રાજકોટમાં ગઈકાલે રમાયેલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ ટી-20 મેચમાં 82 રને ભારતે જીત મેળવી છે. પરંતુ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાજકોટમાં સૌથી પહેલી વન-ડે મેચ 29 ઓક્ટોબર 1996ના રોજ રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયો હતો. જેમાં ભારતને હાર મળી હતી. બીજો વન-ડે મેચ 18 ઓક્ટોબર 2015ના રોજ રમાયો હતો જેમાં પણ ભારતનો દક્ષિણ આફ્રિકા સામે પરાજય થયો હતો. બે-બે વખત હારનો બદલો ભારતે ગઇકાલે ટી-20 મેચમાં લઇ ભવ્ય જીત હાંસલ કરી છે.
28 ઓક્ટોબર 1996ના રોજ મેચમાં ભારતને હાર મળી હતી
29 ઓક્ટોબર 1996ના રોજના મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 48.1 ઓવરમાં 185 રન બનાવી આખી ટીમ આઉટ થઈ ગઈ હતી. ભારતે આપેલા 186 રનના લક્ષ્યાંકને આફ્રિકી ટીમે 48.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. આ મેચમાં સચિન તેંડુલકરે 28, શ્રીનાથે 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 53, રાહુલ દ્રવિડે 21, મોહમ્મદ અઝહરુદ્દીને 9, અજય જાડેજાએ 26, નયન મોંગીયાએ 3, સુનિલ જોશીએ 20 અને અનિલ કુંબલેએ 12 રન બનાવ્યા હતા. બોલિંગમાં આફ્રિકા વતી એલન ડોનાલ્ડે ત્રણ, નીકી બોઝે બે, લાન્સ ક્લુસનરે બે અને સીમકોક્સે એક વિકેટ મેળવી હતી. આફ્રિકા વતી ગેરી કસ્ટર્ને 38, હર્ષલ ગીબ્સે 35, ક્રોન્ઝેએ 27, જોન્ટી રોડસે 54 અને નીકી બોઝે 13 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં ભારત વતી વેંકટેશ પ્રસાદે બે અને સુનિલ જોશીએ બે વિકેટ મેળવી હતી.
18 ઓક્ટોબર 2015ના રોજ પણ ભારતને હાર મળી હતી
આ પછી વર્ષ 2015માં 18 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી. સ્ટેડિયમ નિર્માણ પામ્યા બાદની ઓક્ટોબર 2015માં ભારત-આફ્રિકા વચ્ચે વન-ડે મેચ રમાઇ હતી. જેમાં પણ ભારતનો પરાજય થયો હતો. આ મેચમાં આફ્રિકાએ પહેલાં બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 270 રન બનાવ્યા હતા. આફ્રિકા વતી ડીકોકે 103, ડેવિડ મીલરે 33, ફાફ ડુપ્લેસિસે 60, ડ્યુમીનીએ 14 અને ફરહાન બાહેડ્રીનના 33 રન મુખ્ય હતા.
કોહલીના 77 અને ધોનીના 47 રન મુખ્ય હતા
બોલિંગમાં ભારત વતી મોહિત શર્માએ બે, હરભજન, અમિત મિશ્રા અને અક્ષર પટેલે એક-એક વિકેટ મેળવી હતી. આ પછી લક્ષ્યાંકનો પીછો કરતાં ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 6 વિકેટે 252 રન જ બનાવી શકતાં 18 રને પરાજય થયો હતો. ભારત વતી રોહિત શર્માએ 65, શિખર ધવને 13, વિરાટ કોહલીએ 77 અને ધોનીના 47 રન મુખ્ય હતા. આ ઉપરાંત અક્ષર પટેલે અણનમ 15 અને હરભજને અણનમ 20 રન બનાવ્યા હતા. પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા. બોલિંગમાં આફ્રિકા વતી મોર્ને મોર્કલે ચાર અને ડ્યુમીની-તાહીરે એક-એક વિકેટ મેળવી હતી.
SCA સ્ટેડિયમમાં ટી-20 ચાર મેચમાં બેમાં હાર બેમાં જીત
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે એમ ત્રણ ટી-20 મેચ રમાઈ હતી. જેમાં ત્રણમાંથી બે મેચમાં ભારતને જીત મળી હતી જ્યારે એક મેચમાં હાર મળી હતી. બીજી તરફ આજે રમાયેલ ચોથી ટી-20 મેચમાં ભારતીય ટીમે આફ્રિકન ટીમને આકરી હાર અપાવી શાનદાર જીત મેળવી છે. આમ કુલ ચાર આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં રાજકોટમાં ભારતીય ટીમને બે મેચમાં હાર અને બે મેચમાં જીત મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.