આવક વધી:કોરોનાની બીજી લહેરમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 3 માસમાં SGST કલેક્શન 551 કરોડ વધ્યું; સ્ટિલ, સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં તેજી હતી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ખેતીવાડીમાં ઉપયોગી સાધનોનું વેચાણ વધવાને કારણે આવક વધી
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં માર્ચ, એપ્રિલ, મેમાં રૂ. 1746.92 કરોડની આવક

વર્ષ 2021 ના જાન્યુઆરીથી લઇને મે મહિના સુધી સૌરાષ્ટ્ર- કચ્છમાં એસજીએસટીની આવક રૂ. 2942.18 કરોડની થઈ છે.આ પાંચ માસમાં કોરોનાની બીજી લહેરમાં એટલે કે માર્ચ,એપ્રિલ અને મે માસ સુધીમાં એસજીએસટીનું કલેકશન રૂ. 1746.92 થયું છે જે સામાન્ય પરિસ્થિતિ એટલે કે જાન્યુ. અને ફેબ્રુઆરી માસ કરતા રૂ. 551.66 કરોડ વધારે છે.જ્યારે જાન્યુ. અને ફેબ્રુઆરી માસમાં રૂ. 1195.26 કરોડની આવક થઇ છે.

ખેતીવાડીમાં ઉપયોગી સાધનોની ડિમાન્ડ વધી
કોરોનાની બીજી લહેરમાં એસજીએસટીની આવક વધારે હોવાનું કારણ આપતા એસજીએસટીના જોઇન્ટ કમિશનર વી.એન. ગુર્જર જણાવે છે કે, આ સમયે ઔદ્યોગિક એકમો ચાલુ હતા તેમજ મોટા એકમોએ ટેકસ ભર્યો, સ્ટિલ,સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં તેજી હોવાને કારણે તેની પ્રોડકટની ડિમાન્ડ નીકળી હતી અને તેમાં વેપાર વધ્યો હતો તેમજ ખેતીવાડીમાં ઉપયોગી સાધનોની ડિમાન્ડ નિકળવાને કારણે આ બે માસમાં એસજીએસટીનું કલેકશન વધ્યું છે. જ્યારે કોરોનાની પહેલી લહેરમાં એટલે સપ્ટેમ્બરથી લઇને ડિસેમ્બર સુધીમાં સાૈરાષ્ટ્ર કચ્છમાં એસજીએસટીનું કલેકશન રૂ.1864.57 કરોડ થયું હતુ.

ગત વર્ષે રૂપિયા 5342.95 કરોડનો ટાર્ગેટ અપાયો હતો, આ વર્ષનો હવે જાહેર થશે
નાણાકીય વર્ષ 2020-2021 માટે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરને રૂ. 1464.61 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને તેની સામે કલેકશન રૂ. 1254.15 કરોડનું થયુ હતુ. જ્યારે જૂનાગઢ, જામનગર અને કચ્છમાં ટાર્ગેટ રૂ. 3878.34 કરોડનો આપવામાં આવ્યો હતો. જેની સામે કલેકશન રૂ. 3375.34 કરોડનું કલેકશન થયું છે. જો કે, આ વર્ષનો ટાર્ગેટ હજુ જાહેર કરાયો નથી.

વર્ષ 2020-21માં રેન્જ મુજબ થયેલી SGSTની આવક

રેન્જઆવક કરોડમાં
જુનાગઢ319.6
જામનગર1795.76
કચ્છ1762.98
રાજકોટ911.6
સુરેન્દ્રનગર153.47
મોરબી189.08

જાન્યુઆરીથી મે મહિના સુધીની SGSTની આવક

મહિનોઆવક કરોડમાં
જાન્યુઆરી603.55
ફેબ્રુઆરી591.71
માર્ચ617.45
એપ્રિલ682.47
મે447

વર્ષ 2019-2020માં વધુ ટાર્ગેટ અપાયો હતો
નવા નાણાકીય વર્ષનો ટાર્ગેટ અગાઉના વર્ષ કરતા 25 ટકા વધુ અપાતો હોય છે. પરંતુ વર્ષ 2020-21 નો ટાર્ગેટ 2019-2020 ની સરખામણીએ એસજીએસટીનો ટાર્ગેટ ઓછો હતો. જેમાં 2019-2020 નાણાકીય વર્ષમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરને રૂ. 1921.93 કરોડનો ટાર્ગેટ અપાયો હતો. જેની સામે કલેકશન રૂ. 1520.80 કરોડનું હતુ. જ્યારે જૂનાગઢ, જામનગર અને કચ્છમાં એસજીએસટીને રૂ. 7828.73 કરોડની સામે 4614.99 કરોડની આવક થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...