લવ મેરેજ કર્યાના 2 મહિના બાદ જ ઉપલેટાના ખાખીજાળીયામાં 19 વર્ષીય હિના વિક્રમભાઈ ગોયલે આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક હિનાએ પિતાના ઘરે જ ઝેરી દવા ગટગટાવી હતી. હિનાએ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના મયુર આહીર નામના પોતાની જ્ઞાતિના જ યુવાન સાથે પરિવારની જાણ બહાર કોર્ટ મેરેજ કર્યા હતા. હિના સાસરે ન જઈ પિતાના ઘરે જ રહેતી હતી. બાદમાં છૂટાછેડા લેવા પણ સામાવાળા માનતા ન હોય જેથી આ પગલું ભર્યાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.
કોર્ટ મેરેજ અંગે હિનાના પરિવારને જાણ નહોતી
આ અંગે મૃતક હિનાના કાકાના દીકરા વિજયભાઈના જણાવ્યા મુજબ હિના 7 ધોરણ સુધી ભણી હતી. ભાણવડ નજીક આવેલા કલ્યાણપુરના મયુર નામના જ્ઞાતિના જ યુવાન સાથે આંખ મળતા 2 મહિના પહેલા બન્નેએ કોર્ટમાં મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ અંગે હિનાના પરિવારને જાણ નહોતી. કારણ કે, મેરેજ કર્યા બાદ હિના સાસરે ગઈ નહોતી. પરંતુ પિતાના ઘરે ખાખીજાળીયા જ રહેતી હતી.
કોઈ કારણસર હિના લગ્ન રાખવા માગતી નહોતી
વધુમાં જણાવ્યા મુજબ જોકે, થોડા સમયમાં જ પરિવારને આ અંગે જાણ થઈ ગઈ હતી. જે પછી કોઈ કારણસર હિના આ લગ્ન રાખવા માગતી નહોતી અને છૂટાછેડા આપવાની સામાવાળા યુવકને વાત કરી હતી. પરંતુ સામાપક્ષે મેરેજ છૂટાં કરવા માગતા ન હોય હિનાએ ગઈકાલે સાંજે 7 વાગ્યે પોતાના ઘરે જ કોઈ ઝેરી દવા પી લીધી હતી.
હિના બે બહેન અને એક ભાઈમાં મોટી હતી
આથી હિનાને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતા સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે આપઘાતના કારણની ખરાઈ કરવા વધુ તપાસ હાથ ધરી હતી. હિના બે બહેન અને એક ભાઈમાં મોટી હતી. તેના પિતા વિક્રમભાઈ ખેતી કામ કરે છે. દીકરીના આવા પગલાંથી પરિવારમાં શોક છવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.