દરોડા:ખાવડા ગ્રૂપ પર આવકવેરાનું સર્ચ ઓપરેશન, 30થી વધુ સ્થળે દરોડા

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પહેલા રોકડેથી મોટાપાયે કરેલા વ્યવહારો પકડાયા

રાજકોટ ઈન્કમટેક્સ ઈન્વેસ્ટિગેશન વીંગની ટીમે કચ્છમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયનાન્સ પેઢી, રિઅલ એસ્ટેટ સહિતના અલગ-અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ખાવડા ગ્રૂપનો વ્યવહાર રોકડામાં થતો હોવાનું ધ્યાને આવ્યું હતું જે અનુસંધાને તપાસ કરાઈ હતી. એકીસાથે 32 થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. શુક્રવારે સવારે શરૂ થયેલી તપાસ સોમવાર સુધી ચાલશે. મોડીરાત સુધીમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા છે.

તપાસમાં રાજકોટ, અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત સહિત રાજ્યભરના 300 થી વધુ અધિકારીઓનો કાફલો જોડાયો હતો. છેલ્લા છ મહિનાથી આ ગ્રૂપ રોકડમાં વ્યવહારો કરતી હોવાનું આવકવેરા વિભાગને ધ્યાને આવ્યું હતું અને ત્યારથી જ તેના તમામ ધંધાકીય-અંગત નાણાકીય વ્યવહારો પર નજર રખાતી હતી. છ મહિનાની તૈયારી બાદ આખું ઓપરેશન પાર પડાયું હતું. તપાસનીશ અધિકારીના જણાવ્યા મુજબ ખાવડા ગ્રૂપના મુખ્ય માલિક અનંતભાઈ ઠક્કર છે. આ સિવાય તેના અન્ય ભાગીદારોના રહેણાક- ધંધાકીય સ્થળ, ઓફિસ, ગોડાઉન સહિતના સ્થળે તપાસ કરાઇ હતી.

જો કે ચૂંટણીને લઇને રોકડ વ્યવહારો પર આવકવેરા વિભાગની ખાસ સ્કવોડની રચના કરાઇ છે. જે એરપોર્ટ પર ખાસ તૈનાત રહેશે. એવા સમયે જ કચ્છમાં રોકડ વ્યવહારને લઇને આવકવેરા વિભાગે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરતા બિલ્ડર લોબી અને વેપાર જગતમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. તપાસમાં આવક-જાવકના હિસાબો, રોકડના વ્યાપાર વગેરેની ચકાસણી કરાઈ છે. રાજ્યવ્યાપી વ્યવહારો ખુલ્યા છે જે દસ્તાવેજો કબજે કરાયા છેે તે રાજકોટ ઓફીસ ખાતે લાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...