રાજકોટમાં મેઘમહેર:વહેલી સવારથી અવિરત ધીમીધારે વરસાદ, રસ્તાઓ પર પાણી વહ્યા, હિલ સ્ટેશન જેવો માહોલ

રાજકોટ5 દિવસ પહેલા
રેસકોર્સ રિંગ રોડ પર પાણી ભરાયા.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ફરી રાજકોટમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. સતત ધીમીધારે વરસાદ વરસતા સવારમાં કામ પર જતા લોકો પરેશાન બન્યા હતા. વરસાદથી રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આથી લોકોએ ફરજિયાત રેનકોટ પહેરવાની નોબત આવી છે. છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય બફારાથી કંટાળેલા લોકોએ આજે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમામાંથી રાહત અનુભવી રહ્યા છે. ધીમીધારે વરસાદથી હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

શહેરના તમામ વિસ્તારમાં ધીમીધારે વરસાદ
વહેલી સવારથી આજે રાજકોટ શહેર અને જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. બાદમાં ધીમીધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. શહેરના રેસકોર્સ રિંગ રોડ, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ ચોકડી, કાલાવડ રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, 150 ફૂટ રિંગ રોડ, મવડી, માધાપર ચોકડી, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રેસકોર્સ રિંગ રોડ પર રસ્તામાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બની રહ્યા છે.

જિલ્લા પંચાયત ચોક પાસે રસ્તા પર પાણી ભરાયા.
જિલ્લા પંચાયત ચોક પાસે રસ્તા પર પાણી ભરાયા.

ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ
શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો લોધિકાના રાતૈયા, ખીરસરા, દેવગામ, બાલસર સહિતના ગામડામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત જસદણ, ધોરાજી, જેતપુર સહિતના પંથકમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

બહિમાળી ભવન પાસે ધીમીધારે વરસાદ.
બહિમાળી ભવન પાસે ધીમીધારે વરસાદ.

આજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદનું જોર રહેશે
મોન્સૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશનથી દક્ષિણ તરફ વળતા આજથી ચોમાસું સક્રિય થશે. ત્રણ દિવસ સુધી મધ્યમથી 3 ઈંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે. ચોમાસાને હજુ બે મહિના બાકી છે. ત્યારે આ બે મહિના જૂન-જુલાઈ જેવો જ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજથી વરસાદનું જોર રહેશે. તેમજ કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય 6 અને 7 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 8 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રેસકોર્સ રિંગ રોડ પર પાણી વહ્યા.
રેસકોર્સ રિંગ રોડ પર પાણી વહ્યા.