કલેક્ટર અરુણ મહેશ બાબુના જણાવ્યા અનુસાર, હીરાસર એરપોર્ટ ખાતે ફ્લાઇટ કેલિબ્રેશનની કામગીરી 4 અને 5 માર્ચના રોજ યોજાશે. એરપોર્ટ ખાતે ટ્રાયલ લેન્ડિંગના ભાગરૂપે રાજકોટ એરપોર્ટથી સવારે 9 વાગ્યે ફ્લાઈટ ટેક ઓફ કરશે અને હીરાસર એરપોર્ટ ખાતે સવારે 9.10 વાગ્યે લેન્ડિંગ કરશે. આ ટેસ્ટિંગ 4 અને 5 માર્ચ સમગ્ર દિવસ દરમિયાન ચાલનાર છે.
રાજકોટમાં આગામી તારીખ 5 માર્ચના રોજ CM ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સવારે 09: 30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થનાર છે. આ અંગે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને આજે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
વિવિધ કાર્યક્રમ યોજાશે
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલા સંમેલનમાં ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન, ગંગાસ્વરુપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને ચેક/મંજુરી હુકમ વિતરણ, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને કીટ/મંજુરી હુકમ વિતરણ, ત્રણ ઉદ્યમી મહિલાઓનું સન્માન, અન્ય યોજના હેઠળ કીટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાનાર છે.
મહીલાઓને માહિતીગાર કરાશે
આ કાર્યક્રમમાં મહીલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ જેવી કે, 181 અભયમ મહિલા હેલ્પલાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાઓ બેટી પઢાઓ, ડિસ્ટ્રિક્ટ પ્રોટેક્શન ચાઇલ્ડ યુનિટ, લીડ બેંક, આંગણવાડી કેન્દ્રમાં આપતા ફૂડ પોષણના સ્ટોલ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ડિજિટલ લિટરેસી, ડિજિટલ સેફટી અને સિક્યુરિટી, સાયબર સેફટી સહિતની જાણકારી આપતા સ્ટોલ પ્રદર્શિત કરી મહીલાઓને માહિતીગાર કરવામાં આવનાર છે.
માનસિક અસ્વસ્થ બહેનને ઘરે મોકલવામાં મદદ કરતી શી ટીમ
ચોટીલાના માનસિક રીતે અસ્વસ્થ બહેનને સખી વન સ્ટોપ સેન્ટરની શી ટીમે તેમના પરિવાર પાસે મોકલી માનવતાનું ઉત્તમ દ્રષ્ટાંત સ્થાપિત કર્યું છે. રાજકોટના એક ઉદ્યાનમાં એક બહેન ઘણા સમયથી સૂતા હતા. ગાર્ડનના સિક્યોરિટી ગાર્ડના ધ્યાને આ વાત આવતાં તેમણે સખી વન સ્ટોપ સેન્ટરમાં આ અંગેની જાણ કરી હતી. આથી પૂર્વ વિભાગની શી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સિક્યોરિટી ગાર્ડે બતાવેલ બહેન સાથે વાત કરતાં તેઓ માનસિક રીતે અસ્વસ્થ જણાયા હતા. આથી તેમની પાસે રહેલી ચિઠ્ઠીમાંથી મોબાઇલ નંબર મેળવીને ચોટીલા ખાતે રહેતા તેમના બહેનનું અને બાપુજીનું સરનામું તથા ફોન નંબર મળી આવ્યા હતા. જેના પર ફોન કરતાં તેમના બાપુજી તેમને આવીને લઈ ગયા હતા.
ઉધના યાર્ડ રિમોડલિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર
મુંબઈ ડિવિઝનના ઉધના યાર્ડમાં રિમોડલિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર તારીખ 04.03.2023 ના રોજ બાંદ્રાથી ઉપડનારી ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ અને તારીખ 05.03.2023 ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. જયારે તારીખ 05.03.2023 ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ વાયા છાયાપુરી-નાગડા-મક્સી-સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-નાગપુર થઈને દોડશે. અને તારીખ 05.03.2023ના રોજ રાજકોટ થી ઉપડનારી ટ્રેન નંબર 22937 રાજકોટ-રીવા સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ વાયા છાયાપુરી-નાગડા-મક્સી-સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-નાગપુર થઈને દોડશે. આ આ બન્ને ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.