રાજકોટમાં આગામી 17 જૂનના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T-20 મેચ રમાવાનો છે ત્યારે આ મુકાબલો જીતવા માટે બન્ને ટીમ એડીચોટીનું જોર લગાવી દેશે. પાંચ મેચની આ શ્રેણીમાં અત્યારે આફ્રિકા 2-1 થી આગળ ચાલી રહી છે. ત્યારે રાજકોટની T-20 મેચ અતિ રોમાંચક જોવા મળી શકે તેમ છે.
દક્ષિણ આફ્રિકા 2 વખત ‘અજેય’
રાજકોટની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકાની ટીમને આ શહેર ‘માફક’ આવી રહ્યું હોય તેવી રીતે અહીં રમાયેલી બન્ને મેચમાં તે ભારત સામે જીત્યું હોવાથી હજુ સુધી તે ‘અજેય’ જ રહેવા પામ્યું છે. ત્યારે આ રેકોર્ડ તોડી ભારત રાજકોટ જીતશે કે આફ્રિકા રેકોર્ડ યથાવત રાખશે તે જોવું મહત્વનું રહેશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાજકોટમાં સૌથી પહેલો વન-ડે મુકાબલો 1996માં 29 ઑક્ટોબરે રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 48.1 ઓવરમાં 185 રન બનાવી આખી ટીમ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં સચિન તેંડુલકરે 28, જવાગલ શ્રીનાથે ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 53, રાહુલ દ્રવિડે 21, મોહમ્મદ અઝહરુદ્દીને 9, અજય જાડેજાએ 26, નયન મોંગીયાએ 3, સુનિલ જોશીએ 20 અને અનિલ કુંબલેએ 12 રન બનાવ્યા હતા.
ભારત-આફ્રિકા વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી
બોલિંગમાં આફ્રિકા વતી એલન ડોનાલ્ડે ત્રણ, નીકી બોઝે બે, લાન્સ ક્લુસનરે બે અને સીમકોક્સે એક વિકેટ મેળવી હતી. ભારતે આપેલા 186 રનના લક્ષ્યાંકને આફ્રિકી ટીમે 48.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. આફ્રિકા વતી ગેરી કસ્ટર્ને 38, હર્ષલ ગીબ્સે 35, ક્રોન્ઝેએ 27, જોન્ટી રોડસે 54 અને નીકી બોઝે 13 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં ભારત વતી વેંકટેશ પ્રસાદે બે અને સુનિલ જોશીએ બે વિકેટ મેળવી હતી. આ પછી વર્ષ 2015માં 18 ઑક્ટોબરે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી. સ્ટેડિયમ નિર્માણ પામ્યા બાદની ઓક્ટોબર 2015માં ભારત- આફ્રિકા વચ્ચે વન-ડે મેચ રમાઇ હતી. જેમાં પણ ભારતનો પરાજય થયો હતો.
ટીમ ઈન્ડિયા 252 રન જ બનાવી શકી
આ મેચમાં આફ્રિકાએ પહેલાં બેટિંગ કરતાં 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 270 રન બનાવ્યા હતા. આફ્રિકા વતી ડીકોકે 103, ડેવિડ મીલરે 33, ફાફ ડુપ્લેસિસે 60, ડયુમીનીએ 14 અને ફરહાન બાહેડ્રીનના 33 રન મુખ્ય હતા. બોલિંગમાં ભારત વતી મોહિત શર્માએ બે, હરભજન-અમિત મિશ્રા-અક્ષર પટેલે એક-એક વિકેટ મેળવી હતી. આ પછી લક્ષ્યાંકનો પીછો કરતાં ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 6 વિકેટે 252 રન જ બનાવી શકતાં તેનો 18 રને પરાજય થયો હતો. ભારત વતી રોહિત શર્માએ 65, શિખર ધવને 13, વિરાટ કોહલીએ 77 અને ધોનીના 47 રન મુખ્ય હતા. આ ઉપરાંત અક્ષર પટેલે અણનમ 15 અને હરભજને અણનમ 20 રન બનાવ્યા હતા પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા. બોલિંગમાં આફ્રિકા વતી મોર્ને મોર્કલે ચાર અને ડયુમીની-તાહીરે એક-એક વિકેટ મેળવી હતી.
બે મેચમાં ભારતને જીત મળી છે
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે એમ ત્રણ T-20 મેચ રમાઈ ચુકી છે જેમાં ત્રણમાંથી બે મેચમાં ભારતને જીત મળી છે જયારે એક મેચમાં હાર મળી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી 17 જૂનના રોજ રમાનારી ટી-20 મેચમાં ભારત આફ્રિકને પરાજય આપશે કે પછી આફ્રિકન ટીમ રાજકોટમાં જીતનો રેકોર્ડ યથાવત રાખશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.