લિફ્ટમાં નિર્લજ્જ હુમલો:રાજકોટમાં વિકૃત શખ્સની લિફ્ટમાં યોગા ટીચર સાથે અશ્લીલ હરકત, મહિલાએ વિરોધ કરતા ગળું દબાવી મારકૂટ કરી

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેરના પોશ વિસ્તાર સમા અક્ષર માર્ગ મેઇન રોડ પર આવેલ એક એપાર્ટમેન્ટમાં લિફ્ટની અંદર યોગા ટીચર સાથે અશ્લીલ હરકત કરી વિકૃત શખ્સે ગળું દબાવી મારકૂટ કર્યાની ઘટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

શખ્સે મહિલાને માર માર્યો તે દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા.
શખ્સે મહિલાને માર માર્યો તે દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા.

મહિલા પહોંચી ત્યાં લિફ્ટ ખુલી રાખી દીધી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, માલવીયાનગર પોલીસ મથકમાં 34 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માસ્ક પહેરેલા અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે યોગા ટીચર છે અને મંગળવારે સવારે સાડા છ વાગ્યા આસપાસ ઘરેથી યોગા ક્લાસિસમાં જવા માટે નીકળ્યા હતાં. સાંજે 6:40 વાગ્યા આસપાસ તેઓ અક્ષર માર્ગ મેઇન રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા. ત્યારે એક અજાણ્યો શખ્સ માસ્ક પહેરી ટુ વ્હીલર પર બેઠો હતો. મહિલા સ્કૂટર પાર્ક કરી લિફ્ટમાં પહોંચતા આ શખ્સ લિફ્ટ ખુલી રાખી ઉભો રહી ગયો હતો.

મોઢા પર માસ્ક બાંધી માથે ટોપી પહેરેલા શખ્સે મહિલાની છેડતી કરી.
મોઢા પર માસ્ક બાંધી માથે ટોપી પહેરેલા શખ્સે મહિલાની છેડતી કરી.

બીભત્સ ચેષ્ટાઓ કરવાનું શરૂ કરી દીધું
જેથી મહિલાએ તેને જવા માટે કહેતા પહેલા શખ્સે મહિલાને પ્રથમ લિફ્ટમાં જવાનું કહ્યું હતું. બાદમાં મહિલાએ અંદર જઈને દરવાજો બંધ કરવા જતા આ શખ્સે હાથ આડો રાખી લિફ્ટ ખોલી હતી. અને બીભત્સ ચેષ્ટાઓ કરવાનું શરૂ કરી દીધું હતું. અશ્લીલ હરકત કરતા મહિલાએ તુરંત યોગાની મેટ આડી રાખી લિફ્ટની બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો અને શખ્સને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું. ત્યારે આ શખ્સ લાજવાના બદલે ગાજ્યો હતો અને મહિલાને સીડી ચડી જવાનું કહ્યું હતું. જેથી મહિલાએ બૂમો પાડીશ તેમ કહેતા શખ્સ ઉશ્કેરાયો હતો અને તેણે મહિલાને માથાના ભાગે માર મારી ગાલ પર થપ્પડો મારી હતી. તેણીનું ગળુ દબાવી દીધું હતું અને મહિલાને ધક્કો મારીને ત્યાંથી નાસી ગયો હતો.

આ શખ્સે મહિલા સાથે અશ્લીલ હરકત કરી.
આ શખ્સે મહિલા સાથે અશ્લીલ હરકત કરી.

..ત્યાં સુધીમાં નાસી ગયો
મહિલાએ બૂમો પાડતા ચોકીદાર દોડી આવ્યો હતો અને તેને સમગ્ર બનાવની જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં આ શખ્સ નાસી ગયો હતો. જેથી યોગા ટીચરે આ અંગે માલવિયાનગર પોલીસ મથકમાં કાળા કલરનું ટ્રેક પેન્ટ અને મરૂન કલરનું ટી-શર્ટ અને મોઢે માસ્ક પહેરેલા આ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદ પરથી આરોપી સામે IPCની કલમ 354(એ), 323 મુજબ ગુનો નોંધી આ અજાણ્યા શખ્સને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. બનાવની વધુ તપાસ એએસઆઇ જી.વાય.પંડ્યા ચલાવી રહ્યા છે.

વિકૃત શખ્સ સીસીટીવીમાં કેદ.
વિકૃત શખ્સ સીસીટીવીમાં કેદ.