રાજકોટ શહેરમાં ત્રીજી લહેરનું તાંડવ શરુ થયું હોય તેમ આજે નવા 716 કેસની સામે 3 દર્દીના કોરોનથી મોત થયા છે. શહેરમાં ગઈકાલે પણ 4 દર્દીનું મોત થયું હતું. આ પૂર્વે 27 જાન્યુઆરીના રોજ 3 દર્દી, 24 જાન્યુઆરીના રોજ 2 દર્દી અને 22 જાન્યુઆરીના રોજ 1 દર્દીનું કોરોનાથી મોત થયું હતું. રાજકોટ ગ્રામ્યમાં 266 નવા કેસ અને 323 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 2 દર્દીના મોત થયા છે.આમ દર 3-4 દિવસે સરેરાશ એકનું કોરોનાથી મોત થઇ રહ્યું છે. સદનસીબે મૃતાંક અને હોસ્પિટલાઈઝેશનમાં બીજી લહેર કરતા કેસ વધ્યા નથી. આથી તંત્રને ઘણી રાહત થઈ છે. આ સાથે ત્રીજી લહેરમાં ચોથી વખત પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જની સંખ્યા વધી છે. આજે 1695 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.
શહેરમાં 4 અને ગ્રામ્યમાં 1 મોત
ગઈકાલે 4 મોત થયા છે તેમાં 101 વર્ષના વૃદ્ધા, 79 વર્ષના વૃદ્ધા, 89 અને 55 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી 89 વર્ષના વૃદ્ધે રસીનો એક ડોઝ લીધો હતો જ્યારે બાકીના ત્રણેયે રસી લીધી નહોતી. એટલે કે ચારમાંથી કોઇ ફુલ્લી વેક્સિનેટેડ ન હતા. તબીબોએ અગાઉ ઘણી વખત કહ્યું છે કે જે લોકોએ રસી લીધી છે તેમાં કોરોના ગંભીર અસર કરતો નથી. લોકો હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ રહ્યા છે અને એક જ દિવસમા રસી વગરના 4 લોકોના મોતે ફરી સાબિત કર્યું છે કે રસીના બંને ડોઝ લેવાથી કોરોનાની ગંભીર અસરોથી બચી શકાય છે.
શહેરમાં હાલ 7423 એક્ટિવ કેસ
રાજકોટ શહેરમાં શુક્રવારે નવા 958 કેસ નોંધાયા હતા જેની સામે 1499 ડિસ્ચાર્જ થયા હતા. આ ઉપરાંત હાલ 140 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ સહિત શહેરમાં કુલ 7423 એક્ટિવ કેસ છે. 4 મોત ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં એક યુવાનનું મોત થયું હતું. 48 વર્ષનો આ યુવાન લિવર સંબંધી બીમારીથી પીડાઈ રહ્યો હતો અને આ દરમિયાન કોરોના લાગુ થતા સારવાર ચાલી રહી હતી. રાજકોટ ગ્રામ્યમાં શુક્રવારે નવા 255 કેસ તેમજ 249 ડિસ્ચાર્જ થયા હતા. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા1809 થઇ છે.
એક માસમાં રાજકોટની 70 સ્કૂલના 122 વિદ્યાર્થીઓ-શિક્ષકો સંક્રમિત
રાજકોટમાં એક મહિના દરમિયાન 70 સ્કૂલના 72 વિદ્યાર્થીઓ અને 50 જેટલા શિક્ષકો સહિત કુલ 122 જેટલા વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું. આ ઉપરાંત હાલ પણ રાજકોટની છ શાળાઓમાં કોરોનાના કેસ હોવાને કારણે સ્કૂલ એક સપ્તાહ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તમામ સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ અપાઇ રહ્યું છે
ઉલ્લેખનીય છે કે કેસ વધવાને કારણે સરકારે ધો.1થી 9ની સ્કૂલો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ તમામ સ્કૂલોઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સ્કૂલોમાં જ દરેક વિદ્યાર્થીને કોરોનાની રસી આપી દેવામાં આવી હોવાને કારણે સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓ પણ ઘેરબેઠા જ કોરોનામાંથી સાજા થઇ ગયા હતા. હાલ 6 શાળામાં કેસ આવવાને કારણે એક સપ્તાહ સુધી બંધ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.