દીપાવલી પર્વ:ઔદ્યોગિક એકમો આજથી બંધ, લાભપાંચમથી ધમધમશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખૂલતા વેકેશનમાં જૂના ઓર્ડર પૂરા કરવામાં આવશે, વેપારીઓ આજે ચોપડાપૂજન કરશે

રાજકોટના વિવિધ ઔદ્યોગિક એકમોમાં આજથી દીપાવલી પર્વની રજા જાહેર થઇ ગઇ છે. લાભપાંચમથી વેપારના શ્રીગણેશ થશે. ખૂલતા વેકેશનમાં જૂના ઓર્ડર પૂરા કરવામાં આવશે. રો-મટિરિયલ્સના વધતા જતા ભાવને કારણે હાલ કોઇએ નવા ઓર્ડર લીધા નથી. જ્યારે વિવિધ બજારમાં આજે દિવાળીની ખરીદી રહેશે અને ત્યારબાદ ચોપડાપૂજન કરી બેસતા વર્ષથી બજારમાં દિવાળીની રજા શરૂ થશે અને 9 નવેમ્બરથી બજાર ધમધમશે.

રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સેક્રેટરી નરેન્દ્રભાઇ પાંચાણીના જણાવ્યાનુસાર રો-મટિરિયલ્સના ભાવમાં રોજેરોજ ફેરફાર થઇ રહ્યો છે.તેથી નવા ઓર્ડર એડવાન્સમાં લેતા નથી અને હાલમાં તમામ ઉદ્યોગકારો વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે. તેમજ રો-મટિરિયલ્સના ભાવમાં વધારો થયો હોવા છતાં એક્સપોર્ટ અને અગાઉ બુક થયેલા ઓર્ડરની ડિલિવરી જૂના ભાવે જ આપવી પડે છે.

આ કારણોસર રાજકોટના તમામ ઉદ્યોગકારોના નાણાં ફસાઈ ગયા છે.જ્યારે સામે રો-મટિરિયલ્સની ખરીદીમાં ક્રેડિટ નોટ પ્રમાણમાં ઓછી મળે છે. જ્યારે જૂના ઓર્ડર સમયસર પૂરા થઇ જાય તે માટે દિવાળી પહેલા 50 ટકાથી વધુ ઔદ્યોગિક એકમોમાં ત્રણ- ત્રણ શિફ્ટમાં કામ ચાલુ હતું. જોકે પરપ્રાંતીય મજૂરો હાલમાં વતન ગયા છે અને તેઓ છઠ્ઠપૂજા કરીને અહીં પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...