મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વન તૈયાર કર્યું:કોરોનાની બીજી લહેરમાં રાજકોટની ભાગોળે જ્યાં ચિતાઓ સળગતી હતી ત્યાં 7575 પીપળાનું વાવેતર

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મજૂરથી લઈને ઉદ્યોગપતિએ પોતાનો સહયોગ આપ્યો

કોરોનાની બીજી લહેરમાં ન્યારી ડેમ નજીક આવેલ વાગુદળ પાસે ઊભા કરેલા સ્મશાનમાં દિવસ રાત ચિતાઓ સળગતી હતી ત્યાં 7575 પીપળાનું વાવેતર કરીને આખું પીપળા વન તૈયાર કરવામાં આવ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આખું પીપળાવન તૈયાર કરાયું છે જેમાં મજૂરથી લઈને ઉદ્યોગપતિનો સહયોગ સાંપડ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર ચુનીભાઈ વરસાનીએ જણાવ્યું હતું કે, આખું પીપળા વન ઊભું કરવાની કામગીરી ગત જૂન જુલાઈ માસથી શરૂ કરાઇ હતી. આ જમીન પર પથરાળ હોવાથી સૌથી પહેલા મોટો પડકાર ખાડા કરવા માટેનો હતો. જેસીબીથી ખાડા નહીં થતાં ડ્રિલિંગ મશીનથી ખાડા કરવામાં આવ્યા હતા. જ્યારે વાવેતર કર્યું હતું ત્યારે પીપળાની ઊંચાઈ 5 ફૂટની હતી.

પીપળાની ઊંચાઈ 10 ફૂટની છે. 100 થી વધુ મજૂરોએ દિવસ રાત કામગીરી કરી હતી. આખું પીપળાવન તૈયાર કરવામાં અને તેના નિભાવ માટે રૂપિયા 3 કરોડનો ખર્ચ થશે. 30 ટકા જેટલો ખર્ચ હાલમાં ઉદ્યોગપતિએ ઉપાડ્યો છે. 6 ફૂટ સુધીના ખાડા કરવામાં આવ્યા છે. આખું પીપળાવન તૈયાર કર્યાને આગામી દિવસોમાં એક વર્ષ થઈ જશે.

સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલક વિજયભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ જ જમીન પર એમને અગ્નિદાહ આપવામાં આવ્યો છે એમને સાચી શ્રદ્ધાંજલિ મળે અને પર્યાવરણનું જતન થાય એ માટે આ પ્રકારનું પીપળાવન તૈયાર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...