બજેટ ખોરવાયા:બે દિવસમાં સિંગતેલમાં રૂ.80 કપાસિયામાં ડબ્બે રૂ.70 વધ્યા

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સટ્ટાખોરીને કારણે ભાવ ઊંચકાયા, સિંગતેલની સિઝન પૂરી થવા આવી છતાં તેલના ડબ્બાએ રૂ.2500ની સપાટી કુદાવી

છેલ્લા 10 દિવસથી ખાદ્યતેલમાં નરમ વલણ હતું. સિંગતેલ અને કપાસિયા બન્ને તેલના ભાવ નીચા ગયા હતા, પરંતુ તહેવાર શરૂ થતાં જ ફરી ભાવ ઉછાળો થયો છે અને બે જ દિવસમાં સિંગતેલમાં રૂ. 80 અને કપાસિયા તેલમાં રૂ.70નો ભાવવધારો થયો છે. ગણેશોત્સવ પૂરો થયા બાદ ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ નવરાત્રિનો તહેવાર શરૂ થતાં જ સટ્ટાખોરો ફરી સક્રિય બન્યા છે. જેને કારણે ભાવ ફરી ઊંચકાયા છે. ભાવ વધવાને કારણે સિંગતેલનો ડબ્બો રૂ.2520 નો થયો છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂ.2430 એ પહોંચ્યો હતો.

બુધવારે સાઇડ તેલમાં પામોલીનને બાદ કરતા અન્ય કોઇ તેલમાં નોંધપાત્ર ભાવવધારો- ઘટાડો જોવા નહોતો મળ્યો. પામોલીન તેલમાં માત્ર રૂ.20નો ઘટાડો જોવા મળ્યો હતો. પામાોલીન તેલના ભાવ ઘટ્યા બાદ તેલનો ભાવ રૂ.2000 એ પહોંચીને સ્થિર થયો હતો. જ્યારે મુખ્ય તેલમાં સ્થાનિક કક્ષાએ મોટી ઊથલપાથલ જોવા મળી હતી. સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1400-1475 ની સપાટીએ યથાવત્ રહ્યા હતા.જ્યારે કપાસિયા વોશનો ભાવ 1370-1375 નો રહ્યો હતો. જેમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. આજથી નવરાત્રિ પર્વની શરૂઆત થઇ રહી છે. સામાન્ય દિવસો કરતા તહેવારમાં તેલનો વપરાશ વધારે હોય છે
તેવા સમયે જ ફરી ભાવવધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.
મગફળીની નવી સિઝન શરૂ થાય તે પૂર્વે જ તેલના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. નવરાત્રિ અને દિવાળીના તહેવાર પર તેલનો ઉપયોગ વધુ થતો હોય છે. આવા સમયે વેપારીઓએ સંગ્રેહલો માલ બજારમાં ઊંચા ભાવે વેચવા સટ્ટો શરૂ કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...