રાજકોટમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે અને આજે તો શહેરમાં એક સાથે 12 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત જેતપુરના બોરડી સમઢિયાળા 53 વર્ષીય પુરુષનો પોઝિટિવ આવ્યો છે. જેને પગલે કુલ કેસની સંખ્યા 42929 થી છે. જયારે 44 દર્દીઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે સઘન રસીકરણ વચ્ચે લગ્નગાળા દરમિયાન કોરોનાના નિયમોના હળવા થતા પોશ એરીયામાં સંક્રમણ વધ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
ગ્રામ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 8 થઇ
શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ માથુ ઉંચક્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રોજ એક કેસ નોંધાઇ રહ્યો છે. આજે જેતપુરના બોરડી સમઢિયાળા 53 વર્ષીય પુરુષનો પોઝિટિવ આવ્યો છે. આથી એક્ટિવ કેસની સંખ્યા 8 થઇ છે. જેમાં 3 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો 5 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે. ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 14945 પર પહોંચી છે.
નચિકેતા સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી
રાજકોટની જાણીતી નચિકેતા સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. સ્કૂલમાં ધો.5માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી આરોગ્ય વિભાગ પણ સ્કૂલ ખાતે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સ્કૂલ દ્વારા 21 ડિસેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. સ્કૂલે વિદ્યાર્થીઓને 21 ડિસેમ્બર સુધી ઓનલાઇન અભ્યાસ કરાવવાનો નિર્ણય લીધો છે.
રાજકોટના DEOએ સ્પષ્ટતા કરી
આ ઉપરાંત એમ.વી. ધુલેશિયા સ્કૂલમાં એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થઇ છે. આ વિદ્યાર્થિની સ્કૂલમાં આવી નહીં હોવાની રાજકોટના DEOએ સ્પષ્ટતા કરી છે. આ સિવાય એસ.એન.કે. સ્કૂલમાં ટ્વીન્સ ભાઇ-બહેન કોરોનાથી સંક્રમિત થયા છે. આમા રાજકોટની 4 ખાનગી સ્કૂલોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.
દિવસમાં 14 કેસ નોંધાયા
રાજકોટમાં છેલ્લા બે દિવસથી 7-7 કેસ નોંધાયા છે. રોજ કેસની સંખ્યામાં વધારો થતો જતો હોવાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. આથી શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 32 પર પહોંચી છે. બે દિવસમાં જ 14 કેસ નોંધાયા છે. તેમજ ગઇકાલે 3 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કુલ કેસની સંખ્યા 42917 પર પહોંચી છે. બીજી તરફ ઓમિક્રોનનો ભય પણ સતાવી રહ્યો છે.
ચાર સ્કૂલમાં કોરોનાના કેસ આવ્યા છેઃ DEO
આ અંગે રાજકોટના DEOએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની જ ચાર સ્કૂલો છે. જેમાં કોરોનાના કેસ હોવાની વિગત બહાર આવી છે. નચિકેતા સ્કૂલના એક વિદ્યાર્થીનો રિપોર્ટ બે દિવસ પહેલા પોઝિટિવ આવતા સ્કૂલ દ્વારા એક અઠવાડિયાની રજા જાહેર કરાઇ છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની એક વિદ્યાર્થિની ઘરેથી ઓનલાઇન શિક્ષણ મેળવતી હતી તેને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થિની સ્કૂલે આવી નહોતી એટલે તેનો કોઇ ઇસ્યુ નથી કે તે સ્કૂલમાં કોઇ સાથે સંપર્કમાં હોય.
SNK સ્કૂલમાં ધો.10માં ભણતા ટ્વીન્સ ભાઇ-બહેન કોરોના પોઝિટિવ
SNK સ્કૂલમાં ધો.10ના ટ્વીન્સ ભાઇ-બહેન કોરોના પોઝિટિવ આવ્યા છે. આથી સ્કૂલને એક અઠવાડિયું બંધ કરવાની સૂચના આપવામાં આવી છે અને સંપર્કમાં આવેલા તમામનો ટેસ્ટ આજે થઇ રહ્યો છે. તેમજ MV ધુલેશિયા સ્કૂલમાં એક શિક્ષકને ગઇકાલે કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી સ્ટાફનું ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું છે તેમજ સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓને ટેસ્ટ કરાવી એક અઠવાડિયું રજા જાહેર કરવા સૂચના આપી દેવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના નિયમો સ્કૂલમાં ભૂલાયા છે આથી ફરીથી તમામ સ્કલોને સૂચનાઓ આપીશું. કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરે અને પાલન નહીં કરે તો તેની સામે નિયમો અનુસાર કાર્યવાહી થશે. સ્કૂલવાન અને રિક્ષામાં વિદ્યાર્થીઓને આડેધડ બેસાડવામાં આવે છે તે સ્કૂલ બહારની મુવમેન્ટ છે અને આ જવાબદારી RTOની છે. આ અંગે અમે RTOમાં જાણ કરીશું.
નચિકેતા સ્કૂલે વાલીઓ માટે એક યાદી જાહેર કરી
આ અંગે નચિકેતા સ્કૂલે એક યાદી જાહેર કરતા જણાવ્યું છે કે, હાલ લગ્નગાળાની સિઝન પૂર્ણ થતાં અમારી સંસ્થાના અમુક વિદ્યાર્થીઓમાં શરદી-ઉધરસ જેવા લક્ષણો જોવા મળ્યાહતા. આથી અમે સંસ્થામાં ગેરહાજરીની નોંધ લીધી છે. તેમજ ધોરણ-5ના અંગ્રેજી માધ્યમના એક વિદ્યાર્થીનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. જેની વાલીએ જાણ કરતા સાવચેતીના ભાગરૂપે સંસ્થાએ સત્વરે ધોરણ-5, માધ્યમ-અંગ્રેજીના તમામ હાજર વિદ્યાર્થીઓ તથા તેમના સંપર્કમાં આવેલા વિદ્યાર્થી અને સમગ્ર સ્ટાફ મિત્રો સહિત 111નો રેપિડ ટેસ્ટ આજે કરાવ્યો છે. જે તમામ લોકો કોરોના નેગેટિવ જાહેર થયા છે. તેમ છતાં સાવચેતીના પગલારૂપે અમે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના તમામ વર્ગો 16થી 21 સુધી ONLINE ચલાવવાનો નિર્ણય લીધો છે.
કલેક્ટર બેઠક યોજી સમીક્ષા કરી સરકારને સમીક્ષા રિપોર્ટ મોકલાશે
હવે સ્કૂલો સુધી કોરોના સંક્રમણ વધતા સ્કૂલો બંધ કરાવવા અંગે નિર્ણય લેવો પડે તેમ છે. આથી કલેક્ટર અરૂણ મહેશ બાબુએ તાકિદની બેઠક બોલાવશે. દરમિયાન જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આજે જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મનપાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી આવતા દિવસોમાં તમામ સ્કૂલોમાં શિક્ષણકાર્ય બંધ કરાવવાની જરૂર છે કે કેમ? તેની સમીક્ષા કરી અને આ બાબતે રાજ્ય સરકારને રિપોર્ટ મોકલી સરકારના માર્ગદર્શન મુજબ સ્કૂલો બંધ કરાવવા બાબતે આખરી નિર્ણય લેવા બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
શહેરમાં હવે એક જ ઘરમાં રહેતા લોકોમાં ચેપનું પ્રમાણ વધવા લાગ્યું
રાજકોટ શહેરમાં બુધવારે એકસાથે 5 પોઝિટિવ આવ્યા બાદ સતત બીજા દિવસે વધુ 7 પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી 5 તો એક જ પરિવારના છે. શહેરની પંચવટી મેઈન રોડ પર રહેતા પરિવારના 5 સભ્ય જેમાં 15 વર્ષની બે તરુણી, 74 વર્ષના વૃદ્ધ અને 43 વર્ષના બે પુરુષનો સમાવેશ થાય છે. આ તમામની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જોકે બે દિવસ પહેલા તેમના જ પરિવારના એક સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ આ તમામના સેમ્પલ લેવામાં આવતા પોઝિટિવ આવ્યા છે.
દરેકમાં 60થી વધુ લો રિસ્ક કોન્ટેક્ટ મળતા તંત્ર ઊંધા માથે
હાલ બધાનું કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલી રહ્યું છે અને દરેકમાં 60થી વધુ લો રિસ્ક કોન્ટેક્ટ મળતા તંત્ર ઊંધા માથે થયું છે. બીજા બે કેસમાં શાંતિનિકતન સોસાયટીમાં રહેતી 32 વર્ષની યુવતી તેમજ સાધુવાસવાણી રોડ પર રહેતા 65 વર્ષના વૃદ્ધ પોઝિટિવ આવ્યા છે. યુવતીની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની નીકળી છે જ્યારે વૃદ્ધની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નીકળી નથી.
ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી સહિત 12ને કોરોના
રાજકોટ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા સતત ત્રીજા દિવસે વધી છે. શુક્રવારે એકસાથે 12 નવા કેસ આવતા તંત્ર દોડતું થયું છે કારણ કે તમામ કોન્ટેક્ટને ટ્રેસ કરીને સ્ક્રિનિંગ કરવામાં રાત સુધી મેડિકલ ઓફિસર દોડી રહ્યા છે. શુક્રવારે સમગ્ર રાજ્યના કેસની સરખામણી કરતા રાજ્યના સૌથી વધુ 12 કોરોના કેસ નોંધાયા હોવાનું જણાયું છે. જે 12 પોઝિટિવ આવ્યા છે તેમાંથી એક 32 વર્ષની યુવતી છે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ઓસ્ટ્રેલિયાની છે. ઓસ્ટ્રેલિયા ઓમિક્રોનગ્રસ્ત નથી આમ છતાં જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ મોકલાયાં છે. બીજી તરફ પંચવટી સોસાયટીમાંથી વધુ એક વૃધ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
તેમના પરિવારમાં 24 કલાક પહેલા 5 પોઝિટિવ આવ્યા હતા જેમાં બે તરુણી પણ હતી. એક સભ્ય ઘણા સમય પહેલા કોરોનાગ્રસ્ત થયા હતા અને હવે વૃધ્ધ પણ પોઝિટિવ આવતા 8 સભ્યોના પરિવારમાંથી 6 અત્યારે કોરોનાગ્રસ્ત છે અને હોમ આઈસોલેટ છે. એક જ દિવસના 12 કેસનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરતા 60 હાઈ રિસ્ક અને 996 લો રિસ્ક કોન્ટેક્ટ જણાયા છે તેમાંથી 254ને શોધીને ક્વોરન્ટીન કરાયા છે બાકીનાના સંપર્ક કરવાનું ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.