હાઇકોર્ટમાં પિટિશન:PSIની ભરતીમાં સવર્ણોને અન્યાય મુદ્દે C R પાટીલને મળતા બાંભણિયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિનેશ બાંભણિયા - ફાઈલ તસવીર - Divya Bhaskar
દિનેશ બાંભણિયા - ફાઈલ તસવીર
  • સરકારના એફિડેવીટ પર નજર, તરફેણમાં નહી રહે તો 21મીએ મળનારી બેઠકમાં લડત અંગેનો નિર્ણય કરાશે
  • પ્રીલિમ્સમાં પાસ થયેલા 4400માંથી જનરલ કેટેગરીના 1207 ઉમેદવારની પસંદગી થવી જોઇતી હતી, જો કે માત્ર 107ને જ પસંદ કરી જનરલ સમુદાયને નાબૂદ કરવાનો પ્રયાસ

પીએસઆઇની ભરતી પ્રક્રિયાનું પ્રીલિમ્સનું પરિણામ જાહેર થયું તેમાં જનરલ કેટેગરીના 107 જ યુવાનને પસંદ કરવામાં આવતા આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે જનરલ કેટેગરીના ઉમેદવારોને થયેલા અન્યાય સામે ન્યાય અપાવવાની માંગ સાથે પાસના આગેવાન દિનેશ બાંભણિયા રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલને મળ્યા હતા.

PSIની ભરતીમાં જનરલ કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મળ્યા બાદ દિનેશ બાંભણિયાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઇની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, પ્રીલિમ્સનું પરિણામ જાહેર થયું જેમાં કુલ 4400 ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે જેમાં જનરલ કેટેગરીના માત્ર 107 ઉમેદવાર જ છે, જ્યારે નિયમાનુસાર 1282 ઉમેદવારને પસંદ કરવાના હતા, આ મામલે વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રજૂઆત
બાંભણિયાએ કહ્યું હતું કે, આ મામલે અગાઉ ગૃહમંત્રી અને રાજ્યના પોલીસવડા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને આજે રાજકોટ ખાતે વિદ્યાર્થીઓને સાથે રાખીને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પણ રજૂઆત કરવામાં આવી છે, પાટીલે આ મામલે ગૃહવિભાગને યોગ્ય કરવા રજૂઆત કરશે તેવી ખાતરી આપી હતી.

જનરલ કેટેગરીને નાબૂદ કરવાનો આ પ્રયાસઃ દિનેશ બાંભણિયા
બાંભણિયાએ કહ્યું હતું કે, પ્રીલિમ્સનું જે રીતે પરિણામ જાહેર થયું છે તે મુજબ જનરલ કેટેગરીને નાબૂદ કરવાનો આ પ્રયાસ છે, હાઇકોર્ટમાં થયેલી પિટિશન મામલે બુધવારે સરકાર એફિડેવિટ કરવાની છે, જો સરકાર જનરલ કેટેગરીના ઉમેદવારો તરફે એફિડેવિટ નહીં કરે તો આગામી તા.21ના ગાંધીનગર ખાતે જનરલ કેટેગરીમાં આવતા સમાજના આગેવાનોની બેઠક મળશે અને તેમાં આ લડત અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...