મતદારને ફટકારતી પોલીસના LIVE દૃશ્યો:વીરપુરમાં મતદાન મથકમાં મોબાઇલ સાથે લઇ જવા મામલે મતદારને કોન્સ્ટેબલે મુક્કા માર્યાં

રાજકોટએક મહિનો પહેલા
મતદાન મથક બહાર પોલીસે મતદારને માર માર્યો.
  • પોલીસે મતદારને માર માર્યા બાદ પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગઇ

આજે રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ 413 ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન માટે લોકો મતદાન મથક પર ઉમટી પડ્યા છે. વીરપુરમાં મતદાન કરવા આવેલો એક મતદાર અંદર મોબાઇલ સાથે જવા માગતો હતો. પરંતુ પોલીસે તેને મતદાન મથક બહાર જ રોક્યો હતો. બાદમાં મતદારે પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી. આથી કોન્સ્ટેબલે મતદારને ઢીબી નાખ્યો હતો. છૂટા હાથથી કોન્સ્ટેબલ મતદાર પર તૂટી પડ્યો હતો. જેના લાઇવ દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. આ મામલે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મતદારને માર મારનાર કોન્સ્ટેબલને અન્ય જગ્યાએ ફરજ પર મૂક્યો હતો.

મતદારને પોલીસવાનમાં બેસાડી અટકાયત કરાઇ
મતદારને માર મારનાર પોલીસ કોન્સ્ટેબલનું નામ પરેશ સિંધવ છે અને વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેમજ મતદારનું નામ રાજુભાઇ નાનુભાઇ ધાંધલ છે. પરેશ સિંધવે રાજુભાઇને માર મારી પોલીસવાનમાં બેસાડવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે રાજુભાઈ પોલીસવાનમાં બેસી રહ્યો નહોતો. આથી પરેશે બળજબરીથી રાજુભાઈને પોલીસવાનમાં બેસાડી તેને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જોકે આ ઘટનાથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને ભારે તંગદીલ માહોલ જોવા મળ્યો હતો. પરેશે રાજુભાઈને બોચીથી પકડી લીધો હતો અને પોલીસવાનમાં બેસાડી દીધો હતો. લોકોએ પણ પોલીસને જવા દ્યો તેવી વિનંતી કરી હતી.

કોન્સ્ટેબલે મતદારના મોઢા પર મુક્કા માર્યા.
કોન્સ્ટેબલે મતદારના મોઢા પર મુક્કા માર્યા.

મતદારને મોઢા પર મુક્કા માર્યા
કોન્સ્ટેબલે મતદારના મોઢા પર મુક્કા માર્યા હતા. મતદારે પોલીસને આજીજી કરી હતી કે સાહેબ હું તમારી સાથે આવું છું તમે મારો નહીં. તેમ છતાં પોલીસ જવાન તેને મારતો રહ્યો હતો. આજુબાજુમાંથી લોકોએ પણ મતદારને ન મારવા વિનંતી કરી હતી.

SP દોડી જઇ કોન્સ્ટેબલને અન્ય જગ્યાએ ફરજ પર મૂક્યો.
SP દોડી જઇ કોન્સ્ટેબલને અન્ય જગ્યાએ ફરજ પર મૂક્યો.

પોલીસ કોન્સ્ટેબલ સાથે મતદારે ગેરવર્તન કર્યું: SP
આ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, વીરપુરમાં અમારા પોલીસ કોન્સ્ટેબલનો મતદાર સાથે ઘર્ષણનો બનાવ બન્યો હતો. એમાં મતદાર બૂથની અંદર મોબાઇલ લઇ જવા માગતા હતા. પરંતુ ડ્યુટી પર રહેલા અમારા કર્મચારીએ તેને ના પાડતા મતદારે ગેરવર્તન કર્યું હતું. આ ગેરવર્તન દરમિયાન બોલાચાલી થઇ અને બાદમાં ઘટના ઘર્ષણમાં ફેરવાઇ હતી. અમારી પાસે મતદારે ગેરવર્તન કર્યાના પુરાવા છે. બંનેએ જે રીતે કર્યુ તે અમને માન્ય નથી. આગળની તપાસ કરી રહ્યા છીએ.

પોલીસે મતદારને બોચીથી પકડી રાખ્યો.
પોલીસે મતદારને બોચીથી પકડી રાખ્યો.

રાજકોટ જિલ્લામાં 2235 પોલીસ જવાન સુરક્ષા બંદોબસ્ત જાળવી રહ્યા છે
ગ્રામપંચાયતની ચૂંટણીઓ માટે કુલ 965 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે. જેમાં 372 મતદાન મથક સંવેદનશીલ અને 87 મતદાન મથક અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે 413 ગ્રામપંચાયતોમાં કુલ 2235 પોલીસ જવાન સુરક્ષા બંદોબસ્ત જાળવી રહ્યા છે. મતદાન પ્રક્રિયા માટે 144 ચૂંટણી અધિકારી, 144 મદદનીશ ચૂંટણી અધિકારી અને 5501 પોલિંગ સ્ટાફ ફરજ પર હાજર છે.

પોલીસે મતદારને બળજબરીથી પોલીસવાનમાં બેસાડ્યો.
પોલીસે મતદારને બળજબરીથી પોલીસવાનમાં બેસાડ્યો.
પોલીસ અને મતદાર વચ્ચે ઝપાઝપી.
પોલીસ અને મતદાર વચ્ચે ઝપાઝપી.

(દિપક મોરબીયા, વીરપુર)

અન્ય સમાચારો પણ છે...