રાજકોટમાં આગામી 28 માર્ચથી રાજકોટથી ગોવાની ફ્લાઈટ સેવા શરૂ થનાર છે. ઈન્ડિગો એરલાઈન્સની રાજકોટ-ગોવાની સીધી ફ્લાઈટ સપ્તાહમાં મંગળ, ગુરુ અને શનિવાર એમ ત્રણ દિવસ શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. દર મંગળ, ગુરૂ, અને શનિવારે બપોરે સવારે 11.10 વાગ્યે ગોવાથી ટેક ઓફ થઈ બપોરે 12.45 વાગ્યે રાજકોટ લેન્ડ થશે અને બપોરે 1.15 વાગ્યે રાજકોટથી પરત ગોવા જવા ટેકઓફ થઈ 2.50 વાગ્યે ગોવા લેન્ડ થશે.
ઉનાળુ વેકેશનમાં સૌરાષ્ટ્રવાસીઓ લાભ લેશે
હાલ રાજકોટથી ગોવા જવા એક પણ ફ્લાઈટ કાર્યરત નથી. સ્પાઈસ જેટ એર લાઈન્સ કંપનીએ ગોવાની ફ્લાઈટ કેન્સલ કર્યા બાદ ગોવા જવાની હવાઈ સેવા ખોરવાઈ હતી. આખરે ઈન્ડિગો કંપનીએ પર્યટકો અને મુસાફરોના ટ્રાફિકના ધ્યાને લઈ 28મી માર્ચથી ગોવા સેક્ટર શરૂ કરવાનો નિર્ણય લેતા ચાલુ મહિનાના છેલ્લા સપ્તાહમાં રાજકોટ-ગોવા વચ્ચે સીધી ફ્લાઈટનું ઉડ્ડયન શરૂ થનાર છે. આ ફ્લાઈટના એડવાન્સ બુકિંગ માટે વિન્ડો પણ શરૂ કરવામાં આવી છે. ઉનાળુ વેકેશનમાં ગોવા જવા ઈચ્છુક સૌરાષ્ટ્રવાસીઓને ગોવાની સીધી હવાઈ સેવા ઉપયોગી નિવડશે.
મે મહિના સુધીમાં 3 નવી ફ્લાઈટ શરૂ થશે
એક તરફ રાજકોટમાં અમદાવાદ હાઈવે પર ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરીને ઝડપભેર આગળ વધારવા તંત્ર મહેનત કરી રહ્યું છે, બીજી તરફ તેની સાથે સાથે હાલના ચાલુ એરપોર્ટ પર એક બાદ એક નવી એર કનેક્ટિવિટી રાજકોટને મળવાની શરૂ થઈ છે. આગામી મે મહિના સુધીમાં 3 નવી ફ્લાઈટ શરૂ થનાર છે. જેમાં ગોવાની ફ્લાઈટનો સમાવેશ થતા પ્રવાસીઓ માટે સીધી કનેક્ટિવિટી મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.