• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Income Tax Department Raids On Businesses Including Finance, Property, Sweets Of Well known Group, Search Operation Started In Rajkot And Bhuj

ચૂંટણીટાણે જ ITનું મેગા ઓપરેશન:રાજકોટ-ભુજમાં ફાઇનાન્સ, ચેવડા-મીઠાઈનો બિઝનેસ કરતા ગ્રુપ પર આવકવેરા વિભાગની તવાઈ

રાજકોટ17 દિવસ પહેલા
  • આવકવેરા વિભાગનો સપાટો : ગાંધીધામ, અંજાર, ભુજ, રાપર અને માંડવીમાં 32 ટીમોએ ધસી આવી કાર્યવાહી આદરી
  • ફાયનાન્સ – આંગડીયા પેઢી, બિલ્ડર, લેન્ડ ડેવલોપર, હોટલ અને બેંક સેક્ટરમાં સર્ચ ઓપરેશનઃ મોડી રાત સુધી ચાલતી રહી તપાસ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે રાજકોટ અને ભુજમાં આવકવેરા વિભાગે મોટું સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે. જાણીતા ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પડ્યા છે. આ ગ્રુપ ફાઇનાન્સ, પ્રોપર્ટી અને ચેવડા-મીઠાઈ સહિતના અનેક વ્યવસાયમાં સંકળાયેલું છે. જેને પગલે રાજકોટ, ગાંધીધામ,અંજાર અને ભુજ ખાતે આવેલા ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર તપાસ દરોડા પાડીને ITએ તપાસ શરૂ કરી છે. આ મેગા સર્ચ-ઓપરેશનમાં 200 અધિકારીઓ જોડાયા છે. અને દરોડાની તપાસની કાર્યવાહીના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ભૂજ-ગાંધીધામના વિવિધ સ્થળે ITના સર્વેથી ફફડાટ
વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે આજે વહેલી સવારથી કચ્છમાં વિવિધ સ્થળે ઈન્કમટેક્સ વિભાગના દોઢસોથી વધુ અધિકારીઓએ વિવિધ પેઢીઓમાં સર્વે હાથ ધરતાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામ, અંજાર, ભુજ અને માંડવીની વિવિધ અલગ અલગ પેઢીઓમાં આઈટીએ સર્વે હાથ ધર્યો છે. ભુજના એક અગ્રણી હોટેલિયર, ગાંધીધામના એક અગ્રણી ફાઈનાન્સર અને માંડવીમાં એક અગ્રણી બિલ્ડર ગૃપને ત્યાં સર્વે ચાલી રહ્યો છે. આ પેઢીઓના માલિકો અને પાર્ટનરોના નિવાસસ્થાનો તથા વ્યાવસાયીક પ્રતિષ્ઠાનો પર સવારથી જ આઈટીની અલગ અલગ ટૂકડીઓએ ધસી જઈ કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણીના માહોલ વચ્ચે આઈટીની કાર્યવાહીએ અનેક તર્ક વિતર્ક ઊભાં કર્યાં છે. હાલ આ મામલે ઈન્કમ ટેક્સ વિભાગે કોઈ સત્તાવાર વિગતો જારી કરી નથી. પરંતુ આઇટીના રડારમાં મોટા ભાગના મહાજન કોમના વેપારીઓ છે.

200 જેટલા અધિકારીઓ જોડાયા
ગુજરાતમાં ફરીથી ઇન્કમટેક્સના દરોડાથી ખળભળાટ મચી ગયો છે. રાજકોટ, ગાંધીધામ,અંજાર અને ભુજમાં જાણીતા ગ્રુપની ઓફિસ પર વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા છે. હાલ રાજકોટમાં આવેલી ફાઇનાન્સ, પ્રોપર્ટી, મીઠાઈની ઓફિસ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે ગાંધીધામ,અંજાર અને ભુજ ખાતે આવેલી વિવિધ ઓફીસો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ ગ્રુપ મુખ્યત્વે મીઠાઈના વ્યવસાય સાથે જોડાયેલ છે. મળતી માહિતી પ્રમાણે, હાલ કુલ 200 જેટલા અધિકારીઓ આ દરોડાની કામગીરીમાં સામેલ છે.

ચૂંટણી ટાણે ITના દરોડા
નોંધનીય છે કે ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને અનેક સરકારી સંસ્થાઓને દરેક ઉમેદવાર પર નજર રાખવા જણાવ્યું છે. જેમાં આવકવેરા વિભાગ, રાજ્ય પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ,સહિત ઘણી એજન્સીઓ સામેલ છે. ત્યારે ચૂંટણી નજીક છે એવા સમયે ITના દરોડા પડતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

મોટી સંખ્યામાં દરોડા પડ્યા
જો કે આવકવેરા વિભાગની આ કાર્યવાહીમાં કેટલી કરચોરી થઈ છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે, રાજકોટ, ભુજ અને ગાંધીધામ એમ ત્રણેય જગ્યાએ આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં દરોડા પાડી રહ્યા છે.

1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે
આવકવેરા વિભાગની આ કાર્યવાહી એવા સમયે જોવા મળી છે જ્યારે ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી છે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતની સત્તા પર ભાજપનો કબજો છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની જોરદાર એન્ટ્રીના કારણે આ વર્ષે ત્રિ-પાંખિયો જંગ ખેલાશે

હિમાચલ પ્રદેશમાં પણ ITનું સર્ચ ઓપરેશન
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે થોડા દિવસ પહેલા હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાનમાં રાખીને, આવકવેરા વિભાગે મતદારોને પ્રભાવિત કરવા માટે ગેરકાયદેસર રોકડના ઉપયોગને રોકવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આવકવેરા વિભાગની ટીમે અપ્રમાણસર સંપત્તિની આશંકાને કારણે કોટખાઈ, ખલતુનાલા, સંજૌલી, ભટ્ટકુફર ન્યૂ શિમલા, સોલન ઉપરાંત ચંદીગઢમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સંયુક્ત કાર્યવાહી સિમલા અને પરવાનુની આવકવેરા વિભાગની ટીમોએ કરી હતી.

કોન્ટ્રાક્ટર પર દરોડા પડ્યા હતા
હિમાચલ પ્રદેશમાં ગેરકાયદેસર રોકડના ઉપયોગને રોકવા માટે, આવકવેરા વિભાગ, શિમલા અને પરવાનુની તપાસ શાખાએ મુખ્યત્વે સોલન અને શિમલા જિલ્લામાં સ્થિત એક કોન્ટ્રાક્ટર પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, શિમલા અને સોલન જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા છે.

તપાસ કરવામાં આવી રહી છે
હિમાચલ પ્રદેશમાં ન્યૂ શિમલા, નોર્થ ઓક સંજૌલી, કથુનાલા, સોલન, પંચકુલા અને ચંદીગઢમાં સ્થિત આ જૂથના સભ્યોના રહેણાંક મકાનોને પણ નુકસાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, દરોડા દરમિયાન કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે. આ મિલકત આવકવેરા વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ સિવાય શિમલા, ચંદીગઢ, પંચકુલા અને ઝીરકપુરમાં સ્થિત સ્થળોએ સ્થાવર મિલકતોમાં જ્વેલરી અને અન્ય રોકાણોના ગેરકાયદેસર સંચયની ઇન્વેન્ટરી અને પૂછપરછની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ચૂંટણીમાં રોકડના મોટા પ્રમાણમાં હેરફેર ને રોકવાનો પ્રયાસ?
ગુજરાત વિધાનસભા ચુંટણીની જાહેર થઈ ચુકી છે અને મતદાનને થોડા દિવસો જ આડે છે ત્યારે મોટા પ્રમાણમાં રોકડના અનધિકૃત વ્યવહારો થવાની શક્યતાને ડામવા માટે આ રૂટિન કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું આંતરીક સુત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ ચૂંટણી પહેલાજ થઈ રહેલી દરોડાની કાર્યવાહીને લોકો ઘણા તર્ક સાથે જોડીને જોઇ રહ્યા છે.

પ્રાથમિક તપાસમાં મળેલી રોકડ, ઘરેણા સીઝ કરાયા
સુત્રોએ દાવો કર્યો હતો કે 32 સ્થળોએ ચાલતી તપાસમાંથી કેટલાક સ્થળથી પ્રાથમિક રુપે મળી આવેલી રોકડ અને ઘરેણા, દાગીના સીઝ કરાયા હતા. જેના આધાર પુરાવા અને દસ્તાવેજો ન મળે તો જપ્તી પણ થઈ શકે છે, પરંતુ હાલ હજી કાર્યવાહી ચાલુ હોવાથી આયકર વિભાગ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...