ટી20 શ્રેણીનો અંતિમ મેચ રમવા ભારત અને શ્રીલંકા ટીમના ખેલાડીઓ ખાસ પ્લેન મારફતે ગુરુવારે પૂનાથી રાજકોટ આવવાના છે. ભારતીય ક્રિકેટ ટીમ હોટેલ સયાજીમાં અને શ્રીલંકાની ટીમ હોટેલ ફોર્ચ્યુનમાં રોકાણ કરવાની છે. ત્યારે બંને ટીમના ખેલાડીઓનું અદકેરું સ્વાગત કરવા માટે બંને હોટેલના મેનેજમેન્ટ દ્વારા ખેલાડીઓના મોટા મોટા કટઆઉટ મૂકી આખરી ઓપ આપી સજ્જ થઇ છે.
બંને હોટેલમાં ભારતીય ટીમના કપ્તાન હાર્દિક પંડ્યા અને શ્રીલંકા ટીમના કપ્તાન દાસુન સનાકા માટે તમામ સુવિધાઓ સાથેના પ્રેસિડેન્સિયલ સ્યૂટ તૈયાર કરાયા છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે સયાજી હોટેલ દ્વારા કાઠિયાવાડી ભોજનમાં કાજુ-ગાંઠિયાનું શાક, દહીં તિખારી, મેચના દિવસે ઇન્ડિયન, મેક્સિકન, થાઇ, ઓરિએન્ટલ કોન્ટિનેન્ટલ, લાવીશ બફેટ અને રવિવારે સવારે બ્રેક ફાસ્ટમાં ફાફડા, વણેલા ગાંઠિયા, જલેબી, ઢોકળા પીરસવામાં આવશે.
મેચ માટે 400થી વધુ પોલીસ તૈનાત
ખંઢેરીમાં યોજાનાર ભારત-શ્રીલંકા વચ્ચેના ત્રીજા ટી20 મેચમાં અનિચ્છનીય બનાવને અટકાવવા રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ 5 ડીવાય.એસ.પી., 10 પીઆઇ, 40 પીએસઆઇ, 232 પોલીસ કર્મચારી, 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના 32 કર્મચારીને બંદોબસ્તમાં તૈનાત કરાયા છે. આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલની બે ટીમને પણ સ્ટેડિયમમાં તૈનાત કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.