કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાની છૂટ આપવામાં આવી છે. જેને લઈને જ ઠેર-ઠેર નિયમોનાં પાલન સાથે ગરબા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે શહેરનાં જામનગર રોડ નજીકનાં વૃદ્ધાશ્રમ ખાતે પણ વડીલો માટે રાસ-ગરબાનાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જો કે વડીલો રાત્રીનાં સમયે જાગી કે રમી ન શકે તે માટે દિવસનાં સમયમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડીલો ઢોલનાં તાલે ઝૂમી ઉઠયા હતા. અને કહ્યું હતું કે, ઘરથી દૂર હોવાનો અહેસાસ પણ ભુલાઈ ગયો છે.
વડીલો મન મુકીને ગરબે ઘૂમ્યા
શહેરનાં જામનગર રોડ પર ખંઢેરી નજીક સદ્દભાવનાં ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમ આવેલો છે. જેમાં 30 જેટલા વડીલો ઘરની જેમ રહે છે. અને આ વડીલોને એકલતા ન લાગે તે માટે ટ્રસ્ટનાં સંચાલકો દ્વારા તમામ તહેવાર ઉજવવામાં આવતા હોય છે. જે અંતર્ગત વડીલોને રાસ રમાડવા માટે ખાસ ગરબા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં અહીં ઘર-પરિવારથી દૂર રહેતા બધા વડીલો મન મુકીને ઢોલનાં તાલે ગરબે ઘૂમ્યા હતા. અને તમામ દુઃખ ભૂલીને માતાજીની આરાધના કરી હતી.
ઉત્સાહનો અનુભવ થયો છે
આ વૃદ્ધાશ્રમમાં રહેતા એક વૃદ્ધાએ જણાવ્યું હતું કે, નવરાત્રીમાં ભગવાનની દયાથી અમને રાત્રે નહીં તો દિવસે ગરબે રમવાનો મોકો મળ્યો છે. આજે ગરબે રમવામાં તમામ વડીલો ઉપરાંત અહીંનો સ્ટાફ પણ હાજર હતો. અને અમારી ઉંમર અને શક્તિ પ્રમાણે જેટલું રમી શકાય તેટલું રમ્યા છીએ. આ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને રાસ લીધા બાદ એક અલગ જ ખુશી અને ઉત્સાહનો અનુભવ થયો છે. એટલું જ નહીં તહેવારોની આ રીતે ઉજવણી થતી હોવાથી ઘરથી દૂર હોવાનો અહેસાસ પણ ભુલાઈ ગયો હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.