કોરોના રાજકોટ LIVE:કોરોના ધીમો પડ્યો તો મચ્છરજન્ય રોગોમાં વધારો, એક અઠવાડિયામાં ચિકનગુનિયાના 4, ડેન્ગ્યુના 7, શરદી-ઉધરસના 569 કેસ નોંધાયા

રાજકોટ2 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • રાજકોટમાં આજે બપોર સુધીમાં 5078 નાગરિકોએ વેક્સિન લીધી

સાતમ-આઠમનો તહેવાર પૂરો થયો છે અને બીજી તરફ કોરોના તો હજુ સુધી વધ્યો નથી પરંતુ અન્ય ચેપી રોગચાળાની ઝપટે હજારો લોકો ચડવા લાગ્યા છે. રાજકોટમાં ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી, શરદી-તાવના કેસો સાથે સાથે ચિકનગુનિયાના કેસો પણ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટ મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહમાં મચ્છરથી ફેલાતા અને અત્યંત પીડાદાયક ચિકનગુનિયાના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે પાણીજન્ય ચેપી ઝાડા-ઉલ્ટીના કેસો વધીને 113 નોંધાયા છે જે ગત સપ્તાહ કરતા 20 ટકા વધારે છે. જ્યારે ડેન્ગ્યુનાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. સામાન્ય શરદી ઉધરસના 569 કેસ નોંધાયા છે.

રાજકોટમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 42812 પર પહોંચી
રાજકોટમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 42812 પર પહોંચી છે. શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના કુલ 3433 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1645 સહિત કુલ 5078 નાગરિકોએ રસી લીધી હતી

ફોગિંગ, દવાનો છંટકાવ સહિતની કામગીરી ચાલુ
સૌથી વધુ વાયરલ શરદી, તાવના 569 કેસ મનપાના ચોપડે નોંધાયા છે. ગત સપ્તાહે 436 હતા. જેમાં આશરે 25 ટકાનો વધારો થયો છે. મનપાના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત શહેરમાં ખાનગી દવાખાના, હોસ્પિટલોમાં આ કેસોની સંખ્યા અનેકગણી વધારે હોવાની શક્યતા છે. વરસાદી પાણી અને ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળ્યો છે. માટે તેને ડામવા આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ, દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે. આ સાથે હજુ પણ આગામી દિવસોમાં રોગચાળાની સંખ્યામાં વધારો થાય તેવી પુરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે..

ચેપીરોગ બેકાબૂ બની રહ્યો છે
બીજી તરફ, આરોગ્ય કેન્દ્રોમાં તા.16-8થી 22-8ના સપ્તાહમાં શરદી, તાવ વગેરે રોગના કુલ 10,642 દર્દીઓને સારવાર અપાય હતી. તા.17થી ગત તા.29 સુધીના ગત સપ્તાહમાં આ સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે અને 14,078 દર્દીઓ નોંધાયા છે. એકંદરે જેનો ડર હતો તે કોરોના તો વધ્યો નથી. પરંતુ ફરજીયાત આરામ કરવો પડે તેવો અન્ય ચેપીરોગ બેકાબૂ બની રહ્યો છે. કોરોના વાયરસ નબળો પડવા સાથે જ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફ્લૂના વાયરસ જાણે કે વધુ સક્રિય થયા છે.

લોકો આટલું ધ્યાન રાખે
(1) ડેંગ્યુ-ચિકનગુનિયાથી બચવા મચ્છર ન કરડે, ઘરમાં મચ્છર ન રહે તેનું ધ્યાન રાખવું.
(2) અજાણ્યા લોકો વચ્ચે જાઓ ત્યારે માસ્ક અચૂક પહેરવું.
(3) ફરવા કે ભીડમાં જવું આ ઋતુમાં આરોગ્ય માટે જોખમી છે
(4) તાજો, હળવો-સુપાચ્ય ખોરાક લેવો. પાણી ઉકાળેલું,ચોખ્ખુ જ પીવું. ઠંડાપીણાથી જાળવવું.
(5) કોરોના રસીના બન્ને ડોઝ અચૂક લઈ લેવા.
(6) ભાગદોડને બદલે પૂરતો આરામ કરવો, જેનાથી ઈમ્યુનિટી જળવાય છે.

અન્ય સમાચારો પણ છે...