તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રની મેગા રેડ:રાજકોટમાં આર.કે બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેકસ તૂટી પડયુ, 45 સ્થળોએ મોટું સર્ચ ઓપરેશન,રૂ.3 કરોડથી વધુની રોકડ રકમ અને બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા

રાજકોટએક મહિનો પહેલા
આર.કે.ગ્રુપના સર્વાનંદ સોનવાણી પરિવાર સાથે
 • આર.કે.ગ્રુપના સર્વાનંદ સોનવાણી ઉપરાંત પરિવારના જગદીશભાઈ, ભરતભાઈ, કમલભાઈના સિલ્વર હાઇટસના રહેઠાણો-ઓફિસો ઉપરાંત તેના કોન્ટ્રાકટરો રમેશ પાંચાણી-આશિષ ટાંકના નિવાસે પણ દરોડા પડ્યા
 • બિલ્ડર-ફાઇનાન્સર લોબીમાં સોંપો, જંગી કરચોરી પકડાવાની શંકા

સૌરાષ્ટ્રમાં વર્ષ 2018 બાદ સૌથી મોટું સર્ચ ઓપરેશન આવકવેરા વિભાગ દ્વારા રાજકોટ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ રાખી 300 જેટલા અધિકારીઓના કાફલા સાથે રાજકોટમાં જાણીતા બિલ્ડર, ફાઇનાન્સર અને કોન્ટ્રાકટરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે લગભગ 3થી 4 દિવસ સુધી ચાલે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 45 સ્થળોએ ચાલતા સર્ચ ઓપરેશનમાં પ્રથમ દિવસે 3 કરોડથી વધુ રોકડ રકમ, બિનહિસાબી વ્યવહારો અને કાચી ચીઠી પણ થતા વ્યવહારો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઓફિસે પણ દરોડા-સર્વે કાર્યવાહી હાથ ધરવામાં આવી
ઓફિસે પણ દરોડા-સર્વે કાર્યવાહી હાથ ધરવામાં આવી

વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરાયુ
સપ્ટેમ્બર 2018 બાદ આવકવેરા વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન રાજકોટમાં હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટના જાણીતા બિલ્ડર ગ્રુપ અને ફાઇનાન્સર પર છેલ્લા એક વર્ષથી કરવામાં આવતી વોચ બાદ આવકવેરા વિભાગ દ્વારા એકાએક આવી મંગળવારની વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આર.કે. ગ્રુપ અને ગંગદેવ ગ્રુપ સાથે જોડાયેલા ભાગીદારો અને કોન્ટ્રાકટરોની ઓફિસ, રહેણાંક મકાન સહીતના 45 જેટલી જગ્યા પર દરોડા કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

45 જેટલી જગ્યા પર દરોડા કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે
45 જેટલી જગ્યા પર દરોડા કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે

અન્ય ભાગીદારો પાસે પણ રોકડ વ્યવહારોની વધુ વિગત મળી
સૂત્રોના જણાવ્યા મુજબ આર.કે. ગ્રુપના સર્વાનંદભાઈ સોનવાણી, જયેશભાઈ સોનવાણી, કમલભાઈ, બ્રિજલાલભાઈના રહેણાક અને ઓફિસ પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ સાથે આર.કે. ટ્રેડિંગ અને કુવાડવા રોડ પર આવેલ બે મિલમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સર્ચ દરમ્યાન તેમના અન્ય ભાગીદારો, કોન્ટ્રાકટરો સાથે સાથે કાચી ચીઠી પર થતા રોકડ વ્યવહારોની વધુ વિગત સામે આવી છે. આર.કે. ગ્રુપ ની સાથે સાથે ટ્રીનીટી ટાવર અને ભાગીદાર કિંજલ ફળદુની ઓફિસમાં સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહિ રેસકોર્સ નજીક સેન્ડી ગ્રુપના હરિસિંહ સુતરીયા ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

આર.કે. ટ્રેડિંગ અને કુવાડવા રોડ પર આવેલ બે મિલમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે
આર.કે. ટ્રેડિંગ અને કુવાડવા રોડ પર આવેલ બે મિલમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે

બિલ્ડર લોબી અને ફાઇનાન્સરોમાં ફફડાટ
હાલ આ સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ રોકડ રકમ તેમજ બેનામી વ્યવહારો અને અલગ અલગ બેન્ક એકાઉન્ટ સીઝ કરી સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવેલ છે. ત્યારે આર.કે. ગ્રુપ સાથે જોડાયેલા અન્ય ભાગીદારો, ફાઇનાન્સરો, કોન્ટ્રાકટરો અને રોકાણકારો અંગે પણ તપાસ થાય તેવી પુરી શક્યતા સેવામાં આવી રહી છે. અચાનક આવી પડેલ આવકવેરા દરોડાથી રાજકોટની બિલ્ડર લોબી અને ફાઇનાન્સરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આર.કે. ગ્રુપ સાથે જોડાયેલા અન્ય ભાગીદારોની પણ તપાસ થાય તેવી પુરી શક્યતા
આર.કે. ગ્રુપ સાથે જોડાયેલા અન્ય ભાગીદારોની પણ તપાસ થાય તેવી પુરી શક્યતા

છેલ્લા 20 વર્ષથી આર.કે. ગ્રુપ કાર્યરત છે
રાજકોટમાં બિલ્ડર-ફાઈનાન્સર ગ્રુપ પર ત્રાટકેલા ઈન્કમટેકસે અસાધારણ પુર્વ તૈયારી અને ફુલ હોમવર્ક કર્યુ હોય તેમ તમામે તમામ સ્થળના નામ-સરનામા જ નહીં પરંતુ અંદર જવાના અને બહાર નીકળવાના રસ્તાથી પણ વાકેફ હતા. સૂત્રોએ એમ કહ્યું કે છ મહિના કરતા અધિક સમયથી તમામ માહિતી એકત્રીત કરવામાં આવી રહી હતી. તમામના ધંધાકીય સ્થળો તથા રહેઠાણની પણ ઝીણીમાં ઝીણી માહિતી હતી. અગાઉથી જ ‘રેકી’ કરી લેવામાં આવી હોય તેમ ઓફીસ કે રહેઠાણની જગ્યા તો ઠીક ત્યાં પ્રવેશવાના અને બહાર નીકળવાના માર્ગોથી પણ અધિકારીઓ પરીચીત હતા એટલું જ નહીં, આ તમામ સ્થળોના ફોટા પણ સાથે હતા. રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી આર.કે. ગ્રુપ કાર્યરત છે જેઓ કોમર્શિયલ, રેસિડેન્સલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવી રહ્યા છે. તાજેતરમાં તેઓ દ્વારા 8 જેટલા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જેથી છેલ્લા એક વર્ષથી આવકવેરા વિભાગ દ્વારા તેમના પર નજર રાખવામાં આવી રહી હતી.

સૌથી મોટું સર્ચ ઓપરેશન
રાજકોટમાં આજથી ત્રણ વર્ષ પૂર્વે સપ્ટેમ્બર 2018માં આયકર વિભાગ દ્વારા રાજકોટમાં 5 જેટલા નામી બિલ્ડર ગ્રુપ ને ત્યાં 200થી વધુ અધિકારીઓ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડેકોરા ગ્રુપના જમનભાઈ પટેલ પુત્ર નિખિલ પટેલ ભાગીદાર કુલદીપ રાઠોડ, ધીરુભાઈ રોકડ પુત્ર ચેતન રોકડ અને ગોપાલ ચુડાસમાના ઓફિસ તેમજ રહેણાંક મકાનમાં પણ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ સૌથી મોટું સર્ચ ઓપરેશન ગઈકાલથી શરૂ કરવામાં આવ્યું છે.

8 જેટલા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યા છે
8 જેટલા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યા છે

આર.કે. ગ્રુપના પ્રોજેક્ટ

 • આર.કે. પ્રાઈમ 1
 • આર.કે. પ્રાઈમ 2
 • આર.કે. એમ્પાયર
 • આર.કે. ઇમ્પિરિઆ
 • આર.કે. આઇકોનિક
 • આર.કે. પાર્ક વ્યુ
 • આર.કે. એમ્બિઅન્સ
 • આર.કે. ડ્રિમલેન્ડ 1
 • આર.કે. ડ્રિમલેન્ડ 2
 • આર.કે. એક્ઝોટિકા
 • ધ સ્પાયર 1
 • ધ સ્પાયર 2
 • આર.કે. એલિગન્સ
 • આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન 1
 • આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન 2
 • સિટી સેન્ટર