રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ એટલે કે સર રવિન્દ્ર જાડેજા. રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટ ટિમ માટે એક અનોખું સ્થાન ધરાવે છે ચાહે પછી વાત જડ્ડુની બેટિંગની હોય, બોલિંગની હોય કે પછી ફિલ્ડિંગની. ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડીની યાદીમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે અને આજની ભારત પાકિસ્તાન વચ્ચેની ટી-20 મેચમાં પણ તેના ફેન્સ અલગ અંદાજમાં જોવા ઈચ્છી રહ્યા છે.
ટીમમાં મહત્વની ભૂમિકા અદા કરી
આજે જયારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 મેચ છે ત્યારે આજની આ મેચમાં સૌરાષ્ટ્રના સર જાડેજા પાકિસ્તાન પર ભારે પડશે તેવું ક્રિકેટ રસિકો અને તેમના ચાહકો માની રહ્યા છે. રવિન્દ્ર જાડેજા આજે ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તેઓ પોતાની ફિલ્ડિંગ , બોલિંગ અને બેટિંગ વડે ભારે પડી શકે તેમ છે જેની પાછળના મુખ્ય કારણ જોઈએ તો તાજેતરમાં રમાયેલ આઇપીએલ 2021 ની વિજેતા ટીમમાં રવિન્દ્ર જાડેજાએ UAE ખાતે ચેન્નઈ સુપર કિંગ્સની કપ્તાન કુલની ટીમમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. તેણે આઇપીએલ 2021 માં 16 મેચ રમી હતી જેમાં 227 રન નોંધાવ્યા હતા અને 13 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેણે અનેક શાનદાર કેચ ઝડપ્યા હતા માટે આજની મેચમાં જાડેજાનો અલગ અંદાજ જોવા મળી શકે તેમ છે.
ફાઇનલ મેચમાં 3 વિકેટ સાથે જાડેજાએ રનર્સ અપ સમાપ્ત કર્યું
ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2005 માં પોતાની 16 વર્ષની ઉંમરે ભારત માટે પ્રથમ અંડર -19 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને શ્રીલંકામાં વર્ષ 2006 દરમિયાન અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે તેને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચમાં 3 વિકેટ સાથે જાડેજાએ રનર્સ અપ સમાપ્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ મેચમાં ભારતની ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ પિયુષ ચાવલાએ 8 ઓવરમાં 4 વિકેટ જયારે રવિન્દ્ર જાડેજાએ કુલ 8 ઓવરમાં 2 ની ઈકોનોમી થી 16 રન આપી 3 વિકેટ હાસિલ કરી હતી જેમાં 1 ઓવર મેડન કરી બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું.
2005માં રવિન્દ્ર જાડેજાની માતાનું અવસાન થયું
રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988 ના રોજ ગુજરાતમાં સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના નવાગામ ઘેડ ખાતે થયો હતો. તેમના પિતા અનિરૂધ્ધસિંહ જાડેજા સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને તેમનું સ્વપ્ન હતું કે મારો દીકરો આર્મીમેન બને અને દેશ તેમજ પરિવારનું નામ રોશન કરે. પરંતુ રવિન્દ્ર જાડેજા નાનપણ થી જ ક્રિકેટમાં રસ ધરાવતા હતા અને તેઓ નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે ખુબ લગાવ ધરાવતા હતા. તેઓએ આ દિશા તરફ પોતાના કરિયરને આગળ વધારી એક સારા ક્રિકેટર બની ભારત દેશ અને પરિવારનું નામ રોશન કરવા વિચાર કરી લીધો હતો. આ દરમિયાન વર્ષ 2005માં તેમની માતાનું અવસાન થયું હતું અને બાદમાં તેના બેન નૈનાબા જાડેજા ખુબ જ મદદ કરી ભાઈને ક્રિકેટર બનાવવા મહેનત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.