રાજકોટમાં એક સપ્તાહમાં ત્રીજી સગીરા પીંખાઈ:થોરાળામાં ભાઈને મારી નાંખવાની ધમકી આપી પાડોશીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

રાજકોટ13 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં ત્રીજી સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. જ્યાં રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતી એક સગીરા પોતાના ઘરે હતી ત્યારે તેના પાડોશી શખ્સે મોબાઈલમાં કોલ કરી અગાસી પર બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચરી ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાઈ છે. આ પૂર્વે તા. 21 જુલાઈના રોજ નવો મોબાઇલ અને રૂપિયાની લાલચ આપી ચાલુ બસમાં તરુણી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેના 2 દિવસ બાદ તા. 23ના રોજ પાલક પિતા અને કારખાનેદારે સગીરા પર નજર બગાડી અવારનવાર બળાત્કાર ગુજાર્યાનો બનાવ સામે આવ્યું હતું. ત્યારે ત્યાં આજે વધુ એક સગીરા હવસનો શિકાર બનતા ચકચાર મચી જવા પામ્યો છે.

પોક્સો અને દુષ્કર્મ અંગે ફરિયાદ દાખલ
મૂળ જુનાગાઢ જિલ્લાના વંથલીના અને હાલ થોરાડા વિસ્તારમાં રહેતા મહિલાએ પોલીસ ફરિયાદમાં તેના પાડોશમાં રહેતા લાલાનું નામ આપતા તેની સામે આઇપીસી કલમ 450, 376(3), 506(2), 507 તથા પોકસો એકટ કલમ 4,6 હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘરની અગાસીએ બોલાવી હતી
મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે મૂળ જૂનાગઢના વંથલીના વતની અને હાલ રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પરિવારમાં સાથે રહીએ છીએ. હું છુટક સિલાઈકામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. મારી 15 વર્ષની દીકરી થોડા સમયથી ગુમસુમ રહેતી હતી જેથી ગઈકાલે મેં તેને પાસે બેસાડી પુછપરછ કરતા મારી દીકરીએ હકીકત જણાવી હતી કે તા.15/07 ના રોજ હું ઘરે હતી ત્યારે પાડોશીમાં રહેતો લાલો જેણે મોબાઈલમાં ફોન કર્યો હતો અને તેમણે ફોનમાં જણાવ્યું હતું કે તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ઘરની અગાસીએ બોલાવી હતી.

લાલો ત્યાંથી જતો રહ્યો
બાદમાં મોબાઈલ મૂકી હું અગાસીએ જતા ત્યાં થોડીવારમાં લાલો આવ્યો હતો અને હું કાંઈ સમજુ તે પહેલાં જ મારી સાથે બળજબરી કરવા લાગ્યો હતો અને તેમને આમ નહીં કરવા જણાવ્યું છતાં મારી સાથે તેમણે બળજબરી કરી શરીર સબંધ બાંધ્યો હતો અને મારા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આ લાલો ત્યાંથી જતો રહ્યો હતો. હાલ થોરાડા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પરિણીત છે.

મોબાઇલમાં મેસેજ જોયા બાદ પતિએ પોતાના પર પણ શંકા કરી હતી
પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, પુત્રીને ઓનલાઇન અભ્યાસ ચાલતો હોય પોતાનો મોબાઇલ પુત્રી ઉપયોગ કરતી હતી. ત્યારે પતિએ એક વખત પુત્રી ઉપયોગ કરતી મોબાઇલ ચેક કર્યો હતાે. મેસેજમાં કેમ છે, શું કરે છે, સૂઇ ગઇ કે જાગે છે તેવું લખેલું હતું. જેથી પતિએ આવેલા મેસેજમાં જવાબ દેવાનું ચાલુ કર્યું હતું. ત્યાર બાદ પતિએ આ મુદ્દે પોતાના પર શંકા કરી ઝઘડો પણ કર્યો હતો. એટલું જ નહિ પતિએ લાલાને બોલાવી ઠપકો આપી માર પણ માર્યો હતો, પરંતુ બાદમાં લાલો ઉર્ફે ગુલશન પોતાને નહિ પરંતુ પુત્રીને કરતો હોવાની પતિને ખબર પડી હતી. જેથી પતિએ પુત્રીની પૂછપરછ કરતા લાલો ઉર્ફે ગુલશને ધમકી આપી દુષ્કર્મ આચર્યાનું જાણવા મળ્યું હતું. જોકે પુત્રી પર દુષ્કર્મ થયાની પોતાને તેમજ પતિને ખબર પડી તે પહેલા લાલો ઉર્ફે ગુલશન નાસી ગયો હતો.