કોરોના રાજકોટ LIVE:આજે ફરી કોરોના બ્લાસ્ટ શહેરમાં 440 અને ગ્રામ્યમાં નવા 133 કેસ નોંધાતા ફફડાટ, ગ્રામ્યમાં 1નું મોત, કોરોના બેકાબુ થયો

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કરુણા અભિયાનમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા અને સાંસદ મોકરિયાની રક્ષા કરતા PSI સહિત 5 પોલીસકર્મીઓ સંક્રમિત
  • જેતપુર તાલુકાના 38 ગામો સહિત જિલ્લાના 10 તાલુકાઓના 163 ગામોમાં 100% રસીકરણ કરાયું
  • સિવિલ હોસ્પિટલમાં હાલ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. આજે શહેરમાં નવા 440 અને ગ્રામ્યમાં 133 નોંધાતા ફફડાટ ફેલાયો છે. જયારે ગ્રામ્યમાં 1 દર્દીનું મોત થયું છે.આથી કુલ કેસની સંખ્યા 45351 પર પહોંચી છે. જયારે 193 દર્દીઓને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે સવારે ઉતરાયણ પર પક્ષીઓની સારવાર કરવા માટે કરુણા અભિયાન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા અને સાંસદ મોકરિયાની રક્ષા કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI ભટ્ટ સહિત 5 પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

153 ગામોમાં રસીકરણના બંને ડોઝની કામગીરી 100% પૂર્ણ
અત્યાર સુધીમાં જિલ્લાના 153 ગામોમાં રસીકરણના બંને ડોઝની કામગીરી 100% સંપૂર્ણ થયેલી છે. જેમાં સૌથી વધુ જેતપુર તાલુકાના 38 ગામમાં 100% ટકા રસીકરણ થયેલું છે. જ્યારે જામકંડોરણા તાલુકામાં 23, રાજકોટમાં 6, પડધરીમાં 16, લોધિકામાં 3, ગોંડલમાં 17, જસદણમાં 19, વીંછીયામાં 5 ધોરાજીમાં 27 અને ઉપલેટા તાલુકાના 9 ગામો મળી કુલ163 ગામોમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.જ્યારે રાજકોટના ભાંગડા, જીવાપર, ખારચીયા, પાડાસણ, રાજગઢ, સૂકી સાજડીયાળી એમ કુલ 6 ગામોમાં પણ 100 ટકા રસીકરણની કામગીરી થયેલ છે. જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ ડોઝ એક 121798 (100.02ટકા ) અને બીજો ડોઝ 1064574(84.02 ટકા) ની કામગીરી કરવામાં આવી છે.

પોઝિટિવિટી રેશિયો 5 ટકા સુધી પહોંચી ગયો
ગઈકાલે 8 મહિના બાદ શહેર અને ગ્રામ્યમાં એક જ દિવસમાં 319 કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં પોઝિટિવિટી રેશિયો રેકોર્ડ સ્તરે છે. બીજી લહેર કે જ્યારે સૌથી વધુ કેસ આવી રહ્યા હતા ત્યારે પોઝિટિવિટી રેશિયો 5 ટકા સુધી પહોંચી ગયો હતો પણ હાલ 5000ની આસપાસ ટેસ્ટ કરાતા પણ 319 કેસ આવતા 6 ટકા રેશિયો આવ્યો છે જે સૌથી વધુ છે.રાજકોટમાં આજે સાંસદ રામભાઈ મોકરિયા, MLA ગોવિંદ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમારે બસ્ટર ડોઝ લીધો હતો.

એક્ટિવ કેસની સંખ્યા 1668 થઇ
રાજકોટ શહેરમાં ગઇકાલે 319 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 1668 થઇ છે. જોકે 168ને ડિસ્ચાર્જ પણ કરાતા હવે એક્ટિવ કેસની સંખ્યા પણ ઝડપથી ઘટશે તેવી શક્યતા છે. કેસની
સંખ્યા વધી રહી છે પણ હોસ્પિટલાઈઝેશન ખૂબ ઓછું હોવાથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ માત્ર 17 જ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

ગ્રામ્યમાં ગઇકાલે 56 કેસ નોંધાયા
રાજકોટ ગ્રામ્યમાં ગઇકાલે નવા 56 કેસ આવ્યા હતા જે મંગળવારની સરખામણીએ ઓછા છે. ગ્રામ્યમાં ધોરાજી બાદ ગોંડલમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો અને હવે બંને તાલુકામાં એકસરખા કેસ આવી રહ્યા છે. જ્યારે જામકંડોરણામાં પણ 8 કેસ આવ્યા છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં હજુ પોઝિટિવિટી રેશિયો 3 ટકાએ પણ પહોંચ્યો નથી અને હાલ 413 એક્ટિવ કેસ છે. જેમાંથી માત્ર 8 હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ધોરાજીમાં કોરોના વિસ્ફોટથી નાયબ કલેક્ટર દોડતા થયા
ધોરાજીમાં કોવિડ પોઝિટિવ કેસોમાં સતત વધારો થતાં નાયબ કલેક્ટરે સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસો વધતાં તંત્ર દ્વારા નિયંત્રણ સહિતના પગલાઓ ભરાયા છે. ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં સારવાર સહિતની વ્યવસ્થાઓ અંગે ધોરાજી નાયબ કલેક્ટર જી.વી.મિયાણી સહિતના અધિકારીઓની ટીમે મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલની નાયબ કલેક્ટર જી.વી.મિયાણીએ મુલાકાત લઇ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી જરૂરી સુચના આપી હતી.

ધોરાજીમાં 90 બેડ સાથેનો કોરોના વોર્ડ તૈયાર
ધોરાજીના નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓની ટીમે સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયને યોગ્ય વ્યવસ્થા માટે જણાવ્યું હતું. ધોરાજી સરકારી હોસ્પિટલમાં 90 બેડ સાથેનો કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પાંચ વેન્ટિલેટર બેડ, તેમજ RT-PCR લેબ, ઓક્સિજન પ્લાન્ટ અને ઇમરજન્સી માટે ઓક્સિજન સિલિન્ડર તૈયાર રાખવામાં આવ્યા હોવાની માહીતી આપી હતી. આ તકે સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ વેસેટીયન, ડો.રાજબેરા, ડો.સુહાનીબેન, મમતાબેન માવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.