પારકી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની ઝુંબેશ વચ્ચે કલેક્ટરના આદેશ બાદ વધુ એક ફરિયાદ યુનિવર્સિટી પોલીસમથકમાં નોંધાઇ છે. પોલીસે વાજડીગઢ ગામે રહેતા વાલજીભાઇ ઉર્ફે વાલાભાઇ લખમણભાઇ ગમારાની ફરિયાદ પરથી કલ્પેશ બાબુ ઉર્ફે ભાનુ ડાંગર નામના ભૂમાફિયા સામે ગુનો નોંધ્યો છે. વાલજીભાઇ ઉર્ફે વાલાભાઇએ વાજડીગઢ ગામે 73.40 ચો.મી.ની જમીન દસ્તાવેજથી ખરીદ કરી હતી.
દરમિયાન ગામમાં ખરીદેલી જમીનમાં ભૂમાફિયા કલ્પેશ ડાંગરે કબજો જમાવી તેમાં બાંધકામ કરી દીધું હોવાની માહિતી મળી હતી. જેથી તપાસ કરતા કલ્પેશ ડાંગરે જમીન પર કબજો જમાવી લીધાનું જાણવા મળતા પોતાની જમીન પરત મેળવવા અને ભૂમાફિયા કલ્પેશ ડાંગર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા કલેક્ટરને અરજી કરી હતી. કલેક્ટર તંત્રની તપાસમાં વાલજીભાઇ ઉર્ફે વાલાભાઇની જમીન કલ્પેશ ડાંગરે પચાવી પાડ્યાનું ખૂલતા ગત તા.26-4ના રોજ કલેક્ટરે પોલીસને ગુનો નોંધવા હુકમ કર્યો હતો.
અન્ય બનાવમાં નાનામવા સર્કલ મેઇન રોડ પર ગોવિંદ રત્ન બંગ્લોઝની સામે આવેલા આવાસ ક્વાર્ટર્સમાં રહેતા ઇસમને પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આવાસ ક્વાર્ટર્સમાં રહેતા તનવીર ઇમરાન મહેતરના કબજામાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વોરા સહિતની ટીમ દોડી ગઇ હતી. આવાસના ગેટ પાસે ઊભેલા ઇમરાન મહેતરને પોલીસે સકંજામાં લઇ તપાસ કરતા તેની પાસેથી રૂ.6 હજારની કિંમતનો 12 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ કબજે કરી ઇમરાનની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.