતા મ્યૂકોરમાઇકોસિસ ફંગસ ઇન્ફેક્શનનું જોખમ વધ્યું, રાજકોટના ENT સર્જને કહ્યું- ડાયાબિટીસના દર્દીઓને થવાની શક્યતા વધારે

રાજકોટએક વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબીન વડે ઓપરેશન કરી ફંગસ દૂર કરવામાં આવે છે
  • ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા દર્દીઓને આ ફંગસ ઇન્ફેકશન થવાની શક્યતા વધારે છે

હાલમાં કોરોનાનો કાળો કહેર ચાલુ છે. એવામાં નાક અને સાયનસમાં થતું ફંગસ ઇન્ફેક્શન (મ્યૂકોરમાઇકોસિસ ફંગસ))ના કેસોમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. આ અંગે રાજકોટના ઇએનટી સર્જન ડો.હિમાંશુ ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ એક ગંભીર રોગ છે, જેમાં ખાસ કરીને કોરોનાના દર્દીઓને સ્ટિરોઈડ આપવા પડે અને જો દર્દીને ડાયાબિટીસ હોય એવા સંજોગોમાં આ રોગ થતો હોય છે. આવા કેસમાં દર્દીમાં તાવ આવવો, નાક બંધ થઈ જવું, નાકમાંથી કાળું પ્રવાહી નીકળવું, માથું દુખવું, આંખ અને મોઢાના ભાગ ઉપર સોજો આવવો, આંખની આસપાસ અને મોઢાની ચામડી કાળી પડવી, કફ થવો સહિતનાં લક્ષણો જોવા મળે છે.

50થી 90 ટકા કેસમાં દર્દીનું મૃત્યુ થાય
ડો.હિમાંશુ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ફંગસ ઇન્ફેક્શન મગજ સુધી પહોંચે છે ત્યારે આંચકી આવવી અને પેરાલિસિસનોનો અટેક પણ આવે છે. જ્યારે ફેફસાંમાં ફંગસ ઇન્ફેક્શન પહોંચે છે ત્યારે ન્યુમોનિયા થવો અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ અત્યંત જોખમી ફંગસ ઇન્ફેક્શન છે. આંખોમાં જ્યારે ફંગસ ઇન્ફેક્શન પ્રવેશે છે ત્યારે અંધાપો આવી શકે છે. 50થી 90 ટકા કેસમાં દર્દીનું મૃત્યુ થાય છે. નિદાન માટે દર્દીના નાકમાંથી જે પ્રવાહી નીકળે છે એનું ફંગસ કલ્ચર કરવામાં આવે છે અને મગજ અને નાક તથા સાયનસ અને ફેફસાંનો સિટી સ્કેન કરવામાં આવે છે.

આ ફંગસ ઇન્ફેકશન ખૂબ જ ઝડપી આખા શરીરમાં ફેલાય શકે છે
સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબીન વડે ઓપરેશન કરી ફંગસ દૂર કરવામાં આવે છે અને ત્યાર બાદ બાયોપ્સી તપાસ કરવામાં આવે છે. દર્દીને એન્ટી-ફંગસ દવાઓ લિપોસોમલ એમ્ફોટેરિસિન બી નામનું ઇન્જેક્શન લાંબો સમય સુધી આપવું પડે છે. જે દર્દીઓને કોરોના થયો હોય અને તેને ડાયાબિટીસ હોય તથા જેની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી છે તેવા દર્દીઓને આ ફંગસ ઇન્ફેકશન થવાની શક્યતા ખૂજ જ વધારે હોય છે, જેથી ખૂબ જ ધ્યાન રાખવું અને ઉપરોક્ત ચિહનો જણાય તો તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઇએ, કારણ કે આ ફંગસ ઇન્ફેકશન ખૂબ જ ઝડપી આખા શરીરમાં ફેલાય શકે છે અને જો તાત્કાલિક સારવાર કરવામાં ન આવે તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે, જેથી ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે.

મ્યૂકોરમાઇકોસિસથી બચવા કોરોનાના દર્દીએ માસ્ક પહેરવું અને વારંવાર હાથ ધોવા જોઈએ
જેનામાં ઇમ્યુનિટી ઓછી તેને મ્યૂકોરમાઇકોસિસ જલદી થઈ જાય છે. ગાર્ડનિંગનું કામ કરતી વખતે માસ્ક અને હાથના મોજા પહેરીને કામ કરવું જોઇએ. કોરોનાના દર્દીઓને સ્ટિરોઇડની દવાઓ અપાતી હોય છે, જેથી શુગર અને એસિડ ભેગું થાય છે, જેથી મ્યૂકોરમાઇકોસિસ બીમારીનું જોખમ વધી જાય છે. વડોદરાના દાંડિયાબજારની ખાનગી હોસ્પિટલના ડો. જયેશ રાજપુરાએ જણાવ્યું હતું કે મ્યૂકોરમાઇકોસિસથી બચવા માટે કોવિડ દર્દીએ માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા, આખી બાંયના શર્ટ અને ફુલ પેન્ટ પહેરવાં જોઈએ.

કેવી રીતે રક્ષણ મેળવી શકાય?
મોટા ભાગે જમીન પર પડેલાં સડેલાં પાંદડાં, છાણમાં આ ફૂગ પેદા થાય છે, એ હવામાં ભળતાં જો નાક વાટે શરીરમાં પ્રવેશે ત્યારે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને તરત જ અસર કરે છે. જો વ્યક્તિએ માસ્ક પહેર્યું હોય તો આ ફૂગ સામે રક્ષણ મળે છે. જો માસ્ક ન પહેર્યું હોય તો આ ફૂગનો ચેપ સરળતાથી લાગી જાય છે.

મ્યૂકોરમાઇકોસિસમાં કોણ સપડાય છે?
-કેન્સરના દર્દી.
-અંગ પ્રત્યારોપણ કરાવેલું હોય તે વ્યક્તિ.
-શ્વેતકણો (WBC)નું પ્રમાણ ઓછું હોય.
-આયર્ન (લોહતત્ત્વ)નું પ્રમાણ લોહીમાં અતિશય વધી (હેમોક્રોમાટોસિસ) જાય.
-લાંબા સમયથી સ્ટિરોઇડ દવાઓ લીધી હોય.
-ચામડીમાં ઊંડો ઘા થયો હોય ત્યારે આ ફૂગ લાગી શકે છે.
-પાંદડાંના સડા અને છાણમાં આ ફૂગ ફેલાય છે, બચવા માસ્ક પહેરો

આ દવાઓનાં ઇન્જેકશન અપાય છે
-લિપોસોમલ એમ્ફોટેરિસિન બી
-કેસપોફંગિન
-પોસાકોનાઝોલ

આડેધડ સ્ટિરોઇડનો ઉપયોગ આ બીમારી માટે કારણભૂત છે
કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓને લાંબો સમય સુધી સારવારના ભાગરૂપે સ્ટિરોઇડ આપવામાં આવે છે. જો સ્ટિરોઇડ કોઇ ટેસ્ટ કર્યા વિના આડેધડ આપવામાં આવ્યું હોય ત્યારે દર્દીની રોગ પ્રતિકારકશક્તિ ઓછી થઇ જાય છે, જેને પગલે આ ફૂગ તરત જ અસર કરે છે. બીજું કારણ ટોસિલિઝુમેબ છે. આ ઇન્જેકશનોના ઉપયોગથી પણ ઇમ્યુનિટી ખૂબ જ નબળી પડી જાય છે.

મ્યૂકોરમાઇકોસિસથી બચવા સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી છે
કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીમાં થતી મ્યૂકોરમાઇકોસિસ નામની બીમારીમાં મૃત્યુનું પ્રમાણ 50 ટકા જેટલું ઊંચું હોવાને કારણે ગુજરાત સરકારે આ બીમારી સંદર્ભે એક માર્ગદર્શિકા બહાર પાડી તમામ શહેરો અને જિલ્લાના આરોગ્ય અધિકારીઓને મ્યૂકોરમાઇકોસિસ બીમારીનો પરિચય, એનાં કારણો, લક્ષણો, તપાસ, પરેજી અને સારવારની પદ્ધતિને લઇને જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...