ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ટી-20 શ્રેણીમાં આજે ત્રીજી અને ફાઇનલ મેચ રાજકોટમાં રમાવા જઈ રહી છે. આજે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બન્ને ટીમ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે, કારણ કે પ્રથમ મેચમાં ભારતે જીત મેળવ્યા બાદ બીજી મેચમાં શ્રીલંકાએ જીત મેળવી શ્રેણી 1:1થી બરોબર કરી છે. આજે બન્ને ટીમ શ્રેણી કબજે કરવા એડીચોટીનું જોર લગાવશે અને મેદાન પર ચોગ્ગા છગ્ગાના વરસાદથી પ્રેક્ષકો મેચનો સાચો આનંદ માણી શકશે.
28,000 બેઠકની કેપેસિટી
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સાંજે 7 વાગ્યે ફાઇનલ મેચ રાજકોટના ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે, સાંજના 4 વાગ્યાથી પ્રેક્ષકોને મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે. 28,000 બેઠકની કેપેસિટી ધરાવતા આ સ્ટેડિયમમાં આગઉની આંતરરાષ્ટ્રીય મેચોની જેમ આજે પણ સ્ટેડિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલું-હાઉસફુલ જોવા મળશે, જેઓ ભારતીય ટીમનો જુસ્સો વધારશે અને તેમને ચિયરઅપ કરશે. આ સાથે મેચની શરૂઆત થતાં પહેલાં તેમજ ચોગ્ગા છગ્ગા કે વિકેટ પડે ત્યારે પણ ડીજેના તાલ મેદાનમાં ગુંજશે.
પ્રેક્ષકો ચિચિયારી બોલાવતા જોવા મળશે
ગઈકાલે બપોરના 3 વાગ્યે બન્ને ટીમનું રાજકોટમાં આગમન થયા બાદ ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શક્યા નથી, પરંતુ આજે બન્ને ટીમના ખેલાડીઓ 5 વાગ્યા બાદ સ્ટેડિયમ પહોંચશે અને પ્રેક્ષકોની હાજરીમાં સામાન્ય કસરત અને વોર્મઅપ કરતા જોવા મળશે. આજની મેચમાં ભારતીય ખેલાડીઓમાં પ્રેક્ષકો માટે કેપ્ટન હાર્દિક પંડ્યા, ગુજ્જુ બોય અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, વિકેટકીપર ઈશાન કિશન અને સુર્યકુમાર યાદવ ફેવરિટ જોવા મળશે. તેમની ઝલકથી મેદાનમાં પ્રેક્ષકો ચિચિયારી બોલાવતા જોવા મળશે.
ભારતની જીતના ચાન્સ મજબૂત
ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટની પિચથી વાકેફ છે, જેની સામે શ્રીલંકન ટીમ પ્રથમ વખત રાજકોટમાં આવી રહી છે. રાજકોટમાં રમાનારી પાંચમી ટી-20 મેચમાં ભારતની જીતના ચાન્સ વધુ મજબૂત જોવામાં આવી રહ્યા છે. જોકે શ્રીલંકન ટીમને હળવાશથી લઇ શકાય એમ નથી, કારણ કે પાછલી મેચમાં ભારતની ટીમ માંડ માંડ જીતની નજીક પહોંચી શકી હતી, જો કે આમ છતાં પણ જીત મળી ન હતી અને આજ ટીમ દ્વારા એશિયા કપમાં ખૂબ સારું પ્રદર્શન કરી બતાવ્યું હતું, જેમાં કુશલ મેન્ડિસ, વાનિંદુ હસારંગા, લાહિરુ કુમારા, મહેશ તીક્ષ્ણા અને ખુદ કેપ્ટન દાસુન શનાકાએ ભારતીય ટીમની બાજી બગાડી દીધી હતી.
3 મેચમાં ભારતની જીત
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે અત્યારસુધી ચાર ટી-20 મેચ રમાઈ ચૂકી છે, જેમાં ભારત-ઓસ્ટ્રેલિયા, ભારત-ન્યૂઝીલેન્ડ, ભારત-બાંગ્લાદેશ અને ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ યોજાઈ ચૂકી છે. આ ચાર મેચ પૈકી 3 મેચમાં ભારતની જીત થવા પામી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની એક મેચમાં હારનો સામનો ભારતની ટીમને કરવો પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.