મેડિકલ ક્ષેત્રમાં સોપો પડ્યો:દેશની જાણીતી મેટ્રોપોલિસ પેથ લેબની રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરાની બ્રાન્ચમાં ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટની બ્રાન્ચમાં આઇટી વિભાગનું સર્ચ ઓપરેશન.

રાજકોટમાં સંજીવની મેટ્રોપોલિસ લેબોરેટરી સહિત બેથી વધુ સ્થળ પર ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ ઓપરેશ હાથ ધર્યું છે. આથી મેડિકલ ક્ષેત્રે સોંપો પડી ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણી સમયે જ મેડિકલ ક્ષેત્રે ઇન્કમ ટેક્સના સર્ચ ઓપરેશનથી આરોગ્ય ક્ષેત્રે ફફડાટ વ્યાપી ગયો છે. દેશની જાણીતી મેટ્રોપોલીસ પેથ લેબ ઉપર ગુજરાતભરમાં ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત દેશભરની બ્રાન્ચો ઉપર ઇન્કમ ટેક્સ ત્રાટક્યું છે. મુંબઈ, દિલ્હી સહિતના મહાનગરોમાં પણ ઇન્કમટેક્સે તપાસ હાથ ધરી છે. દેશવ્યાપી દરોડાના ઓપરેશનથી મેડિકલ ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે.

મુંબઈની ટીમ સાથે રાજકોટની ટીમ જોડાઈ
ચૂંટણી વખતે ઇન્કમ ટેક્સ વિભાગ ફરી એક વખત એક્શન મોડમાં આવ્યું છે. હજુ કચ્છના ખાવડા ગ્રુપ પરના દરોડા પરની કાર્યવાહી ચાલુ છે. ત્યારે આજે રાજકોટ સહિત દેશભરમાં આવેલા સંજીવની મેટ્રોપોલિસની લેબોરેટરીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યત્વે મુંબઈ ખાતે આવેલા મેટ્રો પોલીસ પેથોલોજી લેબોરેટરીમાં ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. જેના અનુસંધાને રાજકોટના મ્યુનિ. કમિશનર બંગલા પાસે આવેલા મેટ્રોપોલિસ લેબ ઉપરાંત અન્ય બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. મુંબઈની ટીમ સાથે રાજકોટ ઇન્વેસ્ટીગેશન વિંગ પણ જોડાઈ છે. આ દરોડામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તાજેતરમાં રાજકોટ-ભુજમાં આઇટીએ દરોડા પાડ્યા હતા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે રાજકોટમાં આવકવેરા વિભાગે મોટું સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે. તાજેતરમાં જ આઇટી વિભાગે રાજકોટ-ભુજમાં જાણીતા ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પડ્યા હતા. આ ગ્રુપ ફાઇનાન્સ, પ્રોપર્ટી અને ચેવડા-મીઠાઈ સહિતના અનેક વ્યવસાયમાં સંકળાયેલું છે. જેને પગલે રાજકોટ, ગાંધીધામ,અંજાર અને ભુજ ખાતે આવેલા ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર તપાસ દરોડા પાડીને ITએ તપાસ કરી હતી. આ મેગા સર્ચ-ઓપરેશનમાં 200 અધિકારીઓ જોડાયા હતા.

લેબનું શટર બંધ કરી આઇટી વિભાગે અંદર સર્ચ ઓપરેશન હાથ ધર્યું
લેબનું શટર બંધ કરી આઇટી વિભાગે અંદર સર્ચ ઓપરેશન હાથ ધર્યું

આઇટીના સરવેથી ભૂજ-ગાંધીધામમાં ફફડાટ વ્યાપ્યો હતો
વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે થોડા દિવસ પહેલા કચ્છમાં વિવિધ સ્થળે ઈન્કમટેક્સ વિભાગના દોઢસોથી વધુ અધિકારીઓએ વિવિધ પેઢીઓમાં સરવે હાથ ધરતાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામ, અંજાર, ભુજ અને માંડવીની વિવિધ અલગ અલગ પેઢીઓમાં આઈટીએ સર્વે હાથ ધર્યો હતો. ભુજના એક અગ્રણી હોટેલિયર, ગાંધીધામના એક અગ્રણી ફાઈનાન્સર અને માંડવીમાં એક અગ્રણી બિલ્ડર ગૃપને ત્યાં સરવે કર્યો હતો

લેબની અંદર જવાનો રસ્તો જ બંધ કરી દેવામાં આવ્યો
લેબની અંદર જવાનો રસ્તો જ બંધ કરી દેવામાં આવ્યો

ચૂંટણી ટાણે ITના દરોડા
નોંધનીય છે કે ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને અનેક સરકારી સંસ્થાઓને દરેક ઉમેદવાર પર નજર રાખવા જણાવ્યું છે. જેમાં આવકવેરા વિભાગ, રાજ્ય પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ સહિત ઘણી એજન્સીઓ સામેલ છે. ત્યારે ચૂંટણી નજીક છે એવા સમયે ITના દરોડા પડતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...