રાજકોટ એરપોર્ટ પરથી ઈન્દોર અને ઉદયપુરની ફ્લાઈટનો પ્રારંભ આગામી 1 મેથી કરવામાં આવનાર છે. આ બન્ને ફ્લાઈટનું સંચાલન ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા કરવામાં આવશે. અત્યારસુધી રાજકોટ એરપોર્ટ પરથી મુંબઈ, દિલ્હી, બેંગ્લોર ઉપરાંત સુરત નવ સીટરની ચાર્ટર ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. ત્યારે હવે વધુ બે શહેરોને જોડતી ફ્લાઈટ રાજકોટથી મળતી થઈ જશે.
ઉદયપુરની ફ્લાઈટનું શેડ્યુલ આવું રહેશે
આ અંગે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા જણાવાયું છે કે, 1 મેથી રાજકોટ-ઉદયપુરની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ સવારે 8:40 વાગ્યે આવીને 9:55 વાગ્યે ઉડાન ભરશે. જ્યારે ઉદયપુર-રાજકોટની ફ્લાઈટ સવારે 10:15 વાગ્યે ત્યાંથી ઉડાન ભરીને 11:35 વાગ્યે રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચશે. આ જ ફ્લાઈટ 11:35 વાગ્યે રાજકોટ પહોંચ્યા બાદ 11:55 વાગ્યે ઈન્દોર જવા રવાના થશે, જે બે વાગ્યે ઈન્દોર પહોંચશે.
ઈન્દોરની ફ્લાઈટનું શેડ્યુલ આવું રહેશે
ત્યારબાદ સાંજે 6:30 વાગ્યે ઈન્દોરથી રાજકોટ માટે ઉડાન ભરીને રાત્રે 8:20 વાગ્યે ઈન્દોરથી રાજકોટ પહોંચશે. જ્યારે બીજા દિવસે સવારે એ જ ફ્લાઈટ સવારે 8:40 વાગ્યાથી રાજકોટથી ઉદયપુર જવા માટે રવાના થશે. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા આ ફ્લાઈટનું સંચાલન દૈનિક કરવામાં આવનાર હોવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે હવે આ બન્ને શહેરો માટે ટ્રાફિક મળશે કે કેમ તે જોવું રહ્યું.
હાલ 11 ફ્લાઈટનું સંચાલન થાય છે
ઉલ્લેખનીય છે કે, રાજકોટથી ગોવાની ફ્લાઈટ થોડો સમય સુધી ચાલી હતી. પરંતુ પૂરતો ટ્રાફિક નહીં મળવાને કારણે તેને બંધ કરી દેવામાં આવી છે. અત્યારે રાજકોટ એરપોર્ટ ઉપરથી 11 જેટલી ફ્લાઈટનું સંચાલન ચાલી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.