રાજકોટના ન્યારી ડેમથી સ્પેશિયલ રિપોર્ટ:સેકન્ડે 21 લાખ લિટર પાણી આવી રહ્યું હતું, એક-એક મિનિટે શ્વાસ અધ્ધર થતો હતો, ડેમ તૂટતો બચાવવો એ પડકાર હતો, પહેલીવાર તમામ 11 દરવાજા ખોલાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડેમ પર દરવાજા ફિટ કરાયા બાદ ત્રીજા વર્ષે 9 ફૂટ ખોલાયા. - Divya Bhaskar
ડેમ પર દરવાજા ફિટ કરાયા બાદ ત્રીજા વર્ષે 9 ફૂટ ખોલાયા.
  • લોધિકામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ પડ્યો અને એ પાણી ન્યારી-1 ડેમમાં એકસાથે આવતાં બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકા પંથકમાં પડ્યો છે અને ત્યાંના પાણીનો પ્રવાહ લઈને આવતી મોટા ભાગની નદી ન્યારી નદીમાં ભળતાં ન્યારી-1 ડેમમાં પાણી આવે છે. એકદમથી ભારે વરસાદ આવતાં ન્યારી-1 ડેમની સપાટી જોખમી રીતે વધવાની શરૂ થઈ હતી. પાણીની આવક એટલી વધારે હતી કે મોડી રાત્રિના જ મનપાના ઈજનેરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને ત્યારથી જ સિટી ઈજનેર એમ. આર. કામલિયા, ડેપ્યુટી ઈજનેર હિતેશ ટોળિયા સહિતનો સ્ટાફ સ્ટેન્ડ ટુ હતો અને દરેક મિનિટ ગણાતી હતી, જોખમ એટલું હતું કે નિર્ણયમાં થોડી પણ ક્ષતિ રહે તો ન્યારી ડેમના ઉપરવાસના અથવા નીચાણવાસનાં ગામોમાં તારાજી થઈ જાય એમ હતી.

મનપાની ટીમે ડેમ પર રહીને રૂલ લેવલ તેમજ પાણી કેટલું છોડવું એનો નિર્ણય કર્યો હતો.
મનપાની ટીમે ડેમ પર રહીને રૂલ લેવલ તેમજ પાણી કેટલું છોડવું એનો નિર્ણય કર્યો હતો.

મનપાના ઈજનેર ટોળિયાએ જણાવ્યું હતું કે ‘પાણીનો પ્રવાહ 75000 ક્યૂસેક હતો, એટલે કે દર સેકન્ડે 21 લાખ લિટર પાણી ન્યારી-1માં આવી રહ્યું હતું. ડેમની સપાટી 47 ફૂટ છે, પણ રૂલ લેવલ દરિયાની સપાટી મુજબ મપાય છે અને એ મુજબ 1 ઓક્ટોબર સુધી 104.25 મીટરની જ રાખવાની હતી અને ડેમની પૂર્ણ ક્ષમતા 106ની જ છે, પણ પ્રવાહ એટલો વધારે હતો કે 4 દરવાજા ખોલ્યા છતાં સપાટી 105.20 કરતાં પણ વધી ગઈ હતી, એટલે કે રૂલ લેવલ કરતાં 2 ફૂટ પાણી વધારે હતું. પાણી જો એકદમથી છોડાય તો નીચાણવાળાં ગામોમાં તારાજી થાય અને જો ન છોડાય તો ઉપરવાસના લોધિકાનાં ગામો અને સ્ત્રાવક્ષેત્રમાં પાણી ભરાય અને કદાચ પૂર્ણ સપાટીએ પણ આવી જાય, તેથી તમામ માહિતી ઉચ્ચ અધિકારીઓને આપી દીધી હતી.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘દરવાજા કઈ રીતે ખોલવા અને કેટલા ખોલવા એની દર 15 મિનિટે ગણતરી કરાતી હતી, એમાં એક અડચણ કાલાવડ રોડ પરના ન્યારી નદી પરના બ્રિજની હતી, કારણ કે દરવાજા વધુ ખોલાય તો પુલ ડૂબી જાય એમ હતો, પણ એ નિર્ણય લેવો પડ્યો, કારણ કે પુલ તૂટી જાય તો ભલે તૂટી જાય, અમારે તો ડેમ બચાવવાનો હતો એટલે વાહનવ્યવહાર બંધ કરાવ્યો અને દરવાજા ધીરે ધીરે 9 ફૂટ સુધી ખોલ્યા. સવારે 10.30થી બપોરના 12.30 સુધી સતત જોખમ જ હતું. આખરે ધીરે ધીરે પાણી ઊતર્યું અને બપોરે 2 વાગ્યા બાદ રૂલ લેવલ પર પહોંચ્યા હતા. ડેમ 1975માં બન્યો હતો ત્યારથી અત્યારસુધીમાં બીજીવાર છે, જ્યારે પાણી 105 મીટર કરતાં વધુ ઉપર ગયું છે અને દરવાજા નાખ્યાના ઈતિહાસમાં પ્રથમ વખત તમામ 11 દરવાજા 9 ફૂટ સુધી ખૂલ્યા છે.’

ન્યારી ડેમ બે વખત આખો ભરાય તેટલું પાણી છોડાયું
પાણીની આવક એટલી વધારે હતી કે દર કલાકે 300 એમસીએફટી કરતાં વધુ પાણી છોડાઈ રહ્યું હતું. ડેમની ક્ષમતા 1200 એમસીએફટીની છે, પણ આ ડેમ બે વખત ભરાય એટલું 2400 એમસીએફટી કરતાં પણ વધુ પાણી એક જ દિવસમાં દરવાજા ખોલીને છોડી દેવાયું હતું, જે રસ્તાનાં તમામ ગામોમાં થઈને ન્યારી-2 ડેમ તરફ ગયું હતું.