તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાસનનું ઉત્તમ ઉદાહરણ:રાજકોટ જિલ્લાના આ ગામમાં તમામ વહીવટ મહિલાઓ સંભાળે છે, ક્યારેય ચૂંટણી યોજવાની જરૂર પડી નહીં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લામાં લોધિકા નજીકના ખાંભા ગામની ખાસિયત એ છે કે આ ગામનો સમગ્ર વહીવટ મહિલાઓ સંભાળે છે. ગામના સરપંચ, ઉપ-સરપંચ અને સભ્યો મળી કુલ 9 મહિલાઓએ 4 વર્ષમાં ગામની કાયા પલટી નાખી છે. મહિલાઓએ શહેર જેવી સુવિધા ગામડામાં પહોંચાડી છે.

ગામમાં 4 વર્ષ પહેલા અનેક પ્રશ્નો હતા. ગામમાં રોડ- રસ્તાથી લઈ અનેક સમસ્યા હતી. બાદમાં ગ્રામજનોએ સાથે મળી પંચાયતનો તમામ કારોભાર મહિલાઓને સોંપવાનું નક્કી કર્યું. ચૂંટણી વિના જ બિનહરીફ મહિલા સરપંચ તરીકે અન્નપૂર્ણબા જાડેજાની વરણી કરવામાં આવી. સરપંચ ઉપરાંત ઉપસરપંચ અને 7 સભ્યો તરીકે પણ મહિલાઓની વરણી કરાઈ હતી. આજે ગામના દરેક વિસ્તારમાં પાયાના પ્રશ્નોનો ઉકેલ લાવી ગ્રામજનોને શહેર જેવી સુવિધા આપવામાં આ‌વી રહી છે. મહિલાઓની બોડીએ કાર્યભાર સંભાળ્યા બાદ ગામમાં ક્યારેય નાનો- મોટો વિવાદ પણ થયો નથી.

જાણીને નવાઈ લાગે તેવી વાત છે, પરંતુ ખાંભા ગામમાં ક્યારેય ચૂંટણી જ નથી થઈ. આઝાદીથી લઈ આજદિન સુધી ગામમાં સરપંચની બિનહરીફ વરણી કરવામાં આ‌વે છે. મહિલા સરપંચ જણાવે છે કે, ગામમાં તમામ જ્ઞાતિ સાથે જ હોય છે. જેથી ગામમાં કોઈ પક્ષ વિપક્ષ નહીં સૌ સમાંતર છે. ગ્રામજનોની મુખ્ય સમસ્યા પાણીની હતી. જેથી મહિલાઓએ સત્તા સંભાળતાની સાથે જ ગામમાં ટ્યૂબવેલથી ઘરે ઘરે પાણી પહોંડ્યું. સાથે ગામમાં 100 ટકા ભૂગર્ભ ગટરની વ્યવસ્થા છે.

ગામના 90 ટકા રસ્તા પાકા બનાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં, મહિલાઓ દ્વારા દરેક ઘરે શૌચાલય પણ બનાવવામાં આ‌વ્યાં છે. આ ઉપરાંત લોકો બેસવા માટે 100 વૃક્ષો વાવી બગીચો બનાવવામાં આવ્યો છે. મહિલા સરપંચ દ્વારા મહિલા સખી મંડળનું એક ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. જેમાં સરકાર તરફથી મળતા તમામ યોજનાના લાભ અંગે ચર્ચા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...