ગોંડલ પંથકમાં સિંહોથી ફફડાટ:વાસાવડ ગામે સિંહે વાડીએ બાંધેલી પાડીનું મારણ કર્યું અને ભેંસ પર હુમલો કર્યો, સિંહ પરિવારના ધામાથી ગ્રામજનોમાં ભય

રાજકોટ13 દિવસ પહેલા
વાસાવડમાં સિંહે પાડીનું મારણ કર્યું.
  • ખેડૂત ભૂપતભાઈ ખોખાણીની વાડીએ બાંધેલી ચાર-પાંચ ભેંસો ઉપર સિંહ ત્રાટક્યો હતો

ગોંડલ પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી જંગલના રાજા સિંહે પોતાના પરિવાર સાથે ધામા નાખ્યા છે. આથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગોંડલના સુલતાનપુર, ધુડશીયા, દેરડીકુંભાજી, રાવણા, વાસાવડ, મોટી ખિલોરી સહિતના ગામોમાં સિંહ પરિવારના આંટાફેરા જોવા મળી રહ્યા છે. વાસાવડ, રાવણા, દેરડીકુંભાજી સહિતના ગામોમાં સિંહે કરેલા મારણની ઘટનાઓ બાદ ગત રાત્રે વધુ એક વાસાવડ ગામે સિંહે પાડીનું મારણ કર્યુ છે તો ભેંસ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે.

દિવાળીએ વાસાવડમાં સિંહે ગાયનું મારણ કર્યું હતું
વાસાવડમાં ગત રાત્રિના ખેડૂત ભૂપતભાઈ અરજણભાઈ ખોખાણીની વાડીએ બાંધેલી ચાર-પાંચ ભેંસો ઉપર સિંહ ત્રાટક્યો હતો. સિંહે એક પાડીનું મારણ કર્યુ અને એક ભેંસની મારણની કોશિશ કરી હતી. જેમને લઈને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાસાવડ ગામે થોડા દિવસો પહેલા સિંહે દિવાળીના તહેવાર સમયે પણ સિંહે એક ગાયનું મારણ કર્યુ હતું અને સીમમાં કાનજીભાઈ હરજીભાઈ પરમારની વાડીમાં બાંધેલા બળદ ઉપર હુમલો કર્યો હતો.

બળદ પર પણ હુમલો કર્યો હતો.
બળદ પર પણ હુમલો કર્યો હતો.

વન વિભાગમાં દોડધામ વધી
આ કારણે ગોંડલ પંથકમાં સિંહના વધતા જતા હુમલાઓ અને મારણની ઘટનાઓને લઈને વનવિભાગ કર્મચારી, અધિકારીઓમાં ધોડધામ મચી ગઈ છે. વાસાવડ ગામે વધું એક સિંહે કરેલાપાડીના મારણને લઈને ગોંડલ ફોરેસ્ટના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બીજી તરફ ગોંડલ પંથકના ગામડાઓમાં સિંહ પરિવારના આંટાફેરાને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આસપાસની વાડીઓમાંથી ખેડૂતો એકત્ર થયા હતા.
આસપાસની વાડીઓમાંથી ખેડૂતો એકત્ર થયા હતા.

રોજિંદા સિંહનું લોકેશન જુદું-જુદું આવી રહ્યું છેઃ ફોરેસ્ટ ગાર્ડ
ફોરેસ્ટ ગાર્ડ પીએમ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સિંહનું લોકેશન રોજિંદા જુદું-જુદું આવી રહ્યું છે, પાંજરૂ મૂકવું શક્ય નથી. સિંહ રોજિંદા 10થી 15 કિલોમીટર વન વગડાના રસ્તા કાપી રહ્યો છે અને હાલ ફોરેસ્ટનો સ્ટાફ પરિક્રમા બંદોબસ્તમાં પણ હોય ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ હાલ ગોંડલ પંથકમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...